વડોદરા:સાવલીની કે.જે.આઈટી કોલેજ પાસે અકસ્માત સર્જાયો હતો. હાલોલથી અમદાવાદ લોખંડની પ્લેટો ભરી જઈ રહેલી ટ્રક પલટી ખાઇ જતા ટ્રક ડ્રાઇવર ફસાતા તંત્રમાં દોડધામ મચી હતી. ડ્રાઇવરને ભારે જહેમતે બહાર કાઢી સ્થાનિક સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યો હતો.
હાલોલથી અમદાવાદ લોખંડની પાટો ભરેલી વિકાસ રોડલાઇન્સની GJ01-BV-1992 નંબરની ટ્રક સાવલી પાસે આવેલ કે.જે.આઇટી કોલેજના ગેટ પાસે પલટી ખાઈ ગઈ હતી. જોરદાર બ્રેકના કારણે ટ્રકમાં ભરેલી લોખંડની પ્લેટો ડ્રાઇવર કેબીન તોડી કેબીન પર આવતાં ડ્રાઇવર ફસાઈ ગયો હતો.આ ઘટનાની જાણ સાવલીમાં થતાં સાવલી નગરપાલિકાના કર્મચારીઓ, નગરસેવકો તેમજ સાવલી પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
અને ફસાયેલા ડ્રાઇવરને બહાર કાઢવા જેસીબી મશીન અને ગેસ કટરની મદદથી ફસાયેલા ડ્રાઇવરને કલાકોની જહેમત બાદ બંને પગે ઇજા પામેલા ડ્રાઇવરને હેમખેમ બહાર કાઢી 108 દ્વારા સારવાર અર્થે સાવલીના સરકારી દવાખાને લવાયો હતો.
આ અકસ્માત ઘટનાની જાણ સાવલીમાં થતા ઘટનાસ્થળે લોકટોળા ઉમટી પડ્યાં હતાં. સદનસીબે જાનહાની થતાં ટળી ગઇ હતી. જોકે ડ્રાઇવરને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.