કેદારનાથમાં બે યુવા નેતાઓનું મિલન થયું અને એનાથી કેટલીક અટકળો શરૂ થઈ છે. શું આ બે યુવાનો જુદા જુદા પક્ષોમાં હોવા છતાં એક થઈ શકે? શું એક જ પરિવારમાંથી આવતા અને રાજકીય રીતે અલગ અલગ પક્ષોમાં હોવા છતાં બંને હાથ મિલાવી શકે? અને મિલાવે તો એમને અને એમના પક્ષને કેટલો ફાયદો થાય? આવા બધા પ્રશ્નો પૂછાવા લાગ્યા છે કારણ કે, કેદારનાથમાં બે પિતરાઇ ભાઈઓ ઘણા સમયે મળ્યા. પૂજારી નિવાસમાં લગભગ અડધો કલાક બંને એકલા મળ્યા અને એમના વચ્ચે શું વાતચીત થઈ એની અટકળો શરૂ થઈ છે.
વાસ્તવિકતા એ છે કે, એક સંજય ગાંધી અને એક રાહુલ ગાંધીના પુત્ર હોવા છતાં એ બંને એમના પિતા જેવી રાજકીય છાપ છોડી શક્યા નથી. એમની દાદી કે પરદાદાની તો વાત જ ક્યાં કરવી? આ બંને યુવા રાજકારણીઓનો ઉછેર જુદી જુદી રીતે થયો છે. બંને વચ્ચે લગભગ દસ વર્ષનો ઉંમરમાં ફરક છે. રાહુલ ગાંધી 1970માં અને વરુણ 1980માં જન્મેલા છે. વરુણ ત્રણ માસનો હતો ત્યારે એના પિતા સંજય ગાંધીનું અકાળે અવસાન થયું અને 4 વર્ષનો હતો ત્યારે ઇન્દિરા ગાંધીની હત્યા થઈ. તો રાહુલ ગાંધી 14 વર્ષના હતા ત્યારે ઇન્દિરા ગાંધીની અને 21 વર્ષના હતા ત્યારે રાજીવ ગાંધીની હત્યા થઈ.
બંને યુવાનોએ પોતાના જીવનમાં આઘાત સહન કર્યા છે. વરુણ અર્થશાસ્ત્રમાં સ્નાતક થયા છે તો રાહુલ ગાંધી દર્શનશાસ્ત્રમાં એમ. એ. થયા છે. બંનેએ એક જ સાલમાં રાજકારણમાં પ્રવેશ કર્યો, 2004માં ઇન્દિરા ગાંધીની હત્યા બાદ સોનિયા અને મેનકા ગાંધી વચ્ચે વિખવાદો થયા અને બંને પરિવારો અલગ થયાં એ જાણીતી વાત છે. બંને એક જ વર્ષમાં ચૂંટણી લડ્યાં અને જીત્યાં. રાહુલ અમેઠીથી લોકસભાની બેઠક જીત્યા તો વરુણ પીલીબહિતમાંથી જીત્યા. બંને ત્યારથી લોકસભાની ચૂંટણી જીતતા આવ્યા છે.
જો કે, ગઈ ચૂંટણીમાં રાહુલ અમેઠીથી હાર્યા હતા. જો કે, વાયનાડથી જીત્યા. 1988 બાદ મેનકા ગાંધી કોંગ્રેસથી દૂર થયાં અને પાછળથી ભાજપમાં જોડાયાં. સરકારમાં મંત્રી પણ બન્યાં. પણ છેલ્લાં થોડાં વર્ષોથી ભાજપની શીર્ષ નેતાગીરી અને મેનકા-વરુણ વચ્ચે દૂરી પેદા થઈ છે. 2017માં ભાજપ યુપીમાં જીત્યો ત્યારે વરુણ પોતે મુખ્યમંત્રી બને એ માટે એણે ઘણા બધા પ્રયત્નો કરેલા, પણ યોગીજીની પસંદગી થઈ. એ પછી વરુણ ભાજપની નીતિઓના સખત ટીકાકાર બન્યા છે. એ પોતાની સાપ્તાહિક કોલમમાં મોદી સરકારની કિસાન નીતિથી માંડી ઘાણ મુદે ટીકા કરતાં આવ્યા છે. ભાજપની નેતાગીરી એનાથી દૂરી રાખતા થઈ છે. જો કે, ભાજપ મોવડીમંડળે એમની સામે કોઈ શિસ્તભંગનાં પગલાં લીધાં નથી. ગાંધી વિરુધ્ધ ગાંધી માહોલ બની રહે એ હેતુ હોઈ શકે છે. પણ વરુણ હવે ભાઈ સામે ભાઈને લડાવવાની વાતમાં સહમત નથી.
રાહુલ ગાંધી કોંગ્રેસમાં મહામંત્રી બન્યા એમ જ વરુણ ભાજપમાં સૌથી યુવા મહામંત્રી બન્યા હતા. રાહુલ પક્ષના ઉપાધ્યક્ષ અને પછી પ્રમુખ બન્યા પણ એ પક્ષને લોકસભાની ચૂંટણી જીતાડી ના શક્યા. ઉલટાનો કોંગ્રેસનો ગ્રાફ સાવ નીચે પહોંચી ગયો. પણ આ બંને ભાઈઓ વચ્ચે વિચારધારાનું અંતર છે. વરુણ કટ્ટર હિન્દુ છે. એનાં નિવેદનો ચર્ચાસ્પદ રહ્યાં છે. એમણે તો ગાંધીની અહિંસાની પણ ટીકા કરી હતી. મુસ્લિમોની એ મજાક ઉડાવતા આવ્યા છે. તો રાહુલ ગાંધી સર્વધર્મ સમભાવમાં માને છે. આર. એસ. એસ.ની સતત ટીકા કરે છે. બીજી બાજુ વરુણ આર.એસ.એસ.થી પ્રભાવિત છે. આટલું અંતર છતાં બંને ભાઈઓ હાથ મિલાવી શકે ખરા? ભારત જોડો યાત્રા બાદ રાહુલ ગાંધીની લોકપ્રિયતા વધી છે. બીજી બાજુ વરુણનું ભાજપમાં કદ ઘટ્યું છે.
વરુણને કે મેનકાને ભાજપ 2024માં લોકસભાની ટિકિટ આપે એવી શક્યતા સાવ ઘટી ગઈ છે. એટલે વરુણ – મેનકા કોંગ્રેસમાં આવે તો એ બંનેને જરૂર ફાયદો થાય અને ગાંધી પરિવાર એક થયો છે એવી સહાનુભૂતિ પણ મેળવી શકે. કેદારનાથની મિટિંગ બાદ બંને ભાઈ વચ્ચે સુમેળ થાય તો એનો ફાયદો બંને ઉઠાવી શકે છે. હા, ચૂંટણીને લક્ષમાં રાખી કોંગ્રેસને કેટલો ફાયદો થાય એ કહેવું મુશ્કેલ છે. પણ બંને હાથ મિલાવે તો એક વાતાવરણ તો બંનેની તરફેણમાં બની શકે છે. એનો ફાયદો એ બંને કઇ રીતે ઉઠાવે છે એ મહત્ત્વનું બને છે. 2024 પહેલાં કંઈક તો બનશે એવું લાગી રહ્યું છે.
નીતીશકુમારને ભૂલ ભારે પડશે
નીતિશકુમાર બહુ ચતુર રાજકારણી ગણાય છે. એ સત્તા ટકાવી રાખવા ભાજપ સાથે હાથ મિલાવે છે અને એ સંબંધ તોડી દુશ્મન લાલુ યાદવ સાથે પણ હાથ મિલાવી શકે છે. હવે એમના રાષ્ટ્રીય રાજકારણમાં જવાના અબળખા રંગ લાવી રહ્યા છે. ‘ઈન્ડિયા’નામે વિપક્ષી મોરચો બને એ માટે એમણે ખાસ્સા પ્રયત્નો કર્યા અને એમાં સારી એવી સફળતા પણ મળી છે. જો કે, એ કોંગ્રેસની ટીકા કરતાં રહે છે.
ભાજપ સામે એમણે જાતિ ગણનાનું હથિયાર ઉપાડ્યું અને બિહાર વિધાનસભામાં અનામત 75 ટકા સુધી લઈ જવાનો ઠરાવ કર્યો અને એ પસાર કરાવ્યો એ નાની વાત નથી. પાંચ રાજ્યોની ચૂંટણી અને પછી આવતા વર્ષે લોકસભાની ચૂંટણીમાં આ મુદો્ વિપક્ષ માટે હથિયાર બનવાનો છે. પણ આ બધા વચ્ચે બિહાર વિધાનસભામાં એમણે કુટુંબનિયોજન મુદે્ જે રીતે વાત કરી એ અશોભનીય હતી અને એ કારણે એમણે ભાજપને એક મુદો તાસકમાં ધર્યો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશમાં આ મુદે્ આકરી ટીકા કરી. વિધાનસભામાં પણ હંગામો થયો અને નીતીશે આખરે માફી માંગવી પડી છે. બિહારમાં દારૂબંધીના કડક અમલના કારણે એમની મહિલાઓમાં એક સારી ઇમેજ બની હતી એમાં આ નિવેદનથી ગોબો પડ્યો છે. રાષ્ટ્રીય રાજકારણમાં એમનું ઉપજણ વધે એમાં પણ આવા નિવેદન નડતરરૂપ બનશે. નીતીશકુમારની લોકપ્રિયતા ઘટી તો રહી જ છે એમાં આવાં નિવેદનો બળતામાં ઘી હોમવાનું કામ કરશે.
પ્રદૂષણ ઓછું કરવા કૃત્રિમ વરસાદ
દિલ્હીમાં પ્રદૂષણ પરાકાષ્ઠાએ છે. પંજાબ, હરિયાણા અને યુપીમાં પરાળી બાળવાના કારણે પણ સમસ્યા છે અને દિલ્હીમાં આડેધડ શહેરીકરણ, ઉદ્યોગોના પ્રદૂષણના કારણે આ હાલત ઊભી થઈ છે. લોકોને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થઈ રહી છે. દર શિયાળે આ સમસ્યા ઊભી થાય છે. સુપ્રીમ કોર્ટ વારેવારે આ મુદે્ સરકારોના કાન ખેંચે છે. દિવાળીએ અમુક જ ફટાકડા ફોડવાની છૂટ અપાઈ છે. આપ સરકારે શાળાઓમાં વહેલું દિવાળી વેકેશન જાહેર કરવું પડ્યું છે. વાહનો માટે ઓડ ઇવન પ્રથા ફરી શરૂ થઈ છે.
જો કે, આપ સરકાર દ્વારા આ મુદે્ એક પ્રયોગ કરવા તૈયારી શરૂ થઈ છે અને એ છે, કૃત્રિમ વરસાદ. આઇઆઇટી કાનપુર દ્વારા એક પ્રોજેક્ટ તૈયાર કરાયો છે અને એ મુજબ કેમિકલ છાંટી વાદળાં વરસાવી પ્રદૂષણ ઓછું કરી શકાય એવી યોજના છે. આ મુદે સુપ્રીમ કોર્ટમાં આખી યોજના રજૂ કરી બાદમાં પ્રયોગ થવાનો છે. આવા પ્રયોગો અગાઉ અનેક રાજ્યોમાં થઈ ચૂક્યા છે. એ પ્રદૂષણ માટે નહીં, પણ વિના વરસી ચાલ્યાં જતાં વાદળાંઓને વરસાવવા માટે થતો. ગુજરાતમાં દુષ્કાળનાં વર્ષો બાદ આવા પ્રયોગો સુરતના દાતાઓના સહયોગથી રાવજીભાઈ સાવલિયા અને એમની સંસ્થા દ્વારા સફળ પ્રયોગો થયા હતા. હવે દિલ્હીમાં આવા પ્રયોગો થઈ શકે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.