Columns

ચાલવાથી

એક જૈન ગુરુ પાસે તેમના બાળપણના ખાસ મિત્ર વર્ષો બાદ આવ્યા. જૈન ગુરુની ખ્યાતિ અને પ્રભાવ જોઇને મિત્રએ પોતાના નાનપણના મિત્રને પ્રણામ કર્યા. જૈનગુરુ હસ્યા અને તેમણે સામે પ્રણામ કર્યા એથી મિત્ર ડરીને બે ડગલા પાછળ ખસી ગયો અને બોલ્યો, ‘આ શું કરો છો ?’ જૈન ગુરુ હસ્યા અને બોલ્યા, ‘તે પ્રણામ કર્યા એટલે મેં પણ પ્રણામ કર્યા…’ મિત્રે કહ્યું, ‘તમે પ્રખ્યાત ગુરુ છો તમને તો બધા પ્રણામ કરે છે પણ તમે મને શું કામ પ્રણામ કરો છો ??’

જૈન ગુરુએ હસતા હસતા કહ્યું, ‘અરે, તું મારો દોસ્ત છે અને દોસ્ત તો આવીને ગળે મળે પણ તે પ્રણામ કર્યા એટલે મેં પણ પ્રણામ કર્યા કે કદાચ હવે દોસ્તને પ્રણામ કરીને મળાતું હશે.’ આટલું બોલી જૈન ગુરુ બાળપણના દોસ્તને વ્હાલથી ભેટ્યા. મિત્ર ખુશ થઈ ગયા અને પ્રેમથી મિત્રને ભેટ્યા અને કુશળ સમાચાર પૂછ્યા. જૈન ગુરુએ તેમની સાથે પોતાનો મોભો અને જ્ઞાનની વાતો છોડી બાળપણની ઘણી વાતો કરી. મિત્રએ જૈનગુરુને પૂછ્યું, ‘આ જ્ઞાન અને આધ્યાત્મના માર્ગ પર તમને સફળતા ઘણી મળી છે, બહુ સારી વાત કહેવાય સફળ થવા તમે શું કર્યું તે મને કહેશો?’

જૈન ગુરુએ કહ્યું, ‘દોસ્ત, સફળતાની મને ખબર જ નથી હા આ જ્ઞાન, ત્યાગ અને આધ્યાત્મના માર્ગ પર મને શાંતિ ચોક્કસ મળી છે અને તેનું કારણ એક છે’ મિત્રે તરત પૂછ્યું, ‘શું કારણ છે ??’ જૈન ગુરુએ ટૂંકો ટચ જવાબ આપ્યો, ‘ચાલવાથી ….’ મિત્રને નવાઈ લાગી કે જીવનમાં ચાલે તો બધા જ છે તો શું માત્ર ચાલવાથી આટલી બધી ખ્યાતિ, સફળતા અને શાંતિ મળી જાય? તેણે પૂછ્યું, ‘એટલે માત્ર ચાલવાથી આટલી ખ્યાતિ મળે?’

જૈન ગુરુ ફરી બોલ્યા, ‘ખ્યાતિની મને ખબર નથી પણ મને શાંતિ ચોક્કસ મળી છે અને તે માત્ર ચાલવાથી જ મળી છે. જો જીવનમાં સાચો રસ્તો કયો છે?, સફળતાનો માર્ગ કયો છે?, શાંતિ કઈ રાહ પર મળે? આ રસ્તો વિષે મને નહિ ઘણા લોકોને ખબર હોય છે પણ જેટલાને રસ્તાઓ વિષે ખબર હોય છે તે બધા જ તે રસ્તાઓ પર ચાલતા નથી. અને બહુ જાજુ લોકો તે રસ્તાઓ પર ચાલે છે તેને જીવનમાં અપનાવીને આગળ વધે છે તેઓને ચોક્કસ સફળતા, ખ્યાતિ, શાંતિ મળે જ છે.’ જૈન ગુરુએ મિત્રને સાચી સમજ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top