Vadodara

ઇકો કારના ચોરીના સાઇલેન્સર વેચવા જતી ત્રિપુટી પકડાઈ

વડોદરા: ઇકકો કારમાંથી તફડાવેલા ચોરીના સાઇલેન્સર વેચવા કારમાં ફરતી અઠંગ ત્રિપુટીને નવાપુરા પોલીસે બે લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી હતી. છેલ્લા છ માસથી શહેર જિલ્લામાં માત્ર ઇકકો કારને જ નિશાન બનાવીને ગણતરીના સમયમાં મોઘાદાટ સાઇલેન્સર જ તફડાવતી ટોળકીએ હાહાકાર મચાવ્યો હતો. નવાપુરા પીઆ જે.કે.મકવાણા, પીએસઆઇ એમ.હડીયા, હે.કો. સુરજભાઇ, વિજયભાઇ, જયદિપસિંહ, અમીતભાઇ, જીતેન્દ્રસિંહ પો.કો. હિતેન્દ્રસિંહ, વિજયસિંહ, એલઆરડી કલ્પેશ દત્તેરામ પવાર સહિતના સ્ટાફે બાતમી આધારે આંબેડકર માર્ગ પર વોચ રાખી હતી.

બાતમી મુજબના નંબરવાળી માન્જા કારને આંતરીને પોલીસે તપાસ કરતા ડેકીમાં છુપાવેલા 4 સાઇલેન્સર મળી આવ્યા હતા. કારમાં સવાર ઇકબાલહુસેન ઉર્ફે ઇલુ મોહમંદહનીફ ઉર્ફે બન્નુમીયા શેખ (2)  સાજીદ શરીફભાઇ મલેક (બંને રહે. ભાથીજીના મંદિર પાસે, દુધ ડેરી સામે,મહેબુબપુરા, નવાપુરા) અને હસનઅલી શહાદતઅલી સૈયદ (વીમાના દાવાખાના) સામે મહેબુબ પુરા, નવાપુરા) પાસેથી પાના પક્કડ, લોખંડના અણીદાર સળીયા મળી આવ્યા હતા. પોલીસે કડકાઇભરી પૂછતાછ કરતા તમામ સાઇલેન્સર ચોરીના હતા અને વેચવા માટે નિકળ્યા હોવાની ચોકાવનારી કબૂલાત કરી હતી. ૯પ હજારની કિંમતના 4 સાઇલેન્સર, માન્જાકાર, એકટીવા, પાના પકકડ સહિત બે લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો.

રીઢા આરોપીઓએ ત્રણ ગુનાની કબૂલાત કરી હતી. ઇકકો કારના 4 સાઇલેન્સર તફડવવાની એમ.ઓ. એવી હતી કે સોસાયટી કે જાહર માર્ગ પર પાર્ક કરાયેલી ઇકકો કારની બાજુમાં, માન્જા કાર પાર્ક કરી, ઇકકો કારની ઉંચાઇ વધુ હોવાથી ગણતરીની પળોમાં એક તસ્કર નીચે જઇને સાઇલેન્સર ખોલી નાખીને બહાર કાઢતા જ ડેકીાં મૂકીને વીજળી વેગે પલાયન થઇ જતા હતા. નવાપુરા પોલીસને હજુ પણ વધુ ગુનાના ભેદ ઉકેલવાના કામગીરી હાથ ધરાઈ છે.

Most Popular

To Top