અમદાવાદ: ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CA)ની પરીક્ષાની તૈયારી કરતા સ્ટુડન્ટ્સ માટે સારા સમાચાર છે. અત્યાર સુધી સીએ ફાઉન્ડેશન અને ઈન્ટરમીડિયેટની પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવતી હતી, પરંતુ હવે તે ત્રણ વાર લેવામાં આવશે. ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI)ના ચેરમેન અનિકેત તલાટીએ આ જાહેરાત કરી છે.
અમદાવાદ ખાતે જીસીસીઆઈના સંવાદ કાર્યક્રમમાં અનિકેત તલાટીએ કહ્યું કે, સીએ કોર્ષમાં સ્ટુડન્ટ્સની સંખ્યા સતત વધી રહી છે. તેને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવી સિસ્ટમ મે 2024થી જ અમલમાં મુકાશે. તલાટીએ આ જાહેરાત કરી ત્યારે દેશના નાણામંત્રી નિર્મલા સીતારામન પણ કાર્યક્રમમાં હાજર હતા.
હાલની સિસ્ટમ પ્રમાણે સીએ કોર્ષમાં પરીક્ષા મે અને નવેમ્બર એમ વર્ષમાં બે વખત લેવામાં આવતી હતી. પરંતુ હવે તે ત્રણ વખત લેવામાં આવશે. તલાટીએ કહ્યું કે, અમદાવાદ આજે દેશભરમાં ICAIની બીજી સૌથી મોટી બ્રાન્ચ છે. અમદાવાદમાં 15 હજારથી વધુ સીએ છે. સીએ માટે નવા કોર્ષની મંજૂરી આપવા માટે તલાટીએ નિર્મલા સીતારામનનો આભાર માન્યો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, તમે સ્ટોક ઓપરેટર્સ, ટ્રેડર્સ, CA તરીકે ઓળખાતા હતા પણ હવે ગુજરાત કોમ્યુનિટીએ મેન્યુફેક્ચરર તરીકે તમારી ઓળખ ઊભી કરી લીધી છે.
સીતારામણે જીસીસીઆઈ ખાતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના વેપારીઓ અને આઈસીએઆઈના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સાથે સંવાદ કર્યો હતો. વિકસિત ભારત 2047 પર વિચારો વ્યક્ત કર્યા હતા. કેટલાંક મહત્ત્વના મુદ્દા પર ચર્ચા કરી હતી, જેમાં રાજ્ય અને દેશની અર્થવ્યવસ્થા કેવી રીતે સુધારી શકાય જેવા વિષયો સામેલ હતા