કામરેજ: ખોલવડ ઓપેરા પામમાં રહેતી પરિણીતાને પિયરમાં રહેતો ઈસમ સોશિયલ મીડિયા (Social Media) પર મેસેજ (Message) મોકલી ફોન (Phone) પર વાત કેમ નથી કરતી? તેમ કહીને ગાળો બોલી ધમકી આપતાં પરિણીતા કેરોસીન છાંટી સળગી જતાં સારવાર દરમિયાન પરિણીતાનું મોત નીપજ્યું હતું.
- ફોન ઉપર વાત કરવા ધમકી મળતાં ખોલવડમાં પરિણીતાએ જાત જલાવી
- કેરોસીન છાંટી આગ ચાંપ્યા બાદ 24 વર્ષીય ધારા ફ્લેટની બહાર દોડી આવી
મૂળ અમરેલીના બાબરાના ફૂલઝર ગામના વતની અને હાલ સુરતના કામરેજના ખોલવડની હદમાં પાસોદરા પાટિયા પાસે આવેલી ઓપેરા પામ સોસાયટીમાં બ્લોક નં.જે 2 માં ફ્લેટ નં.404માં રહેતા રોહિત મનસુખ રાદડિયાની પત્ની ધારા (ઉં.વ.24) ભાઈઓ સાથે રહે છે. ગત 12મી ફેબ્રુઆરીએ ધારાના પિયર રાજકોટના ગોંડલના કેશવાળા ગામમાં રહેતા જયદીપ સરવૈયા નામના ઈસમે ફેસબુક પર મેસેજ મોકલી સંપર્ક કર્યો હતો. વારંવાર મેસેજ મોકલતો હોવાથી ધારાએ ફેસબુક બંધ કરી દીધું હતું. ધારાનો મોબાઈલ નંબર મેળવી 6.45 કલાકે ફોન કરીને જયદીપ બોલું છું. મને કેમ ફોન કરતી નથી? તેમ કહીને અપશબ્દ બોલતાં ધારાએ જણાવ્યું હતું કે, હું તને ઓળખતી નથી. તેમ કહેતાં જ ફોન પર ફરી અપશબ્દ બોલવા લાગ્યો હતો. મને ફોન નહીં કરે તો તને સારી રીતે જીવવા નહીં દઉં તેવા ધમકીભર્યા શબ્દો કહેવા લાગતાં ફોન કટ કરી નાંખ્યો હતો. ત્યારબાદ ધારા શરીરે કેરોસીન છાંટી દીવાસળી ચાંપી સળગી ગઈ હતી. આખા શરીરે દાઝી જતાં ફ્લેટની બહાર નીકળીને બૂમાબૂમ કરતાં પાડોશમાં રહેતા લોકો આગ બુઝાવીને સુરત ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. રવિવારે સારવાર દરમિયાન ધારાનું બપોરે 2.45 કલાકે મોત નીપજ્યું હતું. કામરેજ પોલીસ અગાઉ ફોન પર ધમકી આપવાનો તેમજ જયદીપ સામે દુષ્પ્રેરણાનો ગુનો પણ પોલીસ નોંધશે. ધારાના દોઢ વર્ષ અગાઉ જ લગ્ન થયાં હતાં.