વડોદરા : વડોદરાની સયાજી હોસ્પિટલમાં સીઝનલ ફ્લુના દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.રોજે રોજ ઓપીડી વિભાગ પાણી જન્ય અને મચ્છર જન્ય રોગોના લક્ષણો ધરાવતા દર્દીઓથી ઉભરાઈ રહ્યો છે.જેને કારણે કેટલાક દર્દીઓને વોર્ડના ફ્લોર પર જ પથારી આપી સારવાર કરવાની ફરજ પડી રહી છે.જ્યારે કોવિડ માટે કરાયેલી અલાયદી વ્યવસ્થાઓ બંધ કરી મેડિસિનના વોર્ડ પરત કોવિડ બિલ્ડીંગમાં અને આઈસીયુ પણ શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. વડોદરા શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોએ માથું ઉચક્યું છે. દિન-પ્રતિદિન ડેન્ગ્યુ , ચીકનગુનિયા કમળો , ટાઈફોડ , ઝાડા ઉલટી , તાવ સહિતના કેસો સરકારી હોસ્પિટલના ચોપડે નોંધાઈ રહ્યા છે.
જેના કારણે સરકારી હોસ્પિટલો પણ સીઝનલ ફ્લૂના દર્દીઓથી ઉભરાઇ રહી છે.આ અંગે સયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન ઐયરે જણાવ્યું હતું કે પાણીજન્ય,વેક્ટર જન્ય રોગોનો ચોમાસાની સિઝનમાં વધારો જોવા મળે તે સામાન્ય વસ્તુ છે.વડોદરા શહેરની અંદર મચ્છરોના કારણે ડેન્ગ્યુ, ચીકનગુનિયા, મેલેરિયા તથા દૂષિત પાણી અથવા તો પાણી ઉકાળ્યા વગર પીવાથી થતી બીમારીઓ જેવી કે ઝાડા ઉલટી વગેરે છે.અમુક વાયરસના કારણે થતા ઝાડા ઉલટી છે.આ બધા રોગો અત્યારે વધારે માત્રામાં જોવા મળી રહ્યા છે.ઓપીડીમાં ખાસ કરીને મેડિસિન ઓપીડી અને બાળકોની વિભાગની ઓપીડીમાં દર્દીઓનો ધસારો વધ્યો છે.કોવિડ દર્દીઓને કારણે અલાયદી ઊભી કરી હતી.