કેપટાઉન : (Cape Town) બુધવારે અહીં રમાયેલી મહિલા (woman) ટી-20 વર્લ્ડકપની (T-20 World Cup) એક મેચમાં ભારતીય સ્પીનર દીપ્તિ શર્માની (Deepti Sharma) આગેવાનીમાં ભારતીય બોલરોના ઉમદા પ્રદર્શનને કારણે વેસ્ટઇન્ડિઝની ટીમ 6 વિકેટે માત્ર 118 રન સુધી જ પહોંચી શકતાં મળેલા 119 રનના લક્ષ્યાંકને ભારતીય ટીમે શેફાલી વર્માની (Shefali Verma) આક્રમક શરૂઆત અને ઋચા ઘોષની નોટઆઉટ ઇનિંગની મદદથી 18.1 ઓવરમાં જ 4 વિકેટના ભોગે આંબી લઇને મેચ 6 વિકેટે જીતવા સાથે ટૂર્નામેન્ટમાં સતત બીજી જીત મેળવી હતી. મેચમાં ત્રણ વિકેટ લેનારી દીપ્તિ શર્માને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાઇ હતી.
- દીપ્તિ શર્માની આગેવાનીમાં ભારતીય બોલરોના ઉમદા પ્રદર્શન
- વેસ્ટઇન્ડિઝ 6 વિકેટે 118 રન સુધી જ પહોંચ્યું
- શેફાલીની આક્રમક શરૂઆત અને ઋચા ઘોષની નોટઆઉટ ઇનિંગ
દીપ્તિએ એક ઓવરમાં જ બે વિકેટ ઉપાડતા વેસ્ટઇન્ડિઝ બેકફૂટ પર ધકેલાયું
ટોસ જીતીને પહેલા બેટીંગ કરવા ઉતરેલી વેસ્ટઇન્ડિઝની ટીમને શરૂઆતમાં જ કેપ્ટન હેલી મેથ્યૂઝ આઉટ થતાં મોટો ફટકો પડ્યો હતો. જો કે શેમાઇન કેમ્પબેલ અને સ્ટેફની ટેલરે મળીને તે પછી 73 રનની ભાગીદારી કરીને બાજી સુધારી હતી. જો કે દીપ્તિએ એક ઓવરમાં જ બે વિકેટ ઉપાડતા વેસ્ટઇન્ડિઝ બેકફૂટ પર ધકેલાયું હતું અને તે પછી તેઓ ઝડપથી રન બનાવવાના પ્રયાસમાં વિકેટ ગુમાવવાને કારણે 118 રન સુધી જ પહોંચી શક્યા હતા. સ્ટેફાની ટેલરે સર્વાધિક 42 જ્યારે કેમ્પબેલે 30 રન કર્યા હતા. ભારત વતી દીપ્તિએ 3 જ્યારે પૂજા વસ્ત્રાકર અને રેણુકા સિંહે 1-1 વિકેટ ઉપાડી હતી.
ટીમ ઈન્ડિયા વેસ્ટઈન્ડિઝ સામે છેલ્લા 7 વર્ષથી હારી નથી
વેસ્ટઈન્ડીઝની સામે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. ટીમ ઈન્ડિયા કેરિબિયન સામે છેલ્લાં 7 વર્ષથી હારી નથી. હાલમાં જ રમાયેલી ટ્રાઇ સિરીઝમાં ભારતે વેસ્ટઈન્ડીઝને બે વખત હાર આપી હતી. ટીમ ઈન્ડિયાને કેરિબિયન્સ સામે છેલ્લીવાર હાર 2016માં વિજયવાડામાં મળી હતી.
કેપટાઉન ગ્રાઉન્ડ પર ટૉસ જીતીને બેટિંગ કરતા વેસ્ટઈન્ડિઝે 20 ઓવરમાં 6 વિકેટે 118 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ જીત માટે જરૂરી 119 રન 19મી ઓવરમાં 4 વિકેટે બનાવી લીધા હતા. કેપ્ટન હરમનપ્રીત કૌર અને રિચા ઘોષ વચ્ચે 72 રનની અડધી સદીની ભાગીદારીએ આ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કૌરે 33 અને રિચા ઘોષે 44 રન બનાવ્યા હતા. વિન્ડીઝ ટીમ તરફથી કરિશ્મા રામહાર્કે બે વિકેટ ઝડપી હતી. જ્યારે હેલી મેથ્યૂઝને એક વિકેટ મળી હતી.