World

આ કારણસર કેનેડાના રાષ્ટ્રપતિએ બે દિવસ સુધી દિલ્હીથી કર્યો સમગ્ર કેનેડિયન વહીવટ, જાણો શું છે?

નવી દિલ્હી: G20 સમિટમાં (G20 Summit) ભાગ લેવા ભારત (India) આવેલા કેનેડિયન (Canada) પીએમને (PM) બે દિવસ ભારતમાં રોકાવાનું હતું. તેમના પ્લેનમાં ટેકનિકલ ખામીના કારણે તેઓ ભારતમાં જ રહ્યા અને કેનેડાના નીતિ વિષયક નિર્ણયો અહીંથી જ લીધા હતા. આજે મંગળવારે તેઓ પોતાના દેશ જવા રવાના થયા છે.

જો કે 9 અને 10 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં G20 સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાગ લેવા માટે ટ્રુડો ભારત આવ્યા હતા. બે દિવસની મીટિંગમાં ભાગ લીધા બાદ તેઓ રવિવારે જ ભારતથી જવાના હતા, પરંતુ અચાનક તેમના પ્લેનમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે તેમને થોડો વધુ સમય દિલ્હીમાં રોકાવું પડ્યું હતું. અગાઉ અધિકારીઓએ કહ્યું હતું કે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો અને તેમનું પ્રતિનિધિમંડળ મંગળવારે બપોરે રવાના થવાની ધારણા છે કારણ કે તેમના વિમાનમાં સર્જાયેલી તકનીકી સમસ્યાનું સમાધાન થઈ ગયું છે. કેનેડાના વડાપ્રધાન કાર્યાલયના પ્રેસ સચિવ મોહમ્મદ હુસૈને આ વાતની પુષ્ટિ કરી છે કે વિમાન સાથેની તકનીકી સમસ્યા ઉકેલાઈ ગઈ છે. પ્લેનને ટેક ઓફ કરવા માટે ક્લિયરન્સ આપવામાં આવ્યું હતું.

G20 સમિટ માટે શુક્રવારે ભારત પહોંચેલા કેનેડાના વડા પ્રધાન ટ્રુડોને તેમના પ્લેનમાં ટેકનિકલ ખામી સર્જાતાં નવી દિલ્હીમાં રોકાવું પડ્યું હતું, જ્યારે અન્ય તમામ રાષ્ટ્રાધ્યક્ષો G20 સમિટ બાદ રવાના થઈ ગયા હતા. આ દરમિયાન એવા સમાચાર પણ આવ્યા કે કેનેડિયન પીએમ માટે બીજું પ્લેન કેનેડાથી ભારત મોકલવામાં આવ્યું છે. જો કે કેનેડાના વડા પ્રધાનના કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જસ્ટિનને લેવા માટે મોકલવામાં આવેલ અન્ય વિમાનને યુકે તરફ વાળવામાં આવ્યું છે અને મંગળવારે સવારે (લંડન સમય) યુકે જવા રવાના થશે.

કેનેડાના વડા પ્રધાન ભારત પહોંચ્યા પછી અન્ય નેતાઓની જેમ મોદીએ પણ કોઈ ‘સ્વાગત નોંધ’ પોસ્ટ કરી ન હતી. એવું માનવામાં આવે છે કે ખાલિસ્તાની મુદ્દે ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં તણાવ બાદ આવું થયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રુડો સાથેની તેમની મુલાકાતમાં કડક વલણ અપનાવ્યું હતું અને તેમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે કેનેડામાં ભારત વિરોધી ગતિવિધિઓનું ચાલુ રાખવું ‘મજબૂત ચિંતા’નો વિષય છે. કેનેડાનું કહેવું છે કે તે ભારતીય ઇમિગ્રન્ટ્સના તેના પ્રદેશ પર ‘શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન’ કરવાના અધિકારનું રક્ષણ કરશે.

કેનેડાના વડા પ્રધાને પાછળથી કહ્યું કે તેમણે વડા પ્રધાન મોદી સાથેની તેમની મુલાકાત દરમિયાન ‘કેનેડિયન બાબતોમાં ભારતની દખલગીરી’નો મુદ્દો ઉઠાવ્યો હતો. ભારતીય નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મોદીએ કેનેડામાં ઉગ્રવાદી તત્વો દ્વારા ભારત વિરોધી ગતિવિધિઓ ચાલુ રાખવા અંગે ભારતની ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. ભારતના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “તેઓ અલગતાવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે અને ભારતીય રાજદ્વારીઓ વિરુદ્ધ હિંસા ભડકાવી રહ્યા છે, રાજદ્વારી પરિસરને નુકસાન પહોંચાડી રહ્યા છે અને કેનેડામાં ભારતીય સમુદાય અને તેમના ધાર્મિક સ્થળોને નુકસાન પહોંચાડવાની ધમકી આપી રહ્યા છે.”

Most Popular

To Top