વલસાડ: દક્ષિણ ગુજરાત(South Gujarat)માં ભારે વરસાદ(Heavy Rain)ના પગલે જન જીવનને માઠી અસર પહોંચી છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ વલસાડ(Valsad)માં નોંધાયો છે. વલસાડમાં 6.6 ઇંચ વારસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. વલસાડના નાનકવાડા ગામના વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદનાં પગલે આજે વલસાડ જીલ્લાની શાળા, કોલેજો, ITI તેમજ આંગણવાડીમાં રજા જાહેર કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં ઉમરગામ 7 અને પારડીમાં 6 ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે બાકીના તાલુકામાં પણ 5-5 ઈંચ વરસાદ નોંધાયો છે.
રસ્તા પર પાણી ભરાઈ જતાં કાર પાણીમાં ખાબકી
ભારે વરસાદનાં પગલે રસ્તાઓ પર પાણી ફરી વળતા એક દુર્ઘટના સર્જાઈ હતી. વલસાડના નનકવાડા વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાઈ જતાં કાર પાણીમાં ખાબકી ગઈ હતી. જેના પગલે આસપાસના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. મોડી રાત્રે પડેલા ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયું હતું. આ દરમિયાન બે મહિલાઓ પાણીમાં કાર ચલાવતા બેલેન્સ બગડ્યું હતું. જેના કારણે કાર રોડની સાઈડમાં ખેચાઇ ગઈને પાણીમાં ખાબકી હતી. કારમાં બે મહિલાઓ સવાર હતી. બનાવના પગલે આસપાસના લોકોએ તાત્કાલિક કારમાં સવાર બંને મહિલાઓને બચાવી લીધી હતી. આ બંને મહિલા સવારે જીમ જઈ રહી હતી. જે દરમિયાન આ ઘટના બની હતી. જો કે સદનસીબે મોટી જાનહાની ટળી હતી.
મેઘાએ સમગ્ર વલસાડ જિલ્લાને ઘમરોળ્યો
વલસાડ ડિઝાસ્ટર વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ સમગ્ર જિલ્લામાં વાદળછાયા અને ઉકળાટભર્યા વાતાવરણ વચ્ચે કેટલાક દિવસોથી વરસાદ ધીમી ધારે કે ક્યાંક ભારે વરસી રહ્યો છે. દિવસ દરમિયાન જિલ્લામાં સૌથી વધુ વરસાદ ઉમરગામમાં સાડાપાંચ ઈંચ અને વાપી-પારડીમાં ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાક ગુરૂવારે સાંજે 6 થી શુક્રવારે સાંજે 6 સુધીમાં સૌથી વધુ વરસાદ ઉમરગામમાં 7.32, પારડીમાં 6.28 અને બાકીના તાલુકામાં 5 ઈંચ વરસાદ નોંધાયો હતો. આકાશમાં ઘેરાયેલા કાળા ડિબાંગ વાદળોનો ગડગડાટ અને વીજળીના ચમકારા સાથે એકધારા વરસી રહેલા વરસાદે સમગ્ર જિલ્લાને તરબોળ કરી દીધો હતો. રાત-દિવસ સતત વરસતા વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં જનજીવન પ્રભાવિત થયું હતું.