Business

મોદી સીએમ હતાં ત્યારે અમરેલીમાં કોંગ્રેસને જીતાડનાર પરેશ ધાનાણીને શું આ વખતે ભાજપ હરાવી શકશે?

સુરત (Surat) : સૌરાષ્ટ્રની (Saurashtra) બેઠકોમાં અમરેલી (Amreli) બેઠક અનેક રીતે વિશેષતા ધરાવે છે. ગુજરાતના (Gujarat) પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા અહીથી ચુંટાયા હતા તે રીતે તે આ બેઠક ઐતિહાસિક ગણી શકાય 1985થી આ બેઠક ભાજપનો (BJP) ગઢ બની ગઇ હતી. ભાજપના દિલીપ સંઘાણી અને પુરૂષોતમ રૂપાલા અહીથી ચૂંટાતા હતા. જો કે વર્ષ 2002માં માત્ર 25 વર્ષની ઉમરે કોંગ્રેસમાંથી (Congress) ચુંટણી લડેલા પરેશ ધાનાણી (Paresh Dhanani) ભાજપના દિગ્ગજ નેતા પુરૂષોતમ રૂપાલાને હરાવી જાયન્ટ કીલર બન્યા હતા ત્યારથી તેનું અહીં વર્ચસ્વ છે. વચ્ચે એક વખત દિલીપ સંઘાણી અહીથી જીત્યા પરંતુ છેલ્લી બે ટર્મથી ફરી પરેશ ધાનાણી જીતી રહ્યા છે. આ બેઠક પર જીતવા ભાજપ મરણિયું બન્યું છે.

આ બેઠકનો ઇતિહાસ
1991થી આ બેઠક ભાજપનો ગઢ રહી છે. ભાજપના દિલીપ સંઘાણી આ બેઠક ઉપરથી ચાર વખત વિજયી થયા છે. પરંતુ વર્ષ 2009ની લોકસભાની ચુંટણીમાં કૉંગ્રેસના વીરજી ઠુમ્મરે સંઘાણીને પરાજય આપ્યો હતો. વિધાનસભાની ચુંટણીમાં વર્ષ 2017માં ભાજપના નારણ કાછડિયાને પરેશ ધાનાણીએ હરાવ્યા હતા. અગાઉ આ બેઠક પરથી પરેશ ધાનાણીએ દિલીપ સંઘાણી અને પુરષોતમ રૂપાલાને હરાવ્યા હતા. અમરેલીમાં ભાજપના નેતાઓ વચ્ચે ચાલતી યાદવાસ્થળીએ કોંગ્રેસને ઉતરોતર મજબુત કર્યુ છે. પાટીદાર આંદોલનને અસર વચ્ચે વર્ષ 2017માં અમરેલી બેઠક જ નહી એકને બાદ કરતાં આખા જીલ્લાની તમામ બેઠકો કોંગ્રેસે કબજે કરી લીધી હતી.

આ વખતે ત્રિ-પાંખિયા જંગમાં નવાજુનીના એંધાણ
અહી કુલ 2,68000 મતદારો છે અને વર્ષ 2017માં પરેશ ધાનાણી 12029 મતોની સરસાઇથી જીત્યા હતા. આ વખતે ભાજપમાંથી કૌશિક વેકરીયા અને આમ આદમી પાર્ટીમાંથી પરેશ ધાનાણીના જ પરિવારના રવિ ધાનાણી મેદાનમાં છે. પાટીદાર આંદોલનનો ચહેરો હાર્દિક પટેલ આ વખતે ભાજપમાં છે અને કોંગ્રેસના મતો પર ગાબડું પાડી શકે તેવા આમ આદમી પાર્ટીના ઉમેદવાર મેદાનમાં છે. તેથી આ બેઠક પર રાજકીય પંડીતોની નજર રહેશે.

ભાજપ સામે પડકાર
કોગ્રેસના પરેશ ધાનાણીનું આખા અમરેલી જિલ્લામાં સારૂં વર્ચસ્વ છે. વળી આ વિસ્તારમાં પાક વીમાની સમસ્યાઓ, ખેતરમાં પાણીની સમસ્યાઓ, વિજળીની સમસ્યાઓ સહિતના મુદ્દે ખેડૂતોમાં ભાજપ સામે રોષ છે. પાયાની સુવિધાઓમાં અને હાઇવેના રસ્તાઓની પણ ખરાબ સ્થિતીને કારણે અમરેલી જિલ્લાએ દિગ્ગજ નેતાઓ આપ્યા છતાં વિકાસની દ્રષ્ટિએ પછાત રહ્યાની છાપ છે, જેનો સીદો જ ફાયદો કોંગ્રેસને મળતો રહ્યો છે.

Most Popular

To Top