રાજસ્થાન સરકાર ‘રાઇટ ટુ હેલ્થ બિલ’ લાવી છે અને આ બિલ હેઠળ રાજસ્થાનના દરેક નાગરિકને સ્વાસ્થ્યની સુરક્ષા મળશે. સ્વાસ્થ્યની સુરક્ષાનો સંદર્ભ સ્વાસ્થ્યની કટોકટી વેળાએ સારવારને લઈને છે. મતલબ, હવે રાજસ્થાનના કોઈ પણ નાગરિકને હોસ્પિટલ નાણાંના અભાવે સારવાર માટે ના કહી શકશે નહીં. રાજસ્થાનની સરકારનું આ બિલ માર્ચ મહિનાના અંતમાં વિધાનસભામાં પાસ થયું અને ત્યારથી ડૉક્ટર સહિત મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો આ બિલનો વિરોધ કરી રહ્યા છે. ડૉક્ટરો આ બિલને ‘કાળા કાયદા’ તરીકે ઓળખાવી રહ્યા છે અને તેમની માંગણી છે કે જ્યાં સુધી રાજ્ય સરકાર બિલ પાછું નહીં લે ત્યાં સુધી તેઓ વિરોધ કરતા રહેશે.
જો કે, સરકાર આ બિલને મક્કમતાથી વળગી રહી છે. આ બિલની આસપાસ વિરોધ-સમર્થન થઈ રહ્યાં છે, તે વિગત જાણી લેવી જોઈએ. આખરે નાગરિકના હિતમાં રજૂ થયેલું આ બિલ છે. સૌ પ્રથમ આ બિલના વિરોધમાં ડૉક્ટરો તરફથી જે કાંઈ દલીલ થઈ રહી છે તે જાણી લેવી જોઈએ. ‘રાજસ્થાન હોસ્પિટલ એસોસિયેશન’ના કન્વિનર ડૉ. રાજશેખર યાદવ આ બિલના વિરોધમાં કહી રહ્યા છે કે, આ બિલના કારણે રાજ્યની ખાનગી હોસ્પિટલને મસમોટું નુકસાન થશે. તેઓ નુકસાન માટે કારણ આપતાં કહે છે કે, 2013થી રાજ્ય સરકાર હેલ્થ સ્કીમ અંતર્ગત દરદીઓના સ્વાસ્થ્યનો ખર્ચ આપે છે પણ આટલાં વર્ષોમાં તે ખર્ચમાં કોઈ વધારો કર્યો નથી. ખાનગી હોસ્પિટલ ચલાવવા અર્થે ઓપરેશન ખર્ચ થાય છે; ત્યારે દરદીઓની સારવાર પેમેન્ટના કોઈ માળખા વિના થઈ શકે તેવી અપેક્ષા રાજ્ય સરકાર કેવી રીતે રાખી શકે? ઉપરાંત, સરકારના ભંડોળ દ્વારા કાર્યરત ખાનગી હોસ્પિટલ જ્યારે સરકારને ઇન્શ્યોરન્સના બિલ મોકલે છે તો સરકાર તેમાંથી 20 % બિલો નામંજૂર કરે છે. આ સિવાય અન્ય પેમેન્ટ માટે પણ સરકારી અધિકારીઓની આડખીલી હંમેશાં રહેતી જ હોય છે.
રાજસ્થાનમાં ટ્રોમા સર્જન તરીકે કાર્યરત જાણીતા ડૉ. દિનેશ ગોરા આ બિલની સૌથી મોટી મર્યાદા એ દાખવી રહ્યા છે કે બિલમાં ‘ઇમરજન્સી’ને યોગ્ય રીતે વ્યાખ્યાયિત કરી નથી. મૂળે બિલ ઇમરજન્સી દરદીઓની સારવાર સમયસર થાય તે માટે જ છે. તેઓની અન્ય દલીલ એ છે કે, ઇમરજન્સી અને અકસ્માતના કિસ્સામાં ઝડપી સારવાર આપવાના સુપ્રીમ કોર્ટના નિયમો અગાઉથી લાગુ જ છે પણ જ્યારે આ બાબત કાયદો બને છે ત્યારે તે અમારો માથાનો દુખાવો બનશે. અમે કોઈનેય સારવાર માટે ના કહી શકીશું નહીં. જો ‘ઇમરજન્સી’ને વ્યાખ્યાયિત કરવામાં ન આવે તો અમે તેના સારવારનો ખર્ચ કેવી રીતે સરકાર સમક્ષ મૂકી શકીશું?
આ બિલના વિરોધમાં ‘ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન’ પણ છે અને તેના પ્રમુખ ડૉ. શરદકુમાર અગ્રવાલ તો આ બિલ લાવવામાં સરકારનો દોષ દાખવે છે. તેમનું કહેવું છે કે, સ્વાસ્થ્ય એ નાગરિકોનો અધિકાર છે પરંતુ તે જવાબદારી સરકારની છે કારણ કે રાજ્ય સરકાર તેમ કરવામાં અક્ષમ નીવડી છે તેથી તેમણે આ ભાર ડૉક્ટરો પર નાંખી દીધો છે. અમે સરકારની સહાયમાં ઊભા રહીશું પરંતુ પૂરેપૂરી જવાબદારી અમારા ખભે ન નાંખી શકાય. ‘જયપુર ડૉક્ટર એસોસિયેશન’ના પૂર્વ પ્રમુખ ડૉ. અમિત યાદવ તો ત્યાં સુધી કહે છે કે, સરકારે બિલમાં ઇમરજન્સીને સ્પષ્ટ કરી નથી. ઇમરજન્સીમાં હાર્ટએટેક, બાળકની પ્રસૂતિ અને મધ્યરાત્રીએ થતો પેટનો દુખાવો પણ આવી શકે. ઇમરજન્સી ખરેખર શું છે તેને લઈને હોસ્પિટલમાં વહીવટી કામનું ભારણ વધી શકે છે. ઉપરાંત, સરકારે હોસ્પિટલને કેવી રીતે વળતર ચૂકવવું તે પણ નિર્ધારિત નથી કર્યું અને જો હું આંખની હોસ્પિટલ ચલાવું છું તો હૃદયની સારવાર નહીં કરી શકું.
આ તો થઈ ડૉક્ટરો તરફની દલીલો. જાહેર સ્વાસ્થ્યના નિષ્ણાત આ અંગે જુદો મત ધરાવે છે. જાહેર સ્વાસ્થ્યના નિષ્ણાત તરીકે ટી. સુંદરરમને કાર્ય કર્યું છે અને તેઓનો ઇન્ટરવ્યૂ ‘સ્ક્રોલ’ન્યૂઝ પોર્ટલ પર પ્રકાશિત થયો છે. ટી. સુંદરરમન ‘ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશ્યલ સાયન્સ’માં હેલ્થ સિસ્ટમ સ્ટડીઝ સ્કૂલના ડિન રહી ચૂક્યા છે. ઉપરાંત તેઓએ છત્તીસગઢમાં પણ જાહેર સ્વાસ્થ્યની બાબતોને સંભાળી છે. ટી. સુંદરરમનને આ બિલ વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે, “આંતરરાષ્ટ્રિય કાયદા-કરાર અને સુપ્રીમ કોર્ટના નિયમો મુજબ એ સલાહભર્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રકારનો કાયદો ઘડે.
જ્યારે આપણે આર્થિક વિકાસ અને સામાજિક સમાનતાની વાત કરીએ છે ત્યારે નાગરિકોને સ્વાસ્થ્ય સુરક્ષા બક્ષવી જરૂરી બને છે અને જો તમે સ્વાસ્થ્ય બાબતે સુરક્ષા નથી આપી શકતા તો આધુનિક સમાજમાં કોઈ વિકાસને ગંભીરતાથી લેશે નહીં. આ મૂળભૂત આવશ્યકતા છે. સમાનતા માટે સ્વાસ્થ્ય હક જરૂરી છે. રાજસ્થાન સરકારે આ બિલ લાવીને સાચી દિશામાં પ્રયાસ કર્યો છે. આ મજબૂત બિલ છે.” આ બિલ ઘડવામાં ટી. સુંદરરમનના સૂચનો ધ્યાને લેવાયા છે. તેમણે વિષદ્ સંવાદ કરીને બિલનું ડ્રાફ્ટીંગ કર્યું છે અને જ્યારે તેમને ડૉક્ટરોની ચિંતા વિશે જણાવ્યું ત્યારે તેમણે કહ્યું કે, “એ યાદ રાખવું જરૂરી છે કે દરેક કાયદાને પરિપક્વ અને તેની યથાર્થતા સાબિત કરવામાં સમય જવા દેવો પડે છે.
કોર્ટ દ્વારા તે તપાસાય છે. અત્યારે તો તેને આવકારીએ. તેમ છતાં આમાં એક મોટી ચિંતાની બાબત છે. સરકાર સ્વાસ્થ્ય સુરક્ષા તરીકે ખાનગી સેક્ટરમાં પ્રવેશી રહી છે પરંતુ હજુ એ સ્પષ્ટ નથી કે સરકાર પ્રાઇવેટ હોસ્પિટલોને પોતાની યાદીમાં કેવી રીતે સમાવશે?” ટી. સુંદરરમન કેટલાક મુદ્દાઓને લઈને ડૉક્ટરોની તરફેણ કરે છે. જેમ કે, વળતર બાબતે સરકાર હજુય સ્પષ્ટ નથી. રાજસ્થાન સરકારે હોસ્પિટલ દરદીઓની સારવાર કરશે તો ચૂકવણું કરશે તેમ બાંયધરી આપી છતાં તે કેટલી ચૂકવણી કરશે તે હજુ સ્પષ્ટ કર્યું નથી.
આ બિલની અન્ય મર્યાદા વિશે જ્યારે ટી. સુંદરરમનને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, “આમાં સૌથી અગત્યનો મુદ્દો જવાબદારીનો છે. જેમ કે પબ્લિક સેક્ટરને સ્વાસ્થ્ય સુરક્ષા માટે જવાબદારી સોંપાઈ છે પણ તેની વ્યવસ્થા કેવી રીતે થશે તે હજુ સુધી સ્પષ્ટ નથી. બીજું કે રાજસ્થાનમાં જાહેર સ્વાસ્થ્ય સેવા નબળી છે. આ ઉપરાંત, બજેટ ખૂબ ઓછું છે અને આ ફિલ્ડ માટેના સજ્જ વ્યક્તિઓની પણ કમી છે.
અંતરિયાળ વિસ્તારમાં કોઈ જવા તૈયાર નથી. જ્યારે આ સ્થિતિ હોય ત્યારે તમે સારવારની ખાતરી કેવી રીતે આપી શકો અને આ કિસ્સામાં છેવાડાનો ગરીબ વ્યક્તિ ક્યાં જાય? આજે લોકો સ્વાસ્થ્ય બાબતે ખાનગી હોસ્પિટલ પર અવલંબે છે તેનું કારણ કે જાહેર હોસ્પિટલો યોગ્ય સેવા પૂરી પાડતી નથી. આ કિસ્સામાં બદલાવ કેવી રીતે આવી શકે? કાયદો આ વિશે કશુંય કહેતો નથી.”
ટી. સુંદરરમન પાસે આ પ્રશ્નોનો ઉકેલ પણ છે. તેઓ કહે છે કે UK, બ્રાઝિલ, થાઇલેન્ડમાં પણ જ્યારે આ પ્રકારના બિલ આવ્યા ત્યારે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો પરંતુ સતત સંવાદથી આ વિરોધ ઓછો થતો ગયો. સરકારે આ કિસ્સામાં દૃઢતાથી વર્તવું પડશે પણ સાથે સાથે જેમની પાસેથી કામ લેવું છે તેમની પણ વાત સાંભળવી પડશે. અત્યારે આ પૂરા કિસ્સામાં ડૉક્ટરો અને સરકાર આમનેસામને છે અને બંને પોતપોતાની દલીલ-તર્ક મૂકી રહ્યા છે પણ અલ્ટીમેટલી આ કાયદો લાવવાથી રાજસ્થાન સરકારે એક પ્રયાસ આદર્યો છે અને ભવિષ્યમાં દેશના અલગ-અલગ રાજ્યમાં સ્વાસ્થ્ય સુરક્ષા જરૂરી બનશે.