રાજપીપળા: રાજપીપળા (Rajpipla) બસ સ્ટેન્ડ (Bus Stand) ખાતે છોટા ઉદેપુર(Chota Udaipur) સુરત બસના ડ્રાઇવર ઇમ્તીયાઝ અહેમદ મકરાણી એ ડ્રાઇવર શીટ નીચે મૂકેલા ૧૬.૬૧ લાખના હીરા (Diamond) ભરેલાં પાર્સલ (parcel) કોઈ અજાણ્યો ઇસમ ચોરી ગયો હતો. જે સંદર્ભે રાજપીપળા પોલીસમથકમાં ગુનો દાખલ કરાયો હતો. જેની તપાસમાં રાજપીપળા ટાઉન પોલીસ, એલસીબી, એસઓજી કામે લાગી હતી.આ ગુનાની તપાસ દરમિયાન રાજપીપળા એસ.ટી. ડેપોનાં સીસીટીવી ફૂટેજ ચેક કરતાં એક સફેદ શર્ટમાં કાળી લાઇનિંગવાળો ઇસમ ચોરી કરતો જણાઇ આવ્યો હતો.
બસના ડ્રાઇવરની રેકી કરી હીરા ભરેલી પાર્સલવાળી ડેપોમાંથી ચોરી કરી
નર્મદા એલ.સી.બી. પી.એસ.આઈ. બીજી વસાવા એલ.સી.બી. સ્ટાફ સાથે વાહન ચેકિંગમાં ભાણદ્રા ચોકડી ખાતે હતા. દરમિયાન શંકાસ્પદ લાગતાં બે ઇસમ જીજે ૩૪ ઇ ૫૧૭૯ નંબરની બાઇક લઇને આવતા હતા. એમને રોકી નામઠામ પૂછતાં પ્રવીણ શંકર રાઠવા તથા બીજાએ પોતાનું નામ અનેશ જગન રાઠવા જણાવ્યું હતું. પોલીસ તપાસમાં એમની પાસેથી હીરાના પાર્સલવાળી બેગ મળતાં તેમની વિશેષ પૂછપરછ કરતાં તેમણે આ બસના ડ્રાઇવરની રેકી કરી હીરા ભરેલી પાર્સલવાળી બેગ રાજપીપળા એસ.ટી. ડેપોમાંથી ચોરી કરી આ હીરા સુરત ખાતે વેચવા માટે જવાનું હોવાનું કબૂલ્યું હતું.
નર્મદા જિલ્લામાં બીજીવાર હીરા ચોરીનો બનાવ બન્યો છે
પોલીસે હીરાનાં પાર્સલ નંગ-૪ કિં.રૂ.૧૬,૬૧,૦૦૦ના તથા બાઈક નંગ-૧ કિં.રૂ.૫૦,૦૦૦ તથા મોબાઇલ-૧ કિં.રૂ.૫૦૦૦ મળી કુલ કિં.રૂ.૧૭.૧૬,૦૦૦૮નો મુદ્દામાલ રિકવર કરી આરોપીઓને અટક કરી રાજપીપળા પો.સ્ટે.ને સોંપવામાં આવ્યા હતા.
આ બાબતે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ જણાવ્યું હતું કે, આ નર્મદા જિલ્લામાં બીજીવાર હીરા ચોરીનો બનાવ બન્યો છે. હીરાનાં કારખાનાં ક્યાં ક્યાં આવેલાં છે તેની અમે તપાસ કરી એમની સાથે એક મીટિંગનું આયોજન કરીશું. મારી એક અપીલ પણ છે, આવા હીરા બસમાં પાર્સલ કરો છો તો કમસે કમ રજિસ્ટર પાર્સલ કરાવો અને વીમો પણ ઉતારવો જોઈએ.