Gujarat

કેનેડાની સેન્ટ લોરેન્સ નદીમાં હવે માણસાના એક જ પરિવારના ચાર સભ્યો ગુમ થયાના સમાચાર

ગાંધીનગર: તાજેતરમાં કેનેડાની (Canada) બોર્ડર ક્રોસ કરીને સેન્ટ લોરેન્સ નદી ઓળંગતી વખતે બોટ (boat) પ્લટી ખાઈ જવાની દુર્ઘટનામાં મહેસાણા જિલ્લાના વસાઈ – ડાભલા ગામની બાજુમાં આવેલા માણેકપરુ ગામના ચૌધરી પરિવારના ચાર સભ્યો પણ મોતને (Death) ભેટયા છે. જેના પગલે હવે આ મૃતકોના અંતિમ સંસ્કાર કેનેડામાં જ થાય તેવી સંભાવના વધી જવા પામી છે. હજુયે મૃતકો પૈકી પ્રવીણ ચૌધરીના પત્ની દક્ષા ચૌધરીની લાશ હજુ મળી આવી નથી. આ ઉપરાંત એક એવી પણ દહેશત સેવાઈ રહી છે કે ગાંધીનગરના માણસાના એક પરિવારના ચાર સભ્યો પણ આ બોટ દુર્ઘટનામાં મોતને ભેટયા હોવાની આશંકા સેવાઈ રહી છે. જેના પગલે ગુજારતના મૃતકોનો આંકડો વધી શકે છે. માણેકપુરના પ્રવીણ ચૌધરી, તેમની દીકરી વિધિ ચૌધરી અને પુત્ર મિત ચૌધરીની લાશ મળી આવી છે. મૃતકોને શોધવા માટે પોલીસ દ્વારા હવે હેલિકોપ્ટરની મદદ વડે રેસક્યૂ ઓપરેશન હાથ ધરાયુ છે.

સૂત્રોએ કહયું હતું કે લોરેન્સ નદી ક્રોસ કરતી વખતે બોટ પલ્ટી મારી જતાં મૃતકોમાં એક પરિવાર રોમાનીયન અને એક પરિવાર ભારતીય હતો. બુધવારે રાત્રે આ તમામ સભ્યો બોટમાં લોરેન્સ નદી ક્રોસ કરી રહયા હતા. જો કે હવામાન ખરાબ હતુ. એટલું જ નહીં જોરમાં વરસાદ તથા તેજ ગતિએ પવન ફૂંકાવવાના કારણે આ બોટ પલ્ટી મારી ગઈ હતી. જો કે સમગ્ર ઘટનામાં આ બોટનો માલિક હાલમાં ગુમ થઈ ગયો છે. બોટમાં 19 લોકો સવાર હતા. એટલે મૃત્યુ આંક વધે તેવી સંભાવના છે.

અગાઉ જાન્યુ.2022માં ગાંધીનગરના કલોલ તાલુકાના ડિંગુચાના પટેલ પરિવારના ચાર સભ્યો પણ કેનેડાથી ગેરકાયદે અમેરિકામાં ધુસતી વખતે બોર્ડ ક્રોસ કરતાં બરફના તોફાનમાં ફસાઈ ગયા હતા એટલું જ નહીં , થીંજી જવા સાથે મોતને ભેટયા હતા. તેમાં પણ પતિ – પત્ની તથા બે બાળકોનો સમાવેશ થતો હતો. મે-2022માં કેનેડા ખાતે સ્ટુડન્ટ વીઝા પર પહોચી ગયેલા ઉત્તર ગુજરાતના છ યુવકોને લઈ જતી બોટ સેન્ટ રીજીસ નદી ક્રોસ કરતી વખતે પલ્ટી ખાઈ ગઈ હતી. અલબત્ત, તેઓને ત્વરીત બચાવી લેવાયા હતા આ છ યુવકો બોર્ડર ક્રોસ કરીને ન્યૂયોર્ક જવાના હતા.ડિસે.2022માં ઉત્તર ગુજરાતના કલોલના એક યુવકનું મેકિસકો – યુએસ બોર્ડરલ પર આવેલી ટ્રમ્પ વોલ કુદતી વખતે નીચે પડી જવાથી મૃત્યુ થયુ હતું. જયારે તેની પત્ની મેકિસકો બાજુ નીચે પછડાઈ હતી.

ગત બુધવારની રાત્રિએ કેનેડાની ક્યુબેક-ઓન્ટારિયો બોર્ડર નજીક એક્વાસાસ્ને પ્રદેશમાં સેન્ટ લોરેન્સ નદીમાં બોટ પલટી હતી. જેમાં આઠ વ્યક્તિના મોત નિપજ્યા હતા. જો કે હવે એવી માહિતી મળી રહી છે કે માણેકપુરના પરિવારની સાથે માણસાના એકજ પરિવારના ચાર સભ્યો પણ બોટમાં સાથે હતા. જો કે હજુયે કેટલીક વ્યકિત્તઓ લાપત્તા છે. સમગ્ર ઘટના અંગે ગુજારત પોલીસ પણ હવે તપાસમાં જોડાઈ છે. ખાસ કરીને ડીગુંચા ગામના ચાર લોકોને ગેરકાયદે અમેરિકા લઈ જવાના કૌભાંડમાં સંડોવાયેલા વીઝા એજન્ટચની પોલીસે ધરપકડ કરી લીધી છે . તેનો નજીકનો સાગરિત જ હવે માણેકપુરના ચૌધરી પરિવારને ગેરકાયદે અમેરિકા લઈ જવાનો હતો. જેના પગલે પોલીસે હવે આ વીઝા એજન્ટની માહિતી એકત્ર કરી છે, તેની ધરપકડના ભણકારા વાગી રહયા છે.

Most Popular

To Top