અમદાવાદ : છેલ્લા ઘણા સમયથી વિદેશમાં (Abroad) અભ્યાસના (Study) અર્થે ગયેલા ગુજરાતી વિદ્યાર્થીઓના (Gujarati student) મોતના સમાચાર મળી રહ્યા છે. ત્યારે આજે વધુ એક ગુજરાતી વિદ્યાર્થીના મોતના સમાચાર મળ્યા છે. કેનેડામાં (Canada) અભ્યાસ કરવા ગયેલા ગુજરાતી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. મૂળ ભાવનગરના (Bhavnagar) સિદસર ગામનો રહેવાસી આયુષ રમેશભાઈ ડાંખરાનું મૃતદેહ મળી આવ્યો છે. આયુષના પિતા રમેશભાઈ ડાંખરા પાલનપુર ખાતે DYSP તરીકેની ફરજ બજાવે છે.
મૂળ ભાવનગરના સિદસરના રહેવાસી અને હાલ પાલનપુરમાં ફરજ બજાવતા DYSP રમેશભાઈ ડાંખરાના પુત્રની કેનેડામાંથી લાશ મળી આવી છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સિક્યુરીટીમાં ફરજ બજાવી ચૂકેલા રમેશભાઈ ડાંખરાનો પુત્ર આયુષ ઘોરણા-12 બાદ વધુ અભ્યાસ કરવા માટે કેનેડા ગયો હતો. તે કેનેડાના ટોરેન્ટો શહેરમાં આવેલી ફેમસ યોર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. ગઈ તારીખ 5 મેના રોજ તે ગુમ થયો હતો. આયુષના મિત્રો દ્વારા પરીવારને ગુમ થવાની ખબર મળી હતી. આયુષના મિત્રોએ પોલીસ ફરીયાદ પણ કરી હતી. આયુષ ગુમ થયાના સાત દિવસ બાદ તેની લાશ મળી આવતા પરીવારમાં માતમ છવાઈ ગયો હતો.
આયુષના કાકા નારણભાઈ ડાંખરાએ જણાવ્યુ કે, આયુષ 23 વર્ષનો હતો. તેના પરીવારમાં તેના માતા-પિતા અને એક નાનો ભાઈ છે. પિતા રમેશભાઈ પાલનપુર ખાતે DYSP ની ફરજ બજાવે છે. નાનો ભાઈ ગાંધીનગરમાં અભ્યાસ કરે છે. આયુષ ધોરણ-12 પછી અભ્યાસ કરવા સાડા ચાર વર્ષ પહેલા કેનેડા ગયો હતો. તે ત્રણ વર્ષની કોલેજ કરી માસ્ટરનો અભ્યાસ કરતો હતો. તેની માસ્ટર ડિગ્રી છ મહિનામાં પુર્ણ થવાની હતી.
નારણભાઈએ વધારે જણાવ્યુ કે, અમારા પરિવારમાંથી કેનેડા આયુષ એકલો કેનેડા ગયો હતો. કેનેડા તે તેના મિત્રો સાથે રહેતો હતો. ગઈ 5 મેના રોજ તે ઘરેથી નિકળ્યો હતો, પરંતુ તે દોઢ દિવસ સુધી ધરે આવ્યો નહતો. તેના મિત્રોએ અમને જાણ કરી હતી. ત્યારે પિતા રમેશભાઈએ તેના મિત્રોને પોલીસ ફરિયાદ કરવા સૂચના આપી હતી.
રમેશભાઈએ આ બાબતે CMO અને PMOની પણ મદદ લીધી હતી. કેન્દ્રિય મુખ્યમંત્રી મનસુખ માંડવિયાને જાણ થતા તેમણે કેનેડામાં BAPS સંસ્થાને આ વાત કરી હતી. કેનેડામાં વસતા ગુજરાતીઓએ પણ મદદ કરી હતી, પરંતુ દુર્ભાગ્યવશ આયુષની ડેડબોડી મળી હતી. કેનેડાની પોલીસ ઉપરાંત ગુજરાત અને ભારત સરકારનો પણ સપોર્ટ મળ્યો હતો. રવિવારે અમદાવાદ એરપોર્ટ પર તેનો મૃતદેહ લાવવામાં આવશે.
ગત એપ્રિલના મહિનામાં કેનેડામાં અભ્યાસના અર્થે ગયેલા એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૂળ અમદાવાદનો રેહેવાસી હર્ષ પટેલના ગુમા થયાના સમાચાર આવ્યા હતા. તેના ગુમ થયાના બે દિવસ બાદ તેનો મૃતદેહ ટોરેન્ટો સિટીમાંથી મળી આવ્યો હતો. અમદાવાદનો રહેવાસી રહેવાસી હર્ષ પટેલનો 19 એપ્રીલના રોજ મૃતદેહ મળી આવ્યો હતો. હર્ષ પટેલના મોતનુ કારણ હજી સુધી સામે આવ્યુ નથી. પોલીસે જણાવ્યુ કે તેના જરૂરી દસ્તાવેજો જેવા કે પાસપોર્ટ, ક્રેડ્રિટ કાર્ડ વગેરે તેની પાસે ન હતા. આ ઘટનાની પોલીસ તપાસ ચાલી રહી છે.