Comments

ઇવી ક્ષેત્રે ચીનનું પ્રભુત્વ ઘટાડી શકાશે ખરું?

ઇલેક્ટ્રીક વેહિકલ્સ (ઇવી) ક્ષેત્રે ટેકનોલોજિકલ વિકાસ સાથે જળવાયુ પરિવર્તનના ઉકેલની દિશામાં તે વધુ ને વધુ મહત્ત્વપૂર્ણ બનતા જાય છે ત્યારે તેમનું ઉત્પાદન કરતાં દેશો વચ્ચે સ્વાભાવિક રીતે પ્રતિસ્પર્ધા વધી રહી છે. ચીન આજે ઇવી ક્ષેત્રે અગ્રણી છે. ઇવીનું મહત્ત્વપૂર્ણ અંગ એવી બેટરીના ઉત્પાદનમાં ચીન દક્ષિણ કોરિયા અને જાપાનના બેટરી ઉત્પાદક કરતાં ઘણું આગળ છે. અમેરિકા અને યુરોપ ઇલેક્ટ્રીક વેહિકલના સૌથી મહત્ત્વપૂર્ણ અને ખર્ચાળ ભાગ એવી બેટરી માટે ચીન પર આધાર રાખ્યા વિના ઇલેક્ટ્રિક કાર ઉદ્યોગને કેવી રીતે વિકસાવી શકાય તે દિશામાં વિચારી રહ્યા છે. પરંતુ ઓછી કિંમતની બેટરીના બજારમાં ચીનનું પ્રભુત્વ જોતાં પ્રશ્ન થાય કે આ ક્ષેત્રે ચીનના પ્રભુત્વને ઘટાડવા સસ્તી અને વધુ સારી ટેકનોલોજી વિકસાવવામાં કોણ સફળ થશે?ચીનની ઇવી ક્રાંતિએ પશ્ચિમી સ્પર્ધકોમાં ચિંતા પેદા કરી છે. જો કે ચીન અત્યારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે ત્યારે ચીનના સબસિડી-સંચાલિત ઇવી ક્ષેત્રના વિકાસમાં થોડી ઓટ આવવાની સંભાવના છે.

ગયા વર્ષે ચીને ૨.૭ કરોડ કારનું વેચાણ કર્યું હતું, અમેરિકા ૧.૩૭ કરોડ અને યુરોપિયન યુનિયન ૯૨.૫ લાખ સાથે ચીન કરતાં પાછળ હતું. આમ, ચીને યુએસ અને યુરોપિયન યુનિયનની સરખામણીએ ૧૫ ટકા વધુ કાર વેચી હતી. ઇવી માર્કેટમાં ચીનનું વર્ચસ્વ ખરેખર પ્રભાવશાળી છે. પાછલા વર્ષમાં વૈશ્વિક સ્તરે વેચાયેલી ૫૪ લાખ ઇવીમાં ચીનનો હિસ્સો બે તૃતીયાંશ હતો. વિશ્વની બેટરી સેલ ઉત્પાદન ક્ષમતાના આશરે ૭૫ ટકા પર ચીનનો દબદબો છે, જેનો એક મહત્ત્વપૂર્ણ ફાયદો એ છે કે આનાથી ચીનના ઓટોમેકર્સ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરી શકે છે અને ઇવીની કિંમત ઘટાડી શકે છે.

ઓસ્ટ્રેલિયામાં ચીને ખાણો અને ખનિજ ઉત્પાદન સાથે સંકળાયેલી કંપનીઓ સાથે ભાગીદારી કરી છે. ઉપરાંત નવી ખાણો શોધવામાં પણ ઓસ્ટ્રેલિયન કંપનીઓ સાથે ભાગીદારી સાથેના સંયુક્ત સાહસો સ્થાપ્યાં છે. જો કે ઑસ્ટ્રેલિયા હવે સાવચેત થયું હોય એવું લાગે છે. તેણે ઓસ્ટ્રોઇડ કોર્પોરેશન દ્વારા સ્થાનિક લિથિયમ ઉત્પાદક અલિતા રિસોર્સિસના સંપાદનને અટકાવી દીધું છે. આ વર્ષની શરૂઆતમાં, ઓસ્ટ્રેલિયન સરકારે ચીન દ્વારા નોર્ધન મિનરલ્સના હસ્તાંતરણને પણ અટકાવી દીધું હતું.

ભારત પણ ચીનની કંપનીઓના ભારતમાં રોકાણ સંદર્ભે સાવચેત બન્યું છે. અગ્રણી ચાઇનીઝ ઓટોમેકર કંપનીની હૈદરાબાદની મેઘા એન્જીનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ભાગીદારી થકી ઇલેક્ટ્રિક કાર અને બેટરી ઉત્પાદનની જે યોજના હતી તેને ભારતે બ્લોક કરી દીધી હતી. ભારતે અમેરિકન ઇવી જાયન્ટ ટેસ્લાને ભારતમાં આવકારી છે. જો કે આ અમેરિકન કંપનીએ ગયા વર્ષે શાંઘાઈમાં તેની લગભગ અડધી વૈશ્વિક નિકાસનું ઉત્પાદન કર્યું હતું.

અમેરિકા અને ચીનની ટેકવોર જગજાહેર છે. સેમિકન્ડક્ટર ચિપ્સ વૈશ્વિક અર્થવ્યવસ્થાના કેન્દ્ર તરીકે વધુ ને વધુ ઉભરી રહી છે અને તેને ટેક્નોલોજી યુગનાં ઈંધણ તરીકે વર્ણવવામાં આવી છે ત્યારે અમેરિકાએ સેમિકન્ડક્ટર ઉત્પાદન માટે મહત્ત્વપૂર્ણ ખનિજોની ચીનને નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. ઉપરાંત યુએસ સરકારે ઇલેક્ટ્રિક વાહન સબસિડી માટે નવા નિયમોની દરખાસ્ત કરી છે, જેનો ઉદ્દેશ ચીન અને અન્ય હરીફ દેશોમાંથી થતી ઇમ્પોર્ટ પરની નિર્ભરતાને ઘટાડવાનો અને ઘરઆંગણાના ઇવી ઉદ્યોગને વિકસાવવાનો છે.

જો કે અમેરિકા, ભારત અને ઑસ્ટ્રેલિયા દ્વારા જે પગલાં લેવામાં આવી રહ્યાં છે તેનાથી વિપરીત, યુરોપ ચીનના ઇવી વર્ચસ્વને અટકાવવાનો બહુ ઇરાદો ધરાવતું હોય એવું જણાતું નથી. ચાઇનીઝ વાહનો પર EU ટેરિફ માત્ર ૧૦ ટકા છે, જ્યારે યુરોપિયન દેશોમાં ઇવી સબસિડી ઘણી ઓછી છે. પરિણામે ડેમલર બેન્ઝ, BMW, રેનો, ફિયાટ જેવા યુરોપિયન ઓટોમેકર્સ ઇવી માર્કેટમાં ચાઈનીઝ સ્પર્ધકો સામે ટકી શકે એમ નથી. ચાઇનીઝ ઓટોમેકર્સ માત્ર બે વર્ષમાં યુરોપમાં તેમનો બજાર હિસ્સો લગભગ બમણો કરવા માંગે છે. આ સ્થિતિમાં ઇવી ક્ષેત્રે ચીનના પ્રભુત્વને ઘટાડવું નજીકના ભવિષ્યમાં પડકારજનક દેખાઈ રહ્યું છે.  
ડૉ. જયનારાયણ વ્યાસ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top