નવી દિલ્હી: વિશ્વભરના ક્રિકેટ (Cricket) ચાહકોની નજર હાલ મહિલા પ્રીમિયર લીગ (WPL) પર ટકેલી છે. આ લીગ માટે ટીમોએ પોતાના કેપ્ટનની (Captain) જાહેરાત કરવાનું શરૂ કરી દીધું છે. હાલમાં જ મુંબઈ ઈન્ડિયન્સની ટીમે તેના નવા કેપ્ટનની જાહેરાત કરી છે. ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર આ ટીમની કમાન સંભાળશે. મુંબઇમાં શનિવારથી શરૂ થઇ રહેલી મહિલા પ્રીમિયર લીગ (ડબલ્યુપીએલ)ની પહેલી એડિશનમાં મુંબઇ ઇન્ડિયન્સ ટીમની કેપ્ટન તરીકે ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરના નામની બુધવારે સત્તાવાર જાહેરાત થઇ હતી. ટીમની માલિક નીતા અંબાણીએ એક મીડિયા રિલીઝમાં બુધવારે કહ્યું હતું કે મુંબઇ ઇન્ડિયન્સની પહેલી મહિલા ટીમની કેપ્ટન તરીકે હરમનપ્રીતને મેળવીને અમે રોમાંચિત છીએ.
- રાષ્ટ્રીય કેપ્ટન તરીકે હરમનપ્રીતે ભારતીય મહિલા ટીમને તેમની કેટલીક રોમાંચક જીત અપાવી છે
- હરમનપ્રીત મુંબઈની વર્તમાન મુખ્ય કોચ ચાર્લોટ એડવર્ડ્સ સામે રમી ચૂકી છે
હરમનપ્રીત તાજેતરમાં સમાપ્ત થયેલા મહિલા T20 વર્લ્ડ કપ 2023માં ભારતના અભિયાનની આગેવાની કરતી વખતે 150 T20 મેચ રમનાર પ્રથમ ક્રિકેટર બની હતી. મહિલા વર્લ્ડ કપમાં નોકઆઉટ મેચમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ પણ હરમનપ્રીતના નામે છે. તેણીએ 2017 મહિલા ODI વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે અણનમ 171 રન બનાવ્યા હતા. રાષ્ટ્રીય કેપ્ટન તરીકે તેણીએ ભારતીય મહિલા ટીમને તેમની કેટલીક રોમાંચક જીત અપાવી છે.
હરમનપ્રીત મુંબઈની વર્તમાન મુખ્ય કોચ ચાર્લોટ એડવર્ડ્સ સામે રમી ચૂકી છે. સુકાની મેન્ટર અને બોલિંગ કોચ ઝુલન ગોસ્વામી સાથે પણ રમી હતી. તે વિશ્વના અન્ય ભાગોમાં T20 લીગમાં રમનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર પણ છે. ઝુલન અને શાર્લોટ ઉપરાંત મુંબઈમાં દેવિકા પાલશીકર અને લિડિયા ગ્રીનવે પણ અનુક્રમે બેટિંગ અને ફિલ્ડિંગ કોચ તરીકે છે. હરમનપ્રીત હવે એવી ટીમનું નેતૃત્વ કરશે જેમાં મહિલા ક્રિકેટની સાથે સાથે યુવા ખેલાડીઓ પણ સામેલ છે.