Comments

કેનેડાએ વિલંબ કર્યા વિના ખાલિસ્તાનીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ

કેનેડાએ લોકશાહી અને અભિવ્યક્તિની આઝાદીના નામે ભારત વિરુદ્ધ ઉગ્રવાદી તત્ત્વોના દેખાવોને હંમેશા છૂટ આપી છે.
પરંતુ કેનેડાના બ્રામ્પટન સીટીમાં ખાલિસ્તાનીઓ દ્વારા ઓપરેશન બ્લુસ્ટારની 39મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત રેલીએ માનવીય ધોરણોની તમામ હદ વટાવી દીધી છે.1984માં થયેલી ભારતનાં ભૂતપૂર્વ વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા “ઓપરેશન બ્લુસ્ટાર”નાં દૃશ્યો ફરકાવવામાં આવ્યાં. ઇન્દિરા ગાંધીએ અમૃતસરના સુવર્ણ મંદિર પર કબજો કરનાર આતંકવાદીઓને બહાર કાઢવા લશ્કરી કાર્યવાહીનો આદેશ આપ્યો હતો.

એ ઓપરેશન ‘બ્લુસ્ટાર’નો બદલો લેવા બે મહિના પછી ઓક્ટોબરમાં, દિલ્હીમાં ઇન્દિરા ગાંધીના સત્તાવાર નિવાસસ્થાને તેમના જ સુરક્ષા ગાર્ડ દ્વારા હત્યા કરવામાં આવી હતી. આ દેખાવ ફક્ત ને ફક્ત એક ગેરકાનૂની, હિંસક કૃત્યની બિહામણી ઉજવણી હતી. જે કોઈ પણ સભ્ય સમાજમાં અસ્વીકાર્ય છે. સ્વતંત્રતા અને લોકશાહીના નામે કેનેડા આવા વર્તનને કેમ સહન કરી રહ્યું છે? કેનેડામાં શીખોની મોટી વસ્તી રહે છે જે કુલ વસ્તીના 2 ટકા છે. દેશના રાજકારણમાં આ સમુદાય નોંધપાત્ર પ્રભાવ ધરાવે છે. 2019 માં, કેનેડાની સંસદમાં 18 શીખ સભ્યો હતા જ્યારે ભારતની લોકસભામાં માત્ર 13 હતા.

જગમીત સિંહ એક યુવા શીખ વકીલ છે, જે કેનેડાની મુખ્ય રાજકીય પક્ષ ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીનું નેતૃત્વ કરે છે. આ પક્ષ છેલ્લી સંઘીય ચૂંટણીમાં કિંગમેકર તરીકે ઉભરી આવ્યો હતો. તે ઘણી વાર ખાલિસ્તાનીઓના બચાવમાં ટ્વિટ કરે છે, જેમાં પંજાબમાં કટ્ટરપંથી અમૃતપાલ સિંહ પર તાજેતરમાં થયેલી પોલીસ કાર્યવાહીનો પણ સમાવેશ થાય છે. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ઘણી વખત કટ્ટરપંથી શીખો જૂથ પાસે મત માટે અપીલ કરવાનો પ્રયાસ કર્યો છે. કારણ કે પંજાબમાં ગુરુદ્વારા સમિતિઓ જેટલી શક્તિશાળી છે એટલી જ કેનેડામાં છે. તેથી કેનેડાના નેતાઓ મત માટે તેમની પાસે જાય છે.

કહેવાતા લિબરલો માટે ટ્રુડોનો અભિગમ ખૂબ જ લાક્ષણિક છે. તે ખાલિસ્તાનીઓની ઈચ્છા સામે તાબે થવા તૈયાર છે. પછી ભલે ને લાંબા ગાળે પોતાના દેશ હિત અને સુરક્ષા સાથે સમાધાન કરવું પડે. કેનેડાએ ભૂલવું ન જોઈએ કે, 1985 માં ખાલિસ્તાની આતંકવાદીઓએ ટોરોન્ટોથી નીકળેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ પર બોમ્બ વિસ્ફોટ કર્યો હતો, જેમાં સવાર તમામ 329 લોકો માર્યા ગયાં હતાં. હુમલામાં મૃત્યુ પામેલાં મોટા ભાગનાં લોકો કેનેડાના નાગરિક હતા. જો કે કેનેડા હજુ પણ તેને ભારતીય દુર્ઘટના માને છે.

ટ્રુડો તેમની વોટ-બેંકની રાજનીતિમાં એટલા આંધળા બની ગયા છે કે, ભારતની મુલાકાત વખતે, તેમણે 1980ના દાયકામાં એક ભારતીય મંત્રીની હત્યાના પ્રયાસનો આરોપ ધરાવતા ખાલિસ્તાની આતંકવાદી સાથે પણ ફોટો પડાવ્યો હતો. કેનેડાના નેતાઓ ખાલિસ્તાનીઓના દેખીતા તુષ્ટીકરણમાં સામેલ હોવા છતાં, કેનેડાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોડી થોમસે ભારત પર કેનેડાની આંતરિક બાબતોમાં ‘‘દખલગીરી’’ કરવાનો આરોપ મૂક્યો છે. ભારતને તેણે ઈરાન જેવા સરમુખત્યારશાહી રાજ્યોની સરખમણીમાં મૂકી દીધું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રુડોને સ્પષ્ટતા કરી છે કે ખાલિસ્તાન મુદ્દો ભારત-કેનેડા સંબંધોમાં મોટો કાંટો સાબિત થઈ રહ્યો છે. ખાલિસ્તાનીઓ ભારતની અખંડિતતાને જોખમમાં મૂકતા અલગતાવાદી જ નથી, પરંતુ તેઓ ભારતવિરોધી શક્તિઓ માટે જોડાણ કેન્દ્ર બની ગયા છે. પાકિસ્તાનમાં ISI સાથેના સંબંધો જાણીતા છે. તેમ છતાં, કેનેડાની સરકારે દેશમાં ખાલિસ્તાનતરફીઓ પ્રત્યે નરમ વલણ અપનાવ્યું છે. તેથી ભારતને ઠેસ પહોંચી છે. કેનેડામાં ખાલિસ્તાનીઓની પરેડ અને ઈન્દિરા ગાંધીની હત્યાની ઉજવણી એ વિદેશી ધરતી પર ભારતને નિશાન બનાવતા એકમાત્ર કિસ્સા નથી.

ક્યારેક કેનેડા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને યુકે જેવા દેશોમાં ભારત વિરોધી જનમત, હિંદુ મંદિરોને તોડવાં, ભારતીયો વિરુદ્ધ ખુલ્લેઆમ હિંસા જેવા કાર્યક્રમો સામેલ છે. ભારત વડા પ્રધાનની હત્યાની ઉજવણીને સ્વીકારશે નહીં. ઓટાવામાં ભારતના હાઈ કમિશને નારાજગી વ્યક્ત કરતાં કેનેડાના વિદેશ મંત્રાલયને વિધિસર નોંધ મોકલી હતી. ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે પણ કેનેડાની સરકારને સાવચેત કર્યા છે કે તેમના દેશમાં ખાલિસ્તાની તત્ત્વોની ગતિવિધિઓ દ્વિપક્ષીય સંબંધોને અને તેની સુરક્ષા પર અસર કરી શકે છે. તેમણે ઓસ્ટ્રેલિયા અને યુનાઇટેડ કિંગ્ડમનો પણ ઉલ્લેખ કર્યો. તેમનો સંદેશ એ છે કે ભારતમાં એક નાનો મતવિસ્તાર ખાલિસ્તાની સમર્થકોનો છે અને વિદેશમાં વધુ ને વધુ હાંસિયામાં ધકેલાઈ ગયા છે.

પરંતુ કેટલીક વિદેશી સરકારો આ ઉગ્રવાદી તત્ત્વોને આશ્રય આપે છે. ચોક્કસ આની દ્વિપક્ષીય સંબંધો પર પ્રતિકૂળ અસર થશે. વિશ્વનો કોઈ પણ દેશ જો તેની હકૂમત હેઠળ થયેલા ગુનાઓને સરહદ પાર વખણાય, એક સમયે દેશ સામે યુદ્ધ કરનાર ઉગ્રવાદી વિચારધારાની આગને પોષવાનું કામ કરે તેવા દેશ સાથે નહીં જ રહેશે. કેનેડાએ સ્થાનિક રાજકીય વિચારધારાની આગળ વધવું પડશે. આવી હિંસક વિચારધારાને સહન ન કરવી અને કટ્ટરપંથી જૂથો સામે કાર્યવાહી કરવી જોઈએ. આખરે, કેનેડાની શાંતિ અને આંતરિક સુરક્ષા માટે ખાલિસ્તાની ઉગ્રવાદ સમાન રીતે ખતરો ધરાવે છે.
નાનક ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top