જ્યારે જ્યારે દેશના પ્રાદેશિક પક્ષો નબળા પડે છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ જેવા રાષ્ટ્રીય પક્ષો મજબૂત બને છે. વળી જ્યારે જ્યારે રાષ્ટ્રીય પક્ષો નબળા પડે છે ત્યારે પ્રાદેશિક પક્ષોનું જોર વધી જાય છે. જો દેશના તમામ પ્રાદેશિક પક્ષો એક છત્ર હેઠળ આવી જાય તો ભાજપ અને કોંગ્રેસ જેવા પક્ષોને જોરદાર ટક્કર આપી શકે, પણ તે કામ લોઢાના ચણા ચાવવા જેવું કઠણ છે. ભૂતકાળમાં એન.ટી. રામારાવ, શરદ પવાર, મુલાયમસિંહ યાદવ અને મમતા બેનરજી જેવાં નેતાઓએ દેશના તમામ પ્રાદેશિક પક્ષોની એકતાના પ્રયાસો કરી જોયા હતા, પણ તેમાં સફળતા મળી નહોતી.
હવે તેલંગાણાના મુખ્ય પ્રધાન અને તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (ટી.આર.એસ.) ના અધ્યક્ષ કે. ચંદ્રશેખર રાવે પ્રાદેશિક પક્ષોના સંગઠન બાબતમાં નવેસરથી પુરુષાર્થ આરંભ્યો છે. દશેરાના શુભ મુહૂર્તે તેમણે પોતાના પક્ષનું નામ બદલીને ‘ભારત રાષ્ટ્ર સમિતિ’ કરવાની જાહેરાત કરી છે. આમ કરવા દ્વારા તેમણે પક્ષનું માત્ર નામ નથી બદલ્યું પણ પોતાનું લક્ષ્યાંક પણ બદલ્યું છે. કે. ચંદ્રશેખર રાવની મહત્ત્વાકાંક્ષા દેશના તમામ પ્રાદેશિક પક્ષોનું મજબૂત સંગઠન ઊભું કરવાની હતી. તે દિશામાં તેમણે કામગીરી પણ શરૂ કરી દીધી હતી. હવે પક્ષને રાષ્ટ્રીય નામ આપવા દ્વારા તેઓ આ દિશામાં ઝડપથી આગળ વધશે.
કે. ચંદ્રશેખર રાવનું પ્રથમ લક્ષ્યાંક ૨૦૨૪માં આવી રહેલી લોકસભાની ચૂંટણીઓ છે. તેમના આકલન મુજબ ભાજપ અને કોંગ્રેસ જેવા રાષ્ટ્રીય પક્ષો ઝડપથી પોતાની લોકપ્રિયતા ગુમાવી રહ્યા છે, પણ રાષ્ટ્રીય સ્તરે તેમનો કોઈ સક્ષમ વિકલ્પ ન હોવાને કારણે મતદારો સ્થાનિક ચૂંટણીમાં પ્રાદેશિક પક્ષોને મત આપતા હોય છે, પણ સંસદની ચૂંટણીમાં તેઓ રાષ્ટ્રીય પક્ષોને મત આપતા હોય છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ઓડિશા છે, જ્યાં વિધાનસભાની ચૂંટણીમાં બીજુ જનતા દળને સ્પષ્ટ બહુમતી મળી હતી, પણ લોકસભાની ચૂંટણીમાં ભાજપને ફાયદો થયો હતો. જો તમામ વિપક્ષો સંગઠિત થાય તો ભાજપ અને કોંગ્રેસથી નારાજ મતદારો તેમના ભણી વળી શકે તેમ છે.
કે. ચંદ્રશેખર રાવનું પ્રથમ પગલું દક્ષિણનાં રાજ્યોમાં આવેલા પ્રાદેશિક પક્ષોનું સંગઠન બનાવીને ચૂંટણી લડવાનું હશે. દક્ષિણનાં છ પૈકી પાંચ રાજ્યોમાં ભાજપ કે કોંગ્રેસની સરકાર ન હોવાથી તેમનું કામ આસાન થઈ જશે. તામિલનાડુમાં ડીએમકેની સરકાર છે, જેના મુખ્ય પ્રધાન સ્ટાલિન છે. કે. ચંદ્રશેખર રાવ થોડા સમય પહેલાં ચેન્નાઈ જઈને સ્ટાલિનને મળ્યા હતા અને તેમની સાથે રાષ્ટ્રીય ગઠબંધનની રચના બાબતમાં ચર્ચા કરી હતી. કર્ણાટકમાં ભાજપની સરકાર છે, પણ મુખ્ય વિરોધ પક્ષની ભૂમિકા જનતા દળ (એસ) ભજવી રહ્યો છે. તેના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એચ.ડી. કુમારસ્વામી કે. ચંદ્રશેખર રાવના મિત્ર છે.
દશેરાના દિવસે હૈદરાબાદની રેલીમાં ભારત રાષ્ટ્ર સમિતિની જાહેરાત કરવામાં આવી તેમાં કુમારસ્વામી તેમના ૨૦ વિધાનસભ્યોને લઈને હાજર રહ્યા હતા. કે. ચંદ્રશેખર રાવ થોડા સમય પહેલાં પટના ગયા હતા અને બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારને પણ મળ્યા હતા. નીતીશકુમારને મળ્યા પછી તેમણે ભાજપમુક્ત ભારતની જાહેરાત કરતાં કહ્યું હતું કે દેશની મોટા ભાગની સમસ્યાઓ માટે ભાજપની નીતિઓ જવાબદાર છે. કે. ચંદ્રશેખર રાવ ૯ ડિસેમ્બરે દિલ્હીમાં મોટી રેલી કરીને રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશવાના છે.
ભારતનાં મોટા ભાગનાં રાજ્યોમાં ભાજપ અને કોંગ્રેસનો વિકલ્પ બની શકે તેવા પ્રાદેશિક પક્ષો છે, પણ તેઓ કેન્દ્રમાં સરકાર બનાવી શકે તેવી કોઈ સંભાવના દેખાતી ન હોવાથી લોકસભાની ચૂંટણીમાં મતદારો ભાજપ અથવા કોંગ્રસને જ મતો આપતા હોય છે. જો તમામ પ્રાદેશિક પક્ષો એક જ બેનર હેઠળ સંગઠિત થઈને ચૂંટણી લડે અને તેમનો વડા પ્રધાનપદનો ઉમેદવાર અગાઉથી નક્કી હોય તો મતદારો તેમની તરફ ઢળી શકે છે. જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને પી.પી.પી. જેવા પ્રાદેશિક પક્ષો જ સત્તામાં આવતા રહ્યા છે. પંજાબમાં અકાલી દળ મજબૂત છે તો ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પક્ષ સક્ષમ છે.
પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની સરકાર છે તો ઓડિશામાં નવીન પટનાઇકનો કોઈ હરીફ નથી. બિહારમાં જેડી (યુ) અને આરજેડી મળીને સરકાર ચલાવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં શિવસેના અને નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી છે તો કર્ણાટકમાં જનતા દળ (એસ) છે. તામિલનાડુમાં ડીએમકે અને અન્ના ડીએમકે વારાફરતી સરકાર બનાવે છે. કેરળમાં સતત ડાબેરી પક્ષો સરકાર બનાવી રહ્યા છે. આંધ્ર પ્રદેશમાં જગમોહન રેડ્ડી સૌથી લોકપ્રિય નેતા છે. તેમનો પક્ષ વાય.એસ.આર. કોંગ્રેસ ભાજપને ભારે પડી રહ્યો છે. જો આ તમામ પ્રાદેશિક સૂબાઓ એક છત્ર હેઠળ આવી જાય તો સબળ વિકલ્પ ઊભો થઈ શકે તેમ છે.
તેલંગાણાના મુખ્ય પ્રધાન ચંદ્રશેખર રાવ જે ત્રીજો મોરચો રચવા માગે છે, તેમાંથી તેઓ કોંગ્રેસને બાકાત રાખવા માગે છે. ચંદ્રશેખર રાવ જે ત્રીજો મોરચો રચવા માગે છે તે પણ કદાચ ભાજપના ફાયદામાં જ હશે. તેલંગાણામાં તો કોંગ્રેસનો મુકાબલો કરવા માટે તેઓ ભાજપ સાથે ગઠબંધન સાધે તો પણ નવાઇ નહીં લાગે. વિપક્ષોમાં સૌથી ઇમાનદાર અને સૌથી સફળ નેતાની છાપ ધરાવતા ઓડિશાના મુખ્ય મંત્રી નવીન પટનાઇક ક્યાંય ત્રીજા મોરચામાં ચિત્રમાં નથી. તેઓ માયાવતી, મમતા બેનરજી કે અખિલેશ યાદવ સાથે હાથ મિલાવવા તૈયાર નથી, કારણ કે તેઓ બધાં ભ્રષ્ટ છે. બધાને સીબીઆઇનો ડર લાગે છે, માટે ભાજપની બિલાડીના ગળે ઘંટ બાંધવા ભેગા થયા છે. નવીન પટનાઇકના કબાટમાં કોઇ હાડપિંજર નથી; માટે તેમને સીબીઆઇનો ડર લાગતો નથી.
પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી લાખ ચાહે તો પણ ભાજપના તમામ વિરોધી પક્ષો એક મંચ પર આવીને લોકસભાની ચૂંટણી લડી શકે તેમ નથી. કોંગ્રેસ જ મમતા બેનરજીનાં તૃણમૂલ કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા તૈયાર નથી. કોંગ્રેસના પશ્ચિમ બંગાળના નેતાઓ માને છે કે જો તેઓ તૃણમૂલ કોંગ્રેસ સાથે ગઠબંધન કરે તો રાજ્યમાં તેમનું અસ્તિત્વ જ ખતમ થઇ જાય. પશ્ચિમ બંગાળમાં મોટા ભાગે કોંગ્રેસ સાથે ડાબેરી પક્ષોનું ગઠબંધન થાશે. ડાબેરી પક્ષો મમતા બેનરજીના કટ્ટર દુશ્મનો છે. તેઓ કોઇ સંયોગોમાં મમતા બેનરજી સાથે બેસી શકે તેમ નથી. જો કોંગ્રેસ અને ડાબેરી પક્ષોનું ગઠબંધન થાશે તો ફાયદો ભાજપને થાશે. પશ્ચિમ બંગાળમાં પાંચ વર્ષમાં ભાજપે જબરું કાઠું કાઢ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેનો ચમત્કાર જોવા મળ્યો હતો. હવે જો ભાજપવિરોધી મતો વહેંચાઇ જાય તો ભાજપ આશ્ચર્ય પેદા કરે તેવાં પરિણામો હાંસલ કરી શકે તેમ છે.
કે. ચંદ્રશેખર રાવે રાષ્ટ્રીય પક્ષની જાહેરાત કરવાની સાથે તેની નીતિઓ પણ જાહેર કરી દીધી છે. તેમણે વચન આપ્યું છે કે જો ૨૦૨૪ની ચૂંટણીમાં બિનભાજપી ગઠબંધન સત્તામાં આવશે તો દેશના તમામ કિસાનોને મફતમાં વીજળી આપવામાં આવશે. આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ પણ મફત વીજળી અને મફત પાણીના નારા સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માગે છે. કે. ચંદ્રશેખર રાવની સરકારે તેલંગાણામાં દલિત બંધુ નામની યોજના કરી છે, જેમાં કોઈ પણ દલિત પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માગતો હોય તો તેને દસ લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે. જો દેશભરના મુસ્લિમ, દલિત અને વનવાસી મતોનું એકીકરણ કરવામાં આવે તો બહુમતી મળી શકે છે, પણ તે કામ કાગળ પર દેખાય છે એટલું સહેલું નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.