SURAT

ક્રેઈન બાદ મેટ્રોમાં ઉપયોગમાં લેવાતી કારે રિક્ષાને ટક્કર મારી, મહિલાને ઈજા

સુરત: શહેરમાં મેટ્રો ટ્રેનનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. મેટ્રોની કામગીરીના લીધે અડધો રસ્તો રોકાઈ જતો હોવાના કારણે વાહનચાલકો તો હેરાન પરેશાન થઈ જ રહ્યાં છે પરંતુ મેટ્રોના લીધે શહેરમાં અકસ્માતોનું પ્રમાણ પણ વધી ગયું છે. હજુ બે દિવસ પહેલાં જ મેટ્રોની ક્રેઈન દોડતી રિક્ષા પર પટકાઈ હતી. હવે શુક્રવારે સાંજે મેટ્રોના લીધે વધુ એક અકસ્માત થયો છે.

  • સુરતમાં વધુ એક અકસ્માત
  • મેટ્રોની કારે રિક્ષાને ટક્કર મારી
  • મહિલાને ઈજા, હોસ્પિટલ ખસેડાઈ

મેટ્રોના કામ માટે ઉપયોગમાં લેવાતી કારે શુક્રવારે એક રિક્ષાને ટક્કર મારી હતી. આ ટક્કરના લીધે એક મહિલાને ઈજા પહોંચી છે. મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે. બીજી તરફ રિક્ષાનો ખુરદો નીકળી ગયો છે. આ ઘટનાને પગલે લોકો ભેગા થઈ ગયા હતા. પોલીસ પણ દોડી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત એસ ટી ડિવિઝનના રોડ ઉપર અકસ્માત થયો હતો. મેટ્રો રેલ પ્રોજેકટના ઉપયોગમાં લેવાતી કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતના લીધે રિક્ષામાં સવાર મહિલા પેસેન્જરને ઈજા થઈ હતી. તેણીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

અકસ્માતને લઈ મેટ્રો પ્રોજેક્ટનું કામ કરતા કોન્ટ્રકરના અધિકારીઓ સમગ્ર મામલે સમાધાન કરવા મથામણમાં લાગ્યા હતા. પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ગત રોજ મોડી સાંજે બનેલી ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જેમણે તપાસ હાથ ધરી હતી.

લોખંડના મોટા સ્ટ્રકચર સાથે મેટ્રોની ક્રેઈન રસ્તાની વચ્ચોવચ્ચ પડી, રિક્ષાનો ખુરદો નીકળી ગયો
આ અગાઉ 30મી નવેમ્બરના રોજ પણ એક અકસ્માત થયો હતો. મેટ્રોની કામગીરી વખતે રિંગરોડ પર ઉધના ચાર રસ્તા નજીક મોટી દુર્ઘટના બની હતી. અહીં મેટ્રોના પિલરના બાંધકામ દરમિયાન લોખંડના સ્ટ્રક્ચરને લઈને ઉપર જતી ક્રેઈન અચાનક ધડાકાભેર રસ્તા પર પટકાઈ હતી. આ ક્રેઈન રસ્તા પરથી પસાર થતી કાપડ ભરેલી ઓટોરિક્ષા પર પડી હતી, જેના લીધે રિક્ષાનો ખુરદો નીકળી ગયો હતો. સદનસીબે પાછળથી આવતી સિટી બસ દૂર હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. જોકે ક્રેઈન પડતાં રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.

સ્થાનિકો પાસેથી મળતી માહિતી અનુસાર ઉધના દરવાજા તરફ જતા રિંગરોડ પર મેટ્રોની ક્રેઈન લોખંડના સ્ટ્રક્ચર સાથે જમણી બાજુ પડી હતી. લોખંડનું મોટું સ્ટ્રક્ચર રસ્તા પરથી પસાર થતી ઓટો રિક્ષા પર પડ્યું હતું. સદનસીબે રિક્ષામાં કાપડનો જથ્થો હોવાથી કોઈને ઈજા થઈ નહોતી. પરંતુ રિક્ષાનો કડૂસલો વળી ગયો હતો. આ તરફ ક્રેઈન પટકાતા ક્રેઈનનો ડ્રાઈવર ગભરાઈ ગયો હતો અને ઘટના સ્થળ છોડી ભાગી ગયો હતો. મેટ્રોનો સ્ટાફ પણ ભાગી છૂટ્યો હતો.

રિક્ષા ચાલક રાજુ સાહુએ કહ્યું કે, કાપડનો જથ્થો પાંડેસરા લઈને જતો હતો. અચાનક ક્રેઈન માથે પડી હતી. ક્રેઈન પાછળ તરફ પડતા હું સહેજમાં બચી ગયો હતો. મને કંઈ વાગ્યું હોય તેવું લાગતું નથી. પોતે ઓડિશાનો રહેવાસી અને સુરતમાં પરવત પાટીયા વિસ્તારમાં રહે છે. આજે રિક્ષામાં પેસેન્જર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે.

Most Popular

To Top