World

26/11 હુમલાના આરોપી તહવ્વુર રાણાની નાગરિકતા રદ કરવાનો કેનેડાનો કડક નિર્ણય

26/11ના મુંબઈ આતંકી હુમલાના આરોપી તહવ્વુર હુસૈન રાણા અંગે કેનેડા સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વડાપ્રધાન માર્ક કાર્નીની પ્રસ્તાવિત ભારત મુલાકાત પહેલાં રાણાની કેનેડિયન નાગરિકતા રદ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ પગલાં પછી રાણા દેશવિહીન બની શકે છે. પાકિસ્તાનમાં જન્મેલા 64 વર્ષીય રાણા 1997થી કેનેડામાં રહેતો હતો અને વર્ષ 2001માં તેને કેનેડાની નાગરિકતા મળી હતી. હવે ઇમિગ્રેશન અધિકારીઓએ તેને જાણ કરી છે કે તેની નાગરિકતા પરત લેવામાં આવી રહી છે. માહિતી મુજબ આ નિર્ણય આતંકવાદી આરોપોને કારણે નહીં પરંતુ નાગરિકતા માટેની અરજીમાં ખોટી માહિતી આપવાના કારણે લેવામાં આવ્યો છે.

અહેવાલમાં જણાવાયું છે કે જ્યારે રાણાએ 2000ની સાલમાં નાગરિકતા માટે અરજી કરી હતી, ત્યારે તેણે દાવો કર્યો હતો કે તે છેલ્લા ચાર વર્ષથી ઓટાવા અને ટોરોન્ટોમાં રહે છે અને ફક્ત છ દિવસ માટે દેશની બહાર હતો. જોકે, RCMP તપાસમાં જાણવા મળ્યું કે તેણે ખરેખર તેમનો લગભગ બધો સમય શિકાગોમાં વિતાવ્યો હતો, જ્યાં તેમની પાસે એક ઇમિગ્રેશન ફર્મ અને કરિયાણાની દુકાન સહિત અનેક મિલકતો અને વ્યવસાયો હતા. 31 મે, 2024ના રોજ IRCC એ તેમને પત્ર લખીને જણાવ્યું હતું કે નાગરિકતા અરજી પ્રક્રિયા દરમિયાન કેનેડામાં તેમના રહેઠાણ અંગે ખોટી માહિતી આપવામાં આવી હતી. નિર્ણયમાં તેમના પર “ગંભીર અને ઇરાદાપૂર્વકની છેતરપિંડી”નો આરોપ મૂકવામાં આવ્યો હતો અને જણાવાયું હતું કે ખોટી માહિતીના આધારે તેમને નાગરિકતા અપાઈ હતી. IRCC એ તેમનો કેસ ફેડરલ કોર્ટમાં મોકલ્યો છે, જ્યાં અંતિમ નિર્ણય લેવાશે.

રાણા 2008નાં મુંબઈ હુમલાના કાવતરાખોર ડેવિડ કોલમેન હેડલી ઉર્ફે દાઉદ ગિલાનીનો નજીકનો સાથી રહ્યો હતો. 26/11ના હુમલામાં 166 લોકોનાં મોત થયા હતા. તપાસ એજન્સીઓનું માનવું છે કે હુમલાનું આયોજન 2005થી શરૂ થયું હતું અને રાણા તેમાં સામેલ હતો. લશ્કર-એ-તૈયબા સાથે તેના સંબંધ હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે. તપાસ દરમિયાન હેડલી અને રાણા વચ્ચે થયેલી ફોન વાતચીત, વિદેશી સંપર્કો અને દુબઈ સ્થિત એક શંકાસ્પદ વ્યક્તિ સાથેના સંબંધોની તપાસ ચાલી રહી છે. રાણાના અવાજના નમૂનાઓ પણ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. મુંબઈ હુમલા પહેલા રાણા પોતાની પત્ની સાથે ભારત આવ્યો હતો અને અનેક શહેરોમાં ગયો હતો. તપાસ એજન્સીઓને આશંકા છે કે મુંબઈ ઉપરાંત અન્ય શહેરોને પણ નિશાન બનાવવાની યોજના હોઈ શકે. અમેરિકાએ 2025માં રાણાને હવાલે કરતા તેને ભારત લાવવામાં આવ્યો હતો. 16 વર્ષ પછી તે ભારતીય તપાસ એજન્સીઓની કસ્ટડીમાં આવ્યો અને નવી દિલ્હી પહોંચ્યા બાદ રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. હવે નાગરિકતા રદ કરવાની કાર્યવાહી અને ભારત-કેનેડા સંબંધોની પૂર્વભૂમિકામાં આ મામલો વધુ ચર્ચામાં આવ્યો છે.

Most Popular

To Top