ટોરોન્ટો: કેનેડાના (Canada) ઓન્ટારિયો પ્રાંતમાં એક અગ્રણી હિન્દુ મંદિરમાં અજાણ્યા લોકો દ્વારા ‘હિંદુ વિરોધી અને ભારત વિરોધી ગ્રેફિટી’ સાથે તોડફોડ કરવામાં આવી છે, જેને પોલીસ (Police) દ્વારા ‘દ્વેષથી પ્રેરિત ઘટના’ તરીકે વર્ણવવામાં આવી છે. એક નિવેદનમાં ઑન્ટારિયોના વિન્ડસર શહેરમાં પોલીસે બુધવારે જણાવ્યું હતું કે, તેણે આ ઘટનાની તપાસ શરૂ કરી છે અને બે શંકાસ્પદોની શોધ કરી રહી છે. કેનેડાના ઓટાવામાં ભારતના હાઈ કમિશને તોડફોડના કૃત્યની સખત નિંદા કરી છે. ભારતે ગુરુવારે કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાં એક અગ્રણી હિન્દુ મંદિરમાં તોડફોડની નિંદા કરી હતી અને ગુનેગારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે આ મામલો કેનેડાના અધિકારીઓ સમક્ષ ઉઠાવવામાં આવ્યો છે.
મિશને એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, ”અમે વિન્ડસરમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની દીવાલો પર ભારત વિરોધી સૂત્રો લખવાના ધિક્કારપાત્ર કૃત્યને કેનેડિયન સત્તાવાળાઓ સમક્ષ ઉઠાવ્યું છે. અમે તોડફોડના આ કૃત્યની સખત નિંદા કરીએ છીએ.” વિન્ડસર પોલીસ સર્વિસે જણાવ્યું હતું કે, બુધવારે નફરતથી પ્રેરિત તોડફોડના અહેવાલને પગલે અધિકારીઓને નોર્થવે એવન્યુના 1700 બ્લોકમાં આવેલા હિન્દુ મંદિરમાં મોકલવામાં આવ્યા હતા. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ”અધિકારીઓએ બિલ્ડિંગની બહારની દીવાલ પર કાળા રંગમાં ચિતરેલી હિંદુ વિરોધી અને ભારત વિરોધી ગ્રેફિટી શોધી કાઢી હતી.”
નિવેદનમાં જણાવાયું છે કે, વિન્ડસર પોલીસ સર્વિસ મંદિરમાં તોડફોડની ઘટનાને”એક નફરતથી પ્રેરિત ઘટના તરીકે” તપાસ કરી રહી છે. તપાસ દ્વારા અધિકારીઓએ એક વીડિયો મેળવ્યો હતો, જેમાં 12 વાગ્યા પછી જ વિસ્તારમાં બે શકમંદો દેખાય છે. વીડિયોમાં, એક શંકાસ્પદ બિલ્ડિંગની દીવાલ પર તોડફોડ કરતો દેખાય છે જ્યારે બીજો નજર રાખે છે. ઘટના સમયે, એક શંકાસ્પદ વ્યક્તિએ કાળું સ્વેટર, ડાબા પગ પર સફેદ રંગનો નાનો લોગો ધરાવતું કાળું પેન્ટ અને કાળા અને સફેદ ઊંચા ટોપ રનિંગ શૂઝ પહેર્યા હતા.
બીજા શંકાસ્પદ વ્યક્તિએ કાળું પેન્ટ, સ્વેટશર્ટ, કાળા શૂઝ અને સફેદ મોજાં પહેર્યા હતા. પોલીસે મંદિરની નજીકના વિસ્તારના રહેવાસીઓને સંદિગ્ધોના પુરાવા માટે તેમના ઘરની દેખરેખ અથવા ડેશકેમ વીડિયો ફૂટેજ તપાસવા કહ્યું હતું. જાન્યુઆરીમાં, બ્રેમ્પટનમાં ગૌરી શંકર મંદિરને ભારત વિરોધી ગ્રેફિટી વડે નિશાન બનાવવામાં આવ્યું હતું, જેના કારણે ભારતીય સમુદાયમાં રોષ ફેલાયો હતો. ટોરોન્ટોમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલે કહ્યું હતું કે મંદિરને બદનામ કરવાથી કેનેડામાં ભારતીય સમુદાયની લાગણીઓને ઊંડી ઠેસ પહોંચી છે. ગયા વર્ષે કેનેડામાં ભાંગફોડના ઓછાંમાં ઓછાં ત્રણ સમાન કૃત્યો નોંધાયાં છે.