ભરૂચ: (Bharuch) વાલિયા તાલુકાના ડહેલી ગામે એક સ્વિફ્ટ કારે (Car) ડેડિયાપાડાના બાઈક (Bike) ચાલકને અડફેટે લીધો હતો. ગંભીર રીતે ઘાયલ યુવકને હોસ્પિટલ દાખલ કરાયો હતો, પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- વાલિયાના ડહેલી ગામે કાર અડફેટે ડેડિયાપાડાના યુવકનું મોત
- યુવક નિયતક્રમ મુજબ ઝઘડિયાથી નોકરી પતાવી ઘરે પરત ફરી રહ્યો હતો અને કાળનો કોળિયો બની ગયો
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ડેડિયાપાડાના ઉંમરાણ ગામે રહેતા દિવેલીયા વસાવાનો નાનો યુવાન પુત્ર ૨૬ વર્ષીય અનિલ વસાવા ઝઘડિયાની ગેલેક્ષી કંપનીમાં ત્રણ વર્ષથી ઓપરેટર તરીકે નોકરી કરે છે. શનિવારે સાંજે તે નોકરી પરથી છૂટી રોજની જેમ બાઇક નં-GJ-૨૨,Q-૩૧૦૮ પર ઘરે જતો હતો, ત્યારે વાલિયાના ડહેલી ગામે સ્વીફ્ટ ડિઝાયર કાર નં. GJ-૦૫ CQ-૭૯૨૭ના ચાલકે તેને ફંગોળ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને અંકલેશ્વરની જયાબેન મોદીમાં ખસેડાતા ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. વાલિયા પોલીસે સ્વિફ્ટ ડીઝાયર કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
કારે અડફેટમાં લેતા વાવના આધેડનું મોત
કામરેજ: વાવ એસઆરપીએફ ગ્રૃપ 11ના આધેડને હાઈવે ક્રોસ કરતા મારૂતી ઈકો કારે અડફેટમાં લેતા ઘટના સ્થળે જ મોત નીપજયુ હતુ. કામરેજ તાલુકાના વાવ ગામે નહેર કોલોનીમાં રહેતા રવજીભાઈ મોહનભાઈ રાઠોડ રવિવારના રોજ સવારે 10.00 કલાકે નેશનલ હાઈવે નંબર 48 અમદાવાદ-મુંબઈ રોડ ક્રોસ કરવા જતાં મારૂતી ઈકો કાર નંબર જીજે 15 સીએચ 9674 ના ચાલકે અડફેટમાં લીધા હતા. જેથી શરીરે ગંર્ભીર ઈજા થતાં તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજયુ હતું. આ ઘટના અંગે મરનાર રવજીભાઈના જમાઈને જાણ થતાં તુરંત જ ઘટના સ્થળે દોડી આવી ઈકો કારના ચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.