સાઉથ આફ્રિકા સામે ગયા અઠવાડિયે રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલને ગરદનમાં દુઃખાવો ઉપડયો હતો, જેના લીધે તે રિટાયર્ડ હર્ટ થયો હતો. આ મેચમાં ભારતની શરમનજક હાર થઈ હતી. બીજી ઈનિંગમાં જરૂર હોવા છતાં કેપ્ટન ગિલ રમતમાં ન ઉતરતા ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. જોકે, હવે ગિલ બાબતે નવા સમાચાર આવ્યા છે.
બીસીસીઆઈએ ગિલનું હેલ્થ બુલેટિન જાહેર કર્યું છે. તેમાં સ્પષ્ટ કર્યું છે કે આગામી શનિવારે તા. 21 નવેમ્બરથી બીજી ટેસ્ટ શરૂ થઈ રહી છે. આ મેચ માટે કેપ્ટન ગિલ ટીમ સાથે ગુવાહાટી જશે. જોકે, તેનું રમવું નિશ્ચિત નથી.
ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલના ગુવાહાટી પ્રવાસની પુષ્ટિ થઈ ગઈ છે. આ માહિતી BCCIના તાજેતરના અપડેટમાં જાહેર કરવામાં આવી છે. જોકે, 22 નવેમ્બરથી ગુવાહાટીમાં શરૂ થનારી ટેસ્ટ મેચમાં તે રમશે કે નહીં તે અંગે હજુ પણ સસ્પેન્સ છે.
દક્ષિણ આફ્રિકા સામે કોલકાતા ટેસ્ટના બીજા દિવસે ગરદનમાં ઈજા થતાં તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો. દિવસની રમત પછી તેનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું, તેને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો અને બીજા દિવસે તેને રજા આપવામાં આવી.
બીસીસીઆઈની મેડિકલ ટીમના જણાવ્યા અનુસાર, શુભમન ગિલ સારવારને સારો પ્રતિસાદ આપી રહ્યો છે. એવું નક્કી કરવામાં આવ્યું છે કે તે 19 નવેમ્બર, 2025 ના રોજ ટીમ સાથે ગુવાહાટી જશે. જોકે, તેની ઈજા પર સતત નજર રાખવામાં આવશે અને બીજી ટેસ્ટમાં તેની ભાગીદારી અંગે અંતિમ નિર્ણય મેડિકલ ટીમના રિપોર્ટના આધારે લેવામાં આવશે.
ગિલને શું થયું?
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કોલકાતા ટેસ્ટના બીજા દિવસે (15 નવેમ્બર) શુભમન ગિલને ગરદનમાં ઈજા થઈ હતી. વોશિંગ્ટન સુંદરના આઉટ થયા પછી ગિલ તે દિવસે મેદાન પર આવ્યો હતો.
ગિલ પહેલા બે બોલ પર કોઈ રન બનાવી શક્યો નહીં પરંતુ તે ઓવરના પાંચમા બોલ પર તેણે સિમોન હાર્મરને બેકવર્ડ સ્ક્વેર લેગ પર બાઉન્ડ્રી માટે સ્વીપ કર્યો. શુભમને શોટ રમ્યા પછી તરત જ તેની ગરદન પકડી લીધી. તેને ગળામાં ભારે દુઃખાવો થતો હતો. ત્યારબાદ ગિલ 3 બોલમાં 4 રન બનાવ્યા બાદ રિટાયર્ડ હર્ટ થઈ ગયો. તે બીજી ઇનિંગમાં પણ બેટિંગ કરી શક્યો નહીં.
કોલકાતામાં રમાયેલી પહેલી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 30 રનથી હરાવ્યું. આ ટેસ્ટમાં બાવુમા ટીમે ભારતીય ટીમને જીતવા માટે ફક્ત 124 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, પરંતુ શુભમન ટીમ તે સુધી પણ પહોંચી શકી ન હતી. પરિણામે આફ્રિકન ટીમે 15 વર્ષ પછી ભારતમાં ટેસ્ટ મેચ જીતી.
ગિલના સ્થાને પંત કેપ્ટન
હવે, જો ગિલ ગુવાહાટી ટેસ્ટ માટે ફિટ નહીં થાય, તો ઋષભ પંત તેની જગ્યાએ કેપ્ટનશીપ સંભાળશે. ગિલના નંબર 4 સ્થાન પર સાઈ સુદર્શન અથવા દેવદત્ત પડિકલ રમી શકે છે. દરમિયાન, દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમા શ્રેણી જીતવા માટે ઓછામાં ઓછા ડ્રો પર નજર રાખશે.