ગાંધીનગર : કેન્દ્રીય વેપાર વાણિજ્ય અને ઉદ્યોગ, ટેક્સટાઇલ મંત્રી પિયુષ ગોયલે વ્યવસાયોને તેમની રીતોમાં પર્યાવરણને અનુકુળ અને સતત વિકાસ માટેનો અભિગમ અપનાવવા જણાવ્યું હતું. તેમણે વ્યવસાયોને જી20ની સાથે બી20 મંચનો ઉપયોગ આપણે કેવી રીતે સતત અને સમાન ભવિષ્યના એજન્ડા માટે ખભેખભો મિલાવીને કામ કરીએ શકીએ એનો વિચાર કરવા પણ જણાવ્યું હતું. તેમણે આજે ગાંધીનગરમાં ઇન્સેપ્શન મીટિંગ ઓફ બિઝનેસ (બી20)ને સંબોધન કર્યું હતું, જે વૈશ્વિક વ્યવસાયિક સમુદાય સાથે જી20 સંવાદ માટે અધિકૃત મંચ છે. તેમણે કહ્યું હતું કે ભારત આગામી 25 વર્ષના એક રોડ મેપ પર કામ કરી રહ્યું છે, જેના આધારે આગામી 2047માં ભારત જયારે આઝાદીના 100 વર્ષપૂર્ણ કરે તે વખતે એક વિસિત રાષ્ટ્ર બની શકે.
ગોયલે આજે નેતાજી સુભાષચંદ્ર બોઝને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને કહ્યું હતું કે, નેતાજી આપણા સ્વતંત્રતા સંગ્રામના અગ્રણી સ્વતંત્રતાસેનાનીઓ પૈકીના એક હતા. તેમણે ઉમેર્યું હતું કે, નેતાજીએ એવા દેશની કલ્પના કરી હતી, જેમાં દેશનો દરેક નાગરિક રાષ્ટ્રની સમૃદ્ધિમાં હિસ્સો ધરાવતો હોય.
ગોયલે પીએમ નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદીના ‘વસુધૈવ કુટુંમ્બકમ’, શાંતિ અને સંવાદ, વ્યવસ્થિત અને સર્વસમાવેશક વૃદ્ધિના વિઝન તથા માનવીય અભિગમની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારત એક જવાબદાર વૈશ્વિક રાષ્ટ્ર બનવા ઇચ્છે છે, પછી એ આબોહવામાં પરિવર્તનના ક્ષેત્રમાં હોય કે ડિજિટલ સરકારી માળખાગત સુવિધાઓ ઊભી કરવાના ક્ષેત્રમાં હોય. ગોયલે જણાવ્યું હતું કે, ભારતમાં જી20ની થીમ – એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય – દ્વારા અમે દુનિયાને એકબીજાની કાળજી લેવાની, વધુને વધુ સંવાદ કરવાની તથા આપણા બાળકોના ભવિષ્ય અને પૃથ્વી માટે વિશેષ ચિંતા કરવા પ્રેરિત કરવા ઇચ્છીએ છીએ.
મહાત્મા ગાંધીને ટાંકીને તેમણે જણાવ્યું હતું કે, આપણને આ દુનિયા ટ્રસ્ટીઓ તરીકે વારસામાં મળી હતી અને આગામી પેઢી માટે સારી દુનિયા પાછળ છોડીને જવી આપણી ફરજ છે. આપણે આંતરપેઢીય ભાગીદારીનું સન્માન કરવું જોઈએ. આપણે આ પૃથ્વીના તમામ સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરવાનો અધિકાર ધરાવતા નથી.
ગોયલે જણાવ્યું હતું કે, ભારત સતત વિકાસ માટે હંમેશા મોખરે રહ્યો છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, પર્યાવરણલક્ષી લક્ષ્યાંકો સ્વીકારવામાં અને તેનો અમલ કરવામાં દુનિયામાં ટોચના 5 દેશોમાં ભારત સ્થાન ધરાવે છે. ભારત નિયમિતપણે યુએનએફસીસીસી રિપોર્ટ રજૂ કરે છે અને વર્ષ 2030 માટેના એના લક્ષ્યાંકોથી વધારે સફળતા હાંસલ કરી છે, વર્ષ 2021માં એની સ્થાપિત પુનઃપ્રાપ્ય ઊર્જા 40 ટકા હિસ્સો ધરાવે છે.
ભારત સતત વિકાસના દરેક લક્ષ્યાંકને અતિ ગંભીરતાપૂર્વક લે છે. ભારતની વૃદ્ધિની રોમાંચક સફર પર બોલતાં શ્રી ગોયલે જણાવ્યું હતું કે, કેટલીક આફતો આવી હોવા છતાં છેલ્લાં ત્રણ દાયકામાં ભારતે લગભગ 12 ગણી વૃદ્ધિ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના સમાજના દરેક વર્ગ સુધી અને દેશના અંતરિયાળ વિસ્તારોમાં સર્વસમાવેશક વૃદ્ધિના લાભ પહોંચાડવા સરકારે પરિવર્તનકારક પગલાં લીધા છે.
ગોયલે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી સતત 4 ‘I’ એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર (માળખાગત સુવિધા), ઇન્ટિગ્રિટી (પ્રામાણિકતા), ઇન્ક્લૂઝિવ ડેવલપમેન્ટ (સર્વસમાવેશક વિકાસ) અને ઇન્ટરનેશનલ આઉટલૂક (આંતરરાષ્ટ્રીય સંભાવનાઓ)માં રોકાણ કરવા ધ્યાન કેન્દ્રિત કરે છે, જેથી ભારતીય અર્થતંત્રોને ઉડાન ભરવા પાંખો મળે. તેમણે સરકારની કેટલીક પરિવર્તનકારક પહેલો વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ડિજિટલ ઇન્ડિયા અભિયાને સુનિશ્ચિત કર્યું હતું કે, અત્યારે આપણે ટેલીકોમમાં જે જોડાણનું સ્તર ધરાવીએ છીએ અને આગામી 2 વર્ષ માટે જે યોજના બની છે, એ આપણને ટેકનોલોજીની દ્રષ્ટિએ ટોચના 5 કે 6 અર્થતંત્રોમાં સ્થાન અપાવશે. એનાથી આપણને સર્વસમાવેશક આર્થિક વૃદ્ધિ સ્માર્ટ રીતે હાંસલ કરવામાં મદદ મળશે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકારે ભોજન, આશ્રય, વસ્ત્ર, શિક્ષણ, હેલ્થકેર વગેરે જેવી મૂળભૂત જીવન જરૂરિયાતો લોકોને સફળતાપૂર્વક પૂરી પાડી હતી, તેમને જીવનમાં વધારે સારી રીતે કામગીરી કરવાની આકાંક્ષા ધરાવવા સક્ષમ બનાવ્યાં છે અને પ્રેરિત કર્યા છે. તેમણે નોંધ્યું હતું કે, મહામારીની પરાકાષ્ઠા દરમિયાન પણ ભૂખમરાને કારણે દેશમાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થયું નહોતું, જે માટે સરકારની કેટલીક પહેલો આભારી છે, જેમાં સમગ્ર દેશમાં લગભગ 800 મિલિયન લોકોને પર્યાપ્ત અનાજથી વધારે પ્રદાન કરવાનું અભિયાન સામેલ છે.
તેમણે ભાર મૂક્યો હતો કે, ભારત વિશ્વનો સૌથી મોટો અને સફળ નિઃશુલ્ક હેલ્થકેર કાર્યક્રમ ધરાવે છે, જે 500 મિલિયન લોકોને વીમાકવચ પ્રદાન કરે છે. તેમણે કહ્યું હતું કે, પિરામિડના તળિયે રહેલા કે ગરીબી રેખા નીચે જીવન જીવતા 35 મિલિયન પરિવારોને તમામ મૂળભૂત સુવિધાઓ ધરાવતા મકાનો પ્રદાન કરવામાં આવે છે, જેઓ હજુ પણ મકાન જેવી મૂળભૂત સુવિધાથી વંચિત છે અને તેને મેળવવાના સૌથી વધુ હકદાર છે. તેમણે ઉમેર્યું હતું કે, સરકારે ખેડૂતોની આવકમાં પણ સફળતાપૂર્વક વધારો કર્યો છે.
તેમણે આશા વ્યક્ત કરી હતી કે, ઓગસ્ટ સુધીમાં આપણે બી20 માટે મજબૂત માળખાગત કાર્ય ધરાવીશું તથા આપણે જવાબદારી, સારસંભાળ અને ચિંતાનો સંદેશ, એકતા અને અખંડિતતાનો સંદેશ સફળતાપૂર્વક આપ્યો હતો. આ એક એવો સંદેશ છે, જે આપણે તમામ ભારતથી લઈને દુનિયામાં આપણા બાળકો માટે ઉજ્જવળ ભવિષ્ય માટે ખભેખભો મિલાવીને કામ કરીશું એ જણાવે છે.