કોઈ પણ વ્યક્તિના જીવનમાં ફ્રીડમ, ઇકવાલીટી અને ડિગ્નીટીનો અધિકાર હ્યુમન રાઇટ્સ (માનવ અધિકાર) છે. સમગ્ર દુનિયામાં દર વર્ષે 10 ડિસેમ્બરને ‘માનવ અધિકાર દિવસ’ તરીકે ઉજવાય છે. વિશ્વભરના લોકોની વચ્ચે માનવ અધિકાર વિશે જાગૃતિ લાવવા, માનવ અધિકારોની સ્થિતિમાં પ્રગતિ માટે માનવ અધિકાર દિવસ ઉજવવામાં આવે છે. જો કે આપણે અહીં તેના વિશે વાત નથી કરવી. આપણે વાત કરવી છે સુરતના સ્ત્રી અને પુરુષોની જેઓ તેમની પત્ની કે પતિ સંબંધિત એવા અધિકારોની ઇચ્છા રાખે છે કે જે આમ તો રૂટીનથી હટકે માંગે છે પણ તે રમૂજી પણ લાગે છે. રોજ રોજ રસોઈ બનાવવાના કામથી કંટાળેલી પત્ની અને આખો દિવસ પત્નીની બોલ બોલ કરવાની આદતથી કંટાળેલા પતિ આ બધી કડાકૂટમાંથી મુક્તિ મેળવવા કેવા અધિકાર માંગી રહ્યા છે? જો બીજા એ સાંભળે કે જાણે તો તેમના માટે રમૂજ પેદા કરે.
અઠવાડિયામાં એક દિવસ પત્ની મૌન વ્રત ધારણ કરે : ડૉ. સંજય ધામેલીયા
સિટીલાઈટ વિસ્તારમાં રહેતા અને વ્યવસાયે ડેન્ટિસ્ટ ડૉ. સંજય ધામેલીયાના મેરેજને 20 વર્ષ થયાં છે. તેઓ ઈચ્છે છે કે અઠવાડિયામાં એક દિવસ પત્નીને મૌન વ્રત રાખવાનું કહેવાનો અધિકાર પતિને આપી શકાય. ડૉ. સંજય ધામેલીયાએ જણાવ્યું કે, ‘‘મારા મેરેજ થયા ત્યારે શરૂઆતમાં તો મારી પત્ની કૃણાલી ખૂબ શરમાળ હતી. તે ખૂબ ઓછું બોલતી અને મને ધ્યાનથી સાંભળવા તે પોતે ચૂપ રહેતી. જ્યારે હવે સ્થિતિ ઊલટી થઈ ગઈ છે. હવે હું મોટાભાગે ચૂપ જ રહું છું જ્યારે મારી પત્ની બોલ્યા કરે છે. તેને કારણે ક્યારેક મને એવું લાગે છે કે મને મારી પત્નીને અઠવાડિયામાં એક દિવસ મૌન ધારણ કરવાનું કહેવાનો અધિકાર હોવો જોઈએ. મને તો લાગે છે કે સુરતના મોટાભાગના પુરુષો આવો અધિકાર કદાચ ઇચ્છતા હશે. મને એક બીજો અધિકાર એ પણ જોઈએ કે હું મારી પત્નીને કહી શકું કે એક દિવાળી તો મને સુરતમાં મનાવવા માટે અધિકાર આપે. દર દિવાળીએ મારી પત્ની મને વિદેશની ટુર માટે ઇન્સિસ્ટ કરતી હોય છે. અત્યાર સુધીમાં અમે ન્યૂઝીલેન્ડ, ભૂતાન, થાઈલેન્ડ, મલેશિયા, હોંગકોંગ, ઈટાલી, સ્પેન, ફ્રાન્સ, સિંગાપોર, અમેરિકા, માલદીવની ટુર દિવાળીમાં જ કરી છે. મારે સુરતમાં એક દિવાળી તો મનાવવા માટે પત્નીને કહેવા માટેનો અધિકાર જોઈએ.’’
અઠવાડિયાનોએક દિવસ તું મારી સાથે નહીં લડતી : મિતેશ શાહ
વેસુમાં રહેતાં 48 વર્ષીય મિતેશભાઈ શાહ કેમિકલના બિઝનેસ સાથે સંકળાયેલા છે. તેમણે જણાવ્યું કે, ‘‘હીના સાથે મેં 27 વર્ષ પહેલાં લવ મેરેજ કર્યા હતા. મેરેજના શરૂઆતનાં કેટલાંક વર્ષો તો મને મારી પત્નીએ રાજા બનાવીને રાખેલો મારી બધી જ જરૂરિયાતોનો ખ્યાલ રાખતી. સવારે ઊઠો તો ટૂથબ્રશ કાઢીને આપતી, બાથરૂમમાં મારા નાહવા જતાં પહેલાં ટુવાલ મૂકી દેતી અને હવે તો કહીએ તોય આ કામ પત્ની જલ્દી કરી નથી આપતી. સો બહાનાં કાઢે. વળી રસોઈને લઈને, શોપિંગ, બહાર ફરવા જવાના, શું શાક બનાવવું જોઈએ વગેરે નાની નાની વાતોને લઈને રોજ અમારાં પતિ-પત્ની વચ્ચે તું-તું-મેં-મેં ચાલતી જ હોય. એક દિવસ એવો નથી જતો જ્યારે અમે બાઝયા નહીં હોઈએ. વળી તું-તું મેં-મેં બાદ સોરી તો મારે જ કહેવાનું. એટલે પત્નીને અઠવાડિયાનો એક દિવસ તું મારી સાથે ઝગડો નહીં કરતી કહેવાનો અધિકાર મળવો જોઈએ. આવો અધિકાર દરેક પુરુષને આપી શકાય એવું મને લાગે છે. વળી, એક અધિકાર મને એવો પણ મળવો જોઈએ કે જ્યારે પણ અમારી વચ્ચે ઝઘડો થાય ભલે ને તેની શરૂઆત મારા તરફથી હોય પણ તેણે મને સોરી કહેવાનું કેમ કે દર વખતે એવું જ થાય છે કે વાંક મારો નહીં હોય તો પણ પત્નીને મનાવવા હું જ સોરી કહેતો હોઉં છું.’’
મેકઅપ બાદ મારી સુંદરતાના વખાણ કરો : જ્હાનવી શ્રોફ
લાલ બંગલા એરિયામાં રહેતા જ્હાનવી શ્રોફ હેલ્ધી ટ્રીટ સેલિંગના બિઝનેસ સાથે સંકળાયેલાં છે. જ્હાનવીબહેને જણાવ્યું કે, ‘‘મારા મેરેજને 29 વર્ષ થયાં છે. આ 29 વર્ષમાં હું જ રસોઈ બનાવીને હસબન્ડ સમીરને જમાડું છું. મને ઘણી વખત એવું થાય કે હું પણ હસબન્ડની જેમ બહારનું કામ કરું જ છું તો મારા હસબન્ડે વીકમાં ત્રણ વખત તો રસોઈ બનાવવી જોઈએ. હું મારા હસબન્ડને રસોઈ બનાવવાનું કહી શકું તેવો અધિકાર મને જોઈએ. સ્ત્રી હોવાને કારણે સરસ તૈયાર થવાનો શોખ મને પણ છે. હું મેકઅપ કરી લઉં પછી મારી સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે તેવી પ્રશંસા કરો તેવું હું હસબન્ડને કહી શકું તેવો તો ખાસ અધિકાર જોઈએ. જેમ હું મારાં સાસુ-સસરાની સેવા કરું છું તેમ મારા હસબન્ડ રોજ એક કલાક મારાં મમ્મીને સાચવે તેવું કહેવાનો અધિકાર પણ જોઈએ. અમે ફરવા જઈએ ત્યારે મારા હસબન્ડ જ કાર ચલાવતા હોય છે. હવે હું ઈચ્છું છું કે હું જ દર વખતે કાર ચલાવું અને મારા પતિને લોન્ગ ડ્રાઇવ પર લઈ જાઉં.’’
પત્ની મેકઅપ નહીં કરે : પાર્થ રાશિવાળા
ભેસ્તાન વિસ્તારમાં રહેતાં 28 વર્ષીય પાર્થ રાશિવાળા સિંગર છે. તેમના લગ્ન કરિશ્મા સાથે 4 વર્ષ પહેલાં થયા હતા. પાર્થ રાશિવાળાએ જણાવ્યું કે, ‘‘મારી પત્નીને મેકઅપ કરવાનું ગમે છે. તે મેકઅપ કરવામાં ખાસ્સો સમય લેતી હોય છે એટલે ક્યારેક ઉતાવળમાં કશે જવાનું હોય ત્યારે તે મેકઅપમાં સમય લે ત્યારે મને અકળામણ થવા લાગે છે એટલે હું ઈચ્છું છું કે જ્યારે જલ્દબાજીમાં કશે બહાર જવાનું હોય ત્યારે તે મેકઅપ નહીં કરે તેવું કહેવાનો મને અધિકાર જોઈએ. હું સિંગર હોવાથી મારે ઘણી જગ્યાએ ઇવેન્ટમાં જવાનું હોય. ઇવેન્ટ રાત્રે પણ હોય એટલે રવિવારનો એક દિવસ જો મને મારા કામથી ફ્રી મળે તો હું સન્ડે મનભરીને ઊંઘવા માંગતો હોઉં એટલે મને મનભરીને ઊંઘવા દે કહેવાનો અધિકાર પણ જોઈએ.’’
અઠવાડિયાના એક વખત રાતનું ડિનર પતિ બનાવે : મિતા પટેલ
ઘોડદોડ રોડ વિસ્તારમાં રહેતાં મિતાબેન પટેલ સોશ્યલ વર્કર અને ફેશન મોડેલ છે. મિતાબેને જણાવ્યું કે, ‘‘મારા મેરેજને 24 વર્ષ થયાં છે. આ 24 વર્ષમાં મેં જ રસોઈ બનાવીને મારા પતિ સરજુ પટેલને જમાડ્યા છે ત્યારે મને એવું થાય છે કે અઠવાડિયામાં કોઈ એક દિવસ પતિને ડિનર બનાવવા કહેવાનો અધિકાર હોવો જોઈએ. વિદેશમાં વિક એન્ડમાં પતિ તેની પત્ની માટે રાતની રસોઈ તૈયાર કરે છે તેવી જ રીતે ઇન્ડિયન પતિએ પણ પોતાની પત્ની માટે કરવું જોઈએ. અમે આમ તો દર રવિવારે બહાર રેસ્ટોરન્ટમાં જ ડિનર લેતાં હોઈએ છીએ એટલે રવિવારને છોડીને અઠવાડિયાના બીજા કોઈ દિવસે એટલીસ્ટ રાતની રસોઈ હસબન્ડ બનાવે તે કહેવાનો અધિકાર તો મળવો જોઈએ. બીજું હું એ ઇચ્છું છું કે મારું વજન 2 કિલો કે 3 કિલો કે 4 કિલો વધી જાય અને હું જાડી દેખાતી હોઉં તો પણ મારા પતિ મને પાતળી જ દેખાય છે એવું કહે. આમ તો હું ફિટનેસનું ખૂબ ધ્યાન રાખું જ છું પણ જો 2-3 કિલો વજન વધી જાય ને હું થોડી જાડી દેખાતી હોઉં તો પણ મારા પતિ મને પાતળી દેખાય છે એવું જ કહે તેવી મારી ઈચ્છા છે.’’
ફરવા જઈએ ત્યારે પાણીપુરી ખવડાવે અને એક આખો દિવસ દીકરીને સંભાળે: સંગીતા સોરઠિયા
વરાછા વિસ્તારમાં રહેતી સંગીતા સોરઠિયાએ જણાવ્યું કે મારા મેરેજને પોણા બે વર્ષ થયાં છે. મારી ડોટર 11 મહિનાની છે. મને પાણીપુરી ખાવાનો શોખ છે જ્યારે મારા હસબન્ડ તુષારને પાણીપુરી બિલકુલ નથી ભાવતી. એને કારણે અમે જ્યારે પણ બહાર ફરવા જઈએ ત્યારે મારે પાણીપુરી ખાવી હોય તો પણ મારા હસબન્ડ નથી ખાવા દેતા. મને એવો અધિકાર જોઈએ કે જ્યારે પણ ફરવા જઈએ ત્યારે તેમને હું કહી શકું કે મને પાણીપુરી ખવડાવો. અમારી ડોટર સાનવી રાતે પણ મને ઊંઘવા નથી દેતી જ્યારે મારા હસબન્ડ રાતના મસ્ત મીઠી નીંદર લેતા હોય છે. એમને ખબર જ નથી કે હું દિવસરાત દીકરીને કઈ રીતે સંભાળું છું એટલે હું અઠવાડિયાનો કોઈ એક આખો દિવસ અને રાત દીકરીને માત્ર હસબન્ડ જ સંભાળે તેવું કહેવાનો અધિકાર જોઈએ.’’
આમ તો માનવીને જન્મજાત ઘણા અધિકારો મળેલા જ છે પણ કેટલાકનાં સ્વભાવ અને રહેણીકરણી બીજાને અકળાવી દેનારી હોય છે એટલે વ્યક્તિને થાય કે મને એવો અધિકાર મળવો જોઈએ કે હું તેને મારું ગમતું કરવાનું કે નહીં કરવાનું કહી શકું. પતિ-પત્ની એકબીજાને ખોટું લાગી જાય એટલે આ નહીં કર કે તે નહીં કર ડાયરેકટલી કહેતા અચકાય છે એટલે તે જે ના કહી શકાતું હોય તેનો અધિકાર મળવો જોઈએ એવું ઇચ્છતા હોય છે પણ તેમને જોઈતા અધિકાર બીજા લોકો માટે રમૂજ પેદા કરનારા બની જતા હોય છે.