Comments

અમદાવાદના નામે ધંધો ઈંગ્લેન્ડની કંપનીનો

સમય સમય બલવાન હૈ
નહિ મનુષ્ય બલવાન.
કાબે અર્જુન લૂંટિયો
વ હિ ધનુષ વ હિ બાણ.

જે અંગ્રેજોની વેપારી કંપનીએ ધીમે ધીમે પગપેસારો કરી આખા દેશ પર શાસન ચલાવ્યું. જે ઈંગ્લેન્ડના શાસન સામે આઝાદીની ચળવળનું કેન્દ્રસ્થાન અમદાવાદ રહ્યું, જે અંગ્રેજી રમતને ભાજપ અને તેના સાથી પક્ષો સતત વખોડતા રહ્યા. જે ભારતીય જનતા પાર્ટી વિદેશી કંપનીઓના કોઈ પણ પ્રકારના ભારતમાં થતા ધંધાનો વિરોધ કરતી હતી. જે દેશના વડા પ્રધાન અત્યારે ‘‘ લોકલ ફોર વોકલ’’ એવું સૂત્ર આપતાં હોય તે સમયમાં ભારતમાં ક્રિકેટની ખાનગી લીગ ટુર્નામેન્ટ IPL માટે અમદાવાદ નામધારી ટીમને ઈંગ્લેન્ડની એક આન્તરરાષ્ટ્રિય રમત બજારની મોટી કંપનીએ ખરીદી છે. રમત તો કહે ક્રિકેટ નામ અમદાવાદની ટીમ પણ તેમાં અમદાવાદનું કોઈ નહિં, દેશ-વિદેશના ખેલાડીઓના ભાવ બોલાશે, બોલી લાગશે. જે અમદાવાદ વતી રમશે.. તો અમદાવાદ આમાં શું કરશે. થોડાક ગુજરાતના ખેલાડી જે પાછલા 6 થી 12 માં સામેલ થાય પણ ખરા.

બાકી તો મૂળ અમદાવાદીઓ ચા ની કીટલી પર પોતાના પૈસે ચા પીશે, કપ ફોડશે, ચર્ચાઓ કરશે, ફટાકડાનો ધૂમાડો કરશે અને રમે ને અમદાવાદની ટીમ જીતે તો ‘‘નામ માત્ર’’ ની ભ્રમણામાં આનંદિત થઈ પલાયનવાદી આનંદનો ભાગ બનશે! અમદાવાદની ટીમ આઈ.પી.એલ.માં રમશે તેની ફી, ખર્ચ, નફો-ખોટ બધું ઈંગ્લેન્ડની કંપની ઉઠાવશે. મતલબ રમતગમતના બજારમાં ક્રિકેટની દુકાનમાં આ વિદેશી કંપનીએ રોકાણ કર્યું છે. અર્થશાસ્ત્રીઓ માથું ખંજવાળે છે કે આ ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ કહેવાય કે નહિ!

56 હજાર કરોડની નેટવર્થવાળા CVC કેપિટલ ગૃપે અમદાવાદ ટીમ ખરીદી છે. આ માટે 5625 કરોડ તે BCCI ને ચૂકવશે. ક્રિકેટની વધતી ઘેલછાએ આપણને હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકી દીધા છે. આમાં રમતનો મુદ્દો હવે છે જ નહિ, માત્ર એક જ કલ્પના કરો કે જો ક્રિકેટ ટી.વી. પર પ્રસારિત ન થતી હોય તો શું આ અબજો કરોડોનો ધંધો હોય? ધારો કે ક્રિકેટ ટી.વી. પર આવે છે પણ ભારતમાં ખાનગી ચેનલો નથી તો? તો પણ આ કરોડોનો બિઝનેસ ન થાય! રમત માટેનો પ્રેમ રમત રમવામાં હોય. આજે દેશમાં મેદાનો જ નાશ પામી રહ્યાં છે. નાનાં નાનાં નગર અને શહેરોમાં તો આખું ક્રિકેટ રમી શકાય, સાચું ક્રિકેટ રમી શકાય તેવી જગ્યાઓ જ નથી રહી. ક્રિકેટ હવે માત્ર જોવાનો ખેલ રહી ગઈ છે. એમાં ભાગતી જિંદગીની ઉતાવળ પ્રવેશી છે. પાંચ દિવસની રમત એક દિવસની થઈ. એક દિવસમાં પણ પચાસ ઓવર જ! હવે તેમાં આવી વીસ-વીસ ઓવર. પહેલાં દેશની ટીમો વચ્ચે રમત રમાતી, હવે દેશમાં જ ટીમો બનાવીને રમત રમાય છે. હવે માત્ર આપણા જ દેશના ખેલાડીઓ રમે તો તો મજા ન આવે. એટલે દેશવિદેશના ખેલાડીઓ આ દેશની ટીમમાં રમવા આવે છે, ટીમો વતી રમે છે. તેમની જાહેર હરાજી થાય છે. ભાવ બોલાય છે.

અફઘાનિસ્તાનમાં રૂપાળી સ્ત્રીઓ બજારના ચોરા પર ઊભી રખાય અને ધનિકો તેના ભાવ બોલે, જે વધારે ભાવ બોલે તે સ્વરૂપવાન સ્ત્રીને લઈ જાય, બસ આ જ રીતે વેપારીઓ ખેલાડીઓની બોલી લગાવે છે. માનવમૂલ્યોનું જબરદસ્ત પતન આ હરાજી બજારમાં છે. ભારતીય સંસ્કૃતિની વારે વારે દુહાઈ દેનારા જ સ્ટેજ ઉપર બેસીને આ સોદાઓ પાર પાડે છે. ત્યારે એમ થાય છે કે ગાંધીએ સાબરમતી આશ્રમ છોડતી વખતે દાંડીયાત્રાની શરૂઆતમાં કહ્યું હતું કે ‘‘કાગડા કૂતરાના મોતે મરીશ, પણ આઝાદી લીધા વગર પાછો નહિં ફરું.’’ પણ બાપુ.. કઈ આઝાદી! આ આઝાદી.

ભારતમાં આઈ. આઈ. એમ. છે. આઈ.આઈ.ટી. છે. ચેમ્બર્સ ઓફ કોમર્સ છે. આ બધામાંથી કોઈ ભારતની પ્રજાને સમજાવશે કે આ આઈ.પી.એલ.નું બિઝનેસ મોડેલ શું છે? જો સી.બી.સી. જેવી વિદેશી કંપની ટીમને ખરીદવા પાંચ હજાર છસ્સો કરોડથી વધારે રકમ ચૂકવે છે તો શું તે રમતગમતના પ્રોત્સાહન માટે દાન કરે છે? જો ના, તો તેને આમાં આવક શું? આ આવક ક્યાંથી? દેશના વડા પ્રધાન લોકલ ફોર વોકલ કહે છે તો ભારતની આઈ.પી.એલ.માં વિદેશી કંપનીને બોલી કેમ બોલવા દો છો. દેશની કંપનીને દસ રૂપિયાનો ધંધો અને વિદેશી કંપનીને સીધો હજારો કરોડોનો ધંધો? વિદેશી ફટાકડા ન ખરીદશો કહેનારા વિદેશી ખેલાડીઓ ન ખરીદશો તેવું કેમ નથી કહેતા.

જો આઈ.પી.એલ.ની દસ ટીમ દ્વારા ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડને આશરે વીસ-ત્રીસ હજાર કરોડ મળે છે તો શું આ રકમ ભારત સરકારના ખાતામાં જમા થાય છે? આ આઈ.પી.એલ.ના ધંધામાં ત્રીસ ચાલીસ કરોડનો કુલ ધંધો થાય છે. એમાં સરકારને શું મળે છે? આમાં ‘‘ભારત’’ને શું ફાયદો? રાજકીય રીતે સતત ઝઘડતા ભાજપ કોંગ્રેસના મોટા નેતાઓ જ ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડમાં બેઠા છે. સ્ટેડિયમમાં બેઠા તેઓ રમતનો આનંદ નથી લેતા, રમતના ધંધામાંથી થયેલી અબજોની કમાણીનો આનંદ લે છે તેમને માટે સ્ટેડિયમમાં નાચતી ચિયર લીડર્સ અને મેદાનમાં રમતા ખેલાડીઓ એક સરખા જ છે. પોતાના ખરીદેલા! અને આ રમતનું પ્રસારણ એવો નશો છે, જેની રેડ નથી પડતી, તપાસ નથી થતી જામીન શોધવા નથી પડતા. એટલે જ લખ્યું ને કે સમય સમય બલવાન હૈ!
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top