SURAT

સુરતીઓને આ વર્ષે કેરી ખાવા જ નહી મળશે કે શું? જુનમાં પણ આટલી જ કેરી આવશે

સુરત: વાતાવરણ(Atmosphere)માં આવેલા બદલાવને કારણે તેમજ વિતેલા બે દિવસમાં સવારના સમયે દક્ષિણ ગુજરાત(South Gujarat)માં પડેલા માવઠાને કારણે કેરી(Mango)ના પાકને ભારે નુકસાન(lose) થયું છે. પરિણામે આ સિઝનમાં સુરતી(Surat)ઓ સારી કેરી ખાઇ શક્યા નથી. બજારમાં મે મહિનાનાં અંત ભાગમાં આવી જતી કેસર કેરી આ વખતે 10 દિવસ મોડી આવશે તેવું ખેડૂત અગ્રણીઓ પાસેથી જાણવા મળી રહ્યું છે. સુરત ઉપરાંત તાપી, નવસારી, વલસાડ ડાંગ જિલ્લામાં 50 હજાર વધુ હેક્ટર જમીનમાં પથરાયેલી આંબાવાડીઓમાં કમોસમી વરસાદને કારણે કેરીના પાકને આ સિઝનમાં નુકસાન થયું છે. જેના કારણે પણ કેરીની સિઝન આ વખતે મોડી પડી છે.

  • કમોસમી વરસાદથી સુરતીઓ આ સિઝનમાં કેસર, આફૂસ અને લંગડો કેરીનો જોઈએ તેવો સ્વાદ માણી શક્યા નહીં
  • વલસાડ, ગણદેવી, નવસારી, ચીખલીમાં થતી કેસર કેરી જૂનના પહેલા અઠવાડિયામાં આવશે : 60થી 70 ટકા કેરીના પાકને નુકસાન

શહેરની બજારોમાં હાલ ગીર તાલાલાની કેસર કેરી, મહારાષ્ટ્ર-સતારા અને નાસિકની આફૂસ તેમજ ઉત્તર પ્રદેશની તોતા કેરી વેચાઇ રહી છે. દર વર્ષે મે મહિનાના પહેલા અઠવાડિયામાં અલગ-અલગ રાજ્યથી તેમજ દ.ગુજરાતની વલસાડી આફૂસ તેમજ કેસર કેરી વેચાણ અર્થે આવી જતી હોય છે. પરંતુ આ વર્ષે સુરતીઓને ફળોના રાજા કેરીનો સ્વાદ ફિક્કો પડ્યો છે. કેસર કેરીની ડિમાન્ડ વધારે રહે છે. પરંતુ કેસર કેરીની સિઝન આ વખતે 10 દિવસ મોડી પડી છે. કમોસમી વરસાદને કારણે 60થી 70 ટકા જેટલો કેરીનો પાક બગડ્યો છે. વલસાડી આફૂસ, લંગડો તેમજ કેસર કેરી હજી બજારમાં વેચાવા માટે આવી નથી. જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં કેસર સહિતની દ.ગુજરાતની કેરી બજારમાં આવશે.

કેસર, આફૂસ, લંગડો સહિતની દ.ગુજરાતમાં થતી કેરી 10 દિવસ બાદ બજારમાં આવશે : જયેશ દેલાડ
ખેડૂત અગ્રણી જયેશ દેલાડે જણાવ્યું હતું કે, દ.ગુજરાતમાં ગત વર્ષે ચોમાસાની ઋતુ પૂરી થયા બાદ સતત માવઠાનો માહોલ રહ્યો હતો. આ વર્ષે પણ ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં સવારના સમયે ધુમ્મસછાયા વાતાવરણને કારણે આંબા ઉપર આવતા કેરીના મોર કાળા પડી ખરી પડતાં કેરીના પાકને ઘણું નુકસાન થયું છે. જેને કારણે સુરતનાં બજારોમાં આફૂસ, લંગડો, કેસર સહિતની દ.ગુજરાત વલસાડ, ધરમપુર, ગણદેવી, ચીખલીમાં થતી કેરી સુરતના માર્કેટમાં આવી નથી.

આદ્રા બેસી જતા હોવાથી જૈન સમુદાયના લોકો 22 જૂન બાદ કેરી ખાતા નથી : જિજ્ઞાબેન બંગડીવાળા
જિજ્ઞાબેનને જણાવ્યું હતું કે, આદ્રા બેસી ગયા બાદ જૈન ધર્મના લોકો કેરી ખાતા નથી. આદ્રા અંગે જૈન ધર્મના શાસ્ત્રોમાં ઉલ્લેખ છે તે પ્રમાણે આદ્રા 22 જૂનથી બેસી જતા હોય છે. ત્યારબાદ કેરીમાં જીવાત પડી જાય છે. તે કારણોસર કેરી ખાવામાં આવતી નથી. ઘરમાં કેરી ભરાવેલી હોય તો પણ તેને આદ્રા બેસે તે પહેલાં ખાઇ શકાય છે, ત્યારબાદ તેને ખાઇ શકાતી નથી.

Most Popular

To Top