સુરત: મહિલાને લગ્નની લાલચ આપી બે વર્ષ સુધી તેનું શારીરિક શોષણ (Physically Abused) કરનારા એક પોલીસ કોન્સ્ટેબલ (Police Constable) વિરુદ્ધ કોર્ટે બળાત્કારનો (Rape) ગુનો નોંધવા આદેશ કર્યો છે. લગ્નની લાલચ આપી તરછોડી દેનારા પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ પીડિત મહિલાએ સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જો કે પોલીસે કોઈ કાર્યવાહી નહીં કરતાં પીડિતાએ કોર્ટનું (SuratCourt) શરણું લીધું હતું. સ્ત્રીનું શરીર, પુરૂષનું રમવાનું સાધન નથી તેવી નોંધ કોર્ટે ટાંકી સલાબતપુરા પોલીસને હુકમ કર્યો છે.
- લગ્નની લાલચ આપી બે વર્ષ શરીર સંબંધ બાંધ્યા હતાં
- સ્ત્રીનું શરીર પુરુષ માટે રમવાનું સાધન નથી: કોર્ટ
- મહિલાને ભોગવીને તરછોડી દેનારા સુરતના પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ રેપનો ગુનો નોંધવા કોર્ટનો આદેશ
કેસની હકીકત એવી છે કે શહેરના માનદરવાજા વિસ્તારમાં રહેતી એક મહિલાના પતિનું 2013માં મહિલાના અવસાન થયું હતું. એક વખત તેઓ ટ્રેનમાં સુરત આવી રહ્યાં હતાં ત્યારે પોલીસે તેમની સામે પ્રોહિબીશનને લગતો દારૂની હેરાફેરીનો કેસ કર્યો હતો. મહિલા સામે નોંધાયેલી ફરિયાદની તપાસ ખટોદરા પોલીસ મથકમાં નોકરી કરતાં કોન્સ્ટેબલ દિપક બાબુરાવ ખોંડે (હાલ નોકરી ડાંગ પોલીસ સ્ટેશન)ને સોંપવામાં આવી હતી.
જે દરમિયાન વારંવાર મુલાકાત થતાં બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. જેમાં દિપક ખોંડેએ મહિલાને એવો ભરોસો આપ્યો હતો કે હું તારી સાથે લગ્ન કરીશ. જેથી મહિલાએ દિપક ખોંડેને પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું હતું અને 2016થી 2018 દરમિયાન બેએક વર્ષ સુધી બંને વચ્ચે શારીરિક સંબંધ અવારનવાર બંધાયા હતાં. ત્યાર બાદ તેણે મહિલાને તરછોડી દીધી હતી.
ત્યાર બદા આ મહિલાએ સલાબતપુરા પોલીસ મથકમાં દિપક ખોંડે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
જો કે દિપક ખોંડે ખુદ પોલીસકર્મી હોવાથી અને સલાબતપુરા પોલીસ મથકે જ નોકરી કરતો હોવાથી, સલાબતપુરા પોલીસે મહિલાની ફરિયાદ અંગે કોઈ કાર્યવાહી કરી ન હતી. જેથી મહિલાએ એડવોકેટ ઈલ્યાસ પટેલ મારફત 7મા એડિશનલ જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં દિપક ખોંડે વિરુદ્ધ ફરિયાદ કરી ન્યાય માટે પોકાર કરી હતી.
દરમિયાન મહિલા તરફે એડવોકેટ ઈલ્યાસ પટેલે એવી દલીલ કરી હતી કે આરોપી પોતે પોલીસ ખાતામાં નોકરી કરતો હોવાથી, પોલીસ તેને બચાવવા માટે ફરિયાદીનું સાંભળતી નથી. આરોપી પોલીસ કોન્સ્ટેબલે મહિલાને લગ્નની લાલચ આપી, બે વર્ષ સુધી શારીરિક સંબંધ બાંધ્યા બાદ લગ્ન કરવાની ના પાડી તરછોડી દીધી હતી. જેથી આરોપી સામે ઈપીકો કલમ 376(સી) મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
દરમિયાન કેસની સુનાવણી પાંચમા જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટના જજ આકાર એલ. ત્રિવેદીની કોર્ટમાં ચાલી હતી. ફરિયાદી તેમજ આરોપી પક્ષની દલીલો સાંભળી જજ ત્રિવેદીએ પોલીસ કોન્સ્ટેબલ દિપક ખોંડે વિરુદ્ધ કલમ 376(સી) હેઠળ ગુનો નોંધવા સલાબતપુરા પોલીસ મથકને આદેશ કર્યો છે. જજ ત્રિવેદીએ પોતાના આદેશમાં નોંધપાત્ર રીતે ટાંક્યું છે કે સ્ત્રીનું શરીર, પુરૂષનું રમવાનું સાધન નથી. આરોપીએ કરેલું કૃત્ય એક રેપની વ્યાખ્યામાં આવે છે અને તે પ્રથમ દર્શનીય રીતે જણાઈ આવે છે.