નવસારી : ‘બસ લાંબી છે અને ટર્ન નહીં લાગે’ એમ કહીને કેટલાય એસટી બસના (ST Bus) ચાલકો ગણદેવી (Gandevi) ગામમાં બસ લઇ જવાને બદલે પૂરતું ભાડું લઇને ગણદેવીના સીમાડે લોકોને ઉતારી મૂકે છે. રાત્રે થાકેલા મુસાફરોને લગભગ અડધો કિલોમીટર દૂર ઉતારી મૂકતા મુસાફરો પરેશાન થઇ રહ્યા છે. ઉપરાંત રાત્રે નવસારીથી (Navsari) આવવા માટે પણ બસની સુવિધા નથી.
ગણદેવી સાથે એસટી વિભાગે ઓરમાયું વર્તન કર્યાનું લાગી રહ્યું છે. અનેક બસો ગણદેવીને બાયપાસ કરીને દોડે છે. સ્વાભાવિક છે કે ગણદેવી ગામમાં વળાંકવાળો રસ્તો છે. એ રસ્તા પરથી લાંબી બસને વાળવામાં મુશ્કેલી પડે છે, એ કારણ આગળ ધરીને ઘણા બસ ચાલકો ગામમાં બસ લઇ જવાને બદલે ગામ બહાર ઉતારી મુકતા હોય છે. ખરેખર તો ગામમાં બસ લઇ જઇને ત્યાંથી યુ ટર્ન મારીને પાછી બીલીમોરા લઇ જઇ શકાય છે. સવારે કેટલાક બસવાળા એ રીતે ગણદેવીમાં એસટી સ્ટેન્ડ પર બસ લાવતા હોય છે. પરંતુ કેટલાક ડ્રાઇવરો એમ કરવાને બદલે નવસારી કે સુરતથી જ ગણદેવી બાયપાસ બસ છે, એમ કહીને ગણદેવી ગામ બહાર લોકોને ઉતારી મૂકે છે. ગણદેવી કે બીલીમોરાના કંટ્રોલરોને ફરિયાદ કરો તો તેઓ બસમાંથી ઉતરવાનું જ નહીં એમ કહે છે, પરંતુ ડ્રાઇવરોને ગામમાં બસ લઇ જ જવી એવી સુચના આપવાથી ડરતા લાગે છે.
- બસ લઇ જવાને બદલે પૂરતું ભાડું લઇને ગણદેવીના સીમાડે જ મુસાફરોને ઉતારી મૂકતા બસના ચાલકો
- ગણદેવીને બાયપાસ કરતી એસટી બસને કારણે પરેશાન મુસાફરો, વધુ બસ દોડાવાય એવી માંગ
નબળી નેતાગીરીને કારણે ગણદેવીને મળતી અપૂરતી બસ સુવિધા
ગણદેવીથી સુરત જતી અને આવતી કેટલીક બસો બંધ થઇ ગઇ છે. નબળી નેતાગીરીને કારણે ગણદેવીને બસ સુવિધા અપૂરતી મળી રહી છે. રાત્રે ગણદેવી આવવું હોય તો કલાકો સુધી બસ મળતી નથી. નવસારીથી રાત્રે 7.50 કલાકે બસ મળે એ પછી છેક જુનાગઢ બીલીમોંરા બસ આવે ત્યારે જ મળતી હોય છે. નવસારી શીરડી બસ બંધ કરી દેવાઇ છે, જ્યારે સુરતથી બીલીમોરા આવતી રાત્રે 6.45 અને 7.45ની બસ અનિયમિત હોવાને કારણે તેના ભરોસે બેસી રહેવાતું નથી. અત્યારે હજુ અનેક ટ્રેનો પણ ચાલુ થઇ નથી, ત્યારે સુરતથી સાંજે નિયમિત બીલીમોરાની બસ દોડાવવામાં આવે તો મુસાફરોને રાહત થાય એમ છે. સવારે પણ ચીખલી મહેસાણા બસ જાય પછી સુરત જવા માટે 12 વાગ્યા સુધી એક પણ બસ મળતી નથી. સુરત તો ઠીક નવસારી જવા માટે પણ પરેશાની વેઠવી પડે એમ છે.