ધરમશાલા(Dharamshala) : ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ સિરિઝની (IndiavsEngland) પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ ધરમશાલા ખાતે રમાઈ રહી છે. આજે તા. 9 માર્ચના દિવસે મેચનો ત્રીજો દિવસ છે અને ભારત ડ્રાઈવીંગ સીટ પર છે. ઈંગ્લેન્ડના 218 રનના સ્કોર સામે ભારતે પહેલી ઈનિંગમાં 477 રનનો વિશાળ સ્કોર ખડો કરી ઈંગ્લેન્ડને 259 રનની લીડ આપી હતી. જોકે, ઈંગ્લેન્ડના બેટ્સમેનો ભારતીય સ્પીનર્સ સામે ટકી શક્યા નથી અને 150ના સ્કોર પહેલાં જ 8 વિકેટ ગુમાવી દીધી હતી.
જોકે, ટેસ્ટ મેચના ત્રીજા દિવસે સૌથી મોટા સમાચાર ભારતીય કેપ્ટન રોહિત શર્માને (RohitSharma) લઈને આવ્યા હતા. ત્રીજા દિવસે ભારતીય ટીમ જ્યારે ફિલ્ડિંગ કરવા ઉતરી ત્યારે રોહિત શર્મા મેદાન પર આવ્યો નહોતો. તે ચાલુ ટેસ્ટ મેચ દરમિયાન જ બહાર થઈ ગયો છે. આ અંગે બીસીસીઆઈએ (BCCI) મોટું અપડેટ આપ્યું છે.
રોહિત શર્મા અંગે શું કહ્યું બીસીસીઆઈએ?
BCCIએ કહ્યું છે કે રોહિત ત્રીજા દિવસે મેદાનમાં નહીં આવે. તેની પીઠમાં દુખાવો છે. આ અપડેટ બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે વાઈસ કેપ્ટન જસપ્રીત બુમરાહ હાલમાં કેપ્ટનશિપની ભૂમિકા નિભાવી રહ્યો છે. રોહિત પાંચેય ટેસ્ટ રમી ચુક્યો છે અને તેને વર્કલોડના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય તેણે ગુરુવારે શાનદાર સદી ફટકારી હતી. તેણે 103 રનની ઇનિંગ રમી અને ઘણો સમય ક્રિઝ પર વિતાવ્યો. જો કે, તેની પીડા કેટલી ગંભીર છે તે જોવું રહ્યું, કારણ કે IPL પણ 22 માર્ચથી શરૂ થઈ રહી છે.
ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 218 રનમાં સમેટાઈ ગયો હતો
પહેલા ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 218 રનમાં સમેટાઈ ગયો હતો. કુલદીપ યાદવે પાંચ વિકેટ લીધી હતી. આ સાથે જ પોતાની 100મી ટેસ્ટ રમી રહેલા રવિચંદ્રન અશ્વિને ચાર વિકેટ ઝડપી હતી. આ સિવાય રવિન્દ્ર જાડેજાને એક વિકેટ મળી હતી. એટલે કે ઈંગ્લેન્ડની તમામ 10 વિકેટ ભારતીય સ્પિનરોએ લીધી હતી.