કોરોનાને કારણે અટકી ગયેલી શૈક્ષણિક સીસ્ટમમાં મોડેમોડે પણ લેવાયેલી સીએ ફાઈનલની પરીક્ષામાં આખરે સુરતે ડંકો વગાડ્યો છે. સુરતનો વિદ્યાર્થી મુદિત અગ્રવાલ આખા દેશમાં બીજા ક્રમે પાસ થયો છે. જેને કારણે સુરતનું નામ રોશન થયું છે. દેશના ટોપ 50 વિદ્યાર્થીઓમાં સુરતના છ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે. જેને કારણે સુરત હવે સીએના વિદ્યાર્થીઓનું પણ હબ બનવા માંડ્યું છે.
કોરોનાને કારણે સીએ ફાઈનલની પરીક્ષા તેના નિયત સમયે લેવામાં આવી નહોતી. બાદમાં કોરોના હળવો થતાં આખરે નવે.-2020માં પરીક્ષા લેવામાં આવી હતી. આજે ધી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા અગાઉ નવે.માં લેવામાં આવેલી સી. એ ફાઇનલ પરીક્ષા નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામમાં આખા દેશના ટોચના 50 વિદ્યાર્થીઓમાં સુરતના છ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો હતો. છ વિદ્યાર્થીઓ પૈકી સુરતના મુદિત અગ્રવાલે આખા દેશમાં 800 માંથી 589 માર્ક્સ મેળવી દેશભર માં બીજો રેન્ક મેળવી સુરતનું ગૌરવ વધાર્યું હતું.
આ ઉપરાંત સુરતમાંથી અન્ય વિદ્યાર્થીઓમાં વર્ષિલ દેસાઈએ 548 માર્ક મેળવી 17મો ક્રમ, વિનય ગોવિંદ અગ્રવાલે 540 માર્ક મેળવી 24મો ક્રમ, ચંદ્રશેખર પાનસરીએ 533 માર્ક મેળવી 31મો ક્રમ, વિનય ટેટેડે 521 માર્ક મેળવીને 43મો ક્રમ તેમજ અભિષેક સિંધવીએ 517 માર્ક મેળવી 47મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. ટોપ 50માં સુરતના છ વિદ્યાર્થીઓએ હીર ઝળકાવતાં સુરતને નેશનલ લેવલે મોટું સ્થાન મળ્યું છે.
ઈન્સ્ટિટ્યુટ દ્વારા સેન્ટર પ્રમાણે પરિણામ જાહેર નહીં કરાતાં અનેક ગુંચવાડા
ઈન્સ્ટિટ્યુટ દ્વારા આજે સીએ ફાઈનલ પરીક્ષાનું જે પરિણામ જાહેર કરવામાં આવ્યું તેમાં સેન્ટર દીઠ પરિણામ જાહેર નહીં કરાતાં અનેક ગુંચવાડાઓ ઉભા થયાં હતાં. આ કારણે વધુ વિગતો મેળવી શકાય નહોતીં.
આજના પરિણામ સાથે સુરતમાં નવા 150 સીએનો ઉમેરો થયો
સીએ ફાઈનલ પરીક્ષાના પરિણામની જાહેરાત સાથે અગ્રક્રમ મેળવનારાઓ તો સુરતનો ડંકો વગાડ્યો જ છે પરંતુ સાથે સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પાસ પણ થયાં છે. આ પરિણામ સાથે સુરતમાં નવા 150 જેટલા સીએનો ઉમેરો થવા પામ્યો છે. હાલની અર્થ વ્યવસ્થામાં આ નવા સીએ વેપારી એકમો માટે ફાયદાકારક સાબિત થશે.
પરીક્ષા લંબાવાથી અન્ય વિદ્યાર્થીઓ ટેન્શનમાં હતાં અને મેં રિવિઝન કર્યું તો પરિણામ મળ્યું: મુદિત અગ્રવાલ
આખા દેશમાં સીએ ફાઈનલમાં બીજો ક્રમ મેળવનાર મુદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, આમ તો બધાં જ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે તૈયારી કરતાં હતાં પરંતુ પરીક્ષા લંબાતી જતાં અનેક વિદ્યાર્થીઓ ટેન્શનમાં આવી ગયા હતાં. જોકે, મેં આ સમયનો સદુપયોગ કર્યો અને સતત રિવિઝન ચાલુ રાખતાં મને આ પરિણામ મળ્યું છે. મુદિતે એમબીએ કરીને બિઝનેસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મુદિત પ્રદીપ અગ્રવાલ મુળ રાજસ્થાનનો વતની છે અને પોતાના પરિવાર સાથે સુરતના વેસુ વિસ્તારમાં રહે છે. મુદિતના પિતા કાપડના વેપારી છે અને મુદિતને એક બહેન છે. જ્યારે તે પરિવારનો એકનો એક દીકરો છે.
મારે હજુ ઉચ્ચ અભ્યાસ કરવો છે, મને ઈન્ટરનેશનલ ટેક્સેશનમાં રસ છે: વર્ષિલ દેસાઈ
દેશમાં 17મો ક્રમ મેળવનાર વર્ષિલ દેસાઈએ જણાવ્યું હતું કે, કોરોનાને કારણે રિવિઝન કરવા માટેનો વધુ સમય મળતાં સારૂં પરિણામ આવ્યું છે. જોકે, હજી હું ઉચ્ચ અભ્યાસ કરવા માંગુ છું. મને ઈન્ટરનેશનલ ટેક્સેશનમાં રસ છે.