SURAT

સુરત પાલિકાએ આપેલી કાર શાસક પક્ષના નેતા અલ્હાબાદ લઈ ગયા, એક્સિડેન્ટ થતા વાત બહાર આવી

સુરત: સુરત મનપાના પદાધિકારીઓને મનપા દ્વારા ફાળવાતી કાર આમ તો શહેર પૂરતી મર્યાદીત હોય છે. છતાં પદાધિકારીઓ સરકારી ગાડીને પોતાના વતન કે અન્ય પ્રસંગોમાં બહારગામ લઇ જતા હોવાની વાત સામાન્ય થઇ ગઇ છે. આ માટે મનપાના કોમન પુલ વિભાગને જાણ કરવાની હોય છે.

  • શાસક પક્ષના નેતાને પાલિકાએ ફાળવેલી કારને અલ્હાબાદમાં અકસ્માત
  • નેતાજીના પરિવારના સભ્ય કાર લઇને નીકળ્યા હતા
  • મનપા પદાધિકારીઓને જે કાર ફાળવે છે તેની મર્યાદા શહેર પૂરતી જ હોય છે હોય છે
  • સિટી બહાર જવા માટે કોમનપુલ વિભાગને જાણ નહીં કરી હોવાની ચર્ચા

જો કે મોટા ભાગે નેતાઓ આ જાણ કરવાની તસ્દી પણ લેતા નથી. જ્યારે કોઇ અકસ્માત કે અન્ય ઘટના બને ત્યારે તેની જાણ થતી હોય છે. આવું જ શાસકપક્ષ નેતાને ફાળવાયેલી ઇનોવા કારને અલ્હાબાદમાં અકસ્માત નડતા ભોપાળું બહાર આવ્યું છે.

મળતી વિગતો મુજબ ગત અઠવાડીયે શાસકપક્ષ નેતા મનપા દ્વારા ફાળવાયેલી ઇનોવા કાર લઇને અલ્હાબાદ ગયા હતા. ત્યાં આ કારને અકસ્માત સર્જાતા કારને મોટું નુકશાન થયું છે. જો કે એવી પણ ચર્ચા છે કે, શાસકપક્ષ નેતાએ નિયમ મુજબ કોમન પુલ વિભાગને જાણ સુદ્ધા કરી નહોતી અને અકસ્માત સર્જાયા બાદ મોટું નુકસાન થયું હોવાથી વીમા કંપનીને ડોકયુમેન્ટની જરૂર પડતા આ ઘટના બહાર આવી છે.

આ ઉપરાંત એવી પણ ચર્ચા છે કે, આ કાર અન્ય રાજ્યમાં લઇ જવાઇ તેમાં શાસકપક્ષ નેતા હાજર નહોતા અને તેમના પરિવારના કોઇ સભ્ય સરકારી કાર લઇને ગયા હતા. જો કે આ મુદ્દે સ્પષ્ટતા કરવા ગુજરાતમિત્ર દ્વારા શાસકપક્ષ નેતાને ફાળવાયેલા મનપાના નંબર પર કોલ કરાયો હતો, પરંતુ રીસીવ થયો નહોતો.

Most Popular

To Top