Entertainment

માત્ર 3 વર્ષની ઉંમરે તબલા વગાડતા શીખ્યા હતા બપ્પી દા, ‘ડિસ્કો કિંગ’ તરીકે જાણીતા થયા

મુંબઈ: ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં (film industry) 80ના દાયકામાં ડિસ્કો મ્યુઝિકમાં (music) નામના મેળવનાર પ્રસિદ્ધ સંગીતકાર બપ્પી લહેરીનું (Bappi lahiri) 69 વર્ષની ઉંમરે દુ:ખદ નિધન (death) થયું છે. મંગળવારે રાત્રે તેઓ આ દુનિયા છોડી ગયા છે. તેઓ છેલ્લા એક મહિનાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને હોસ્પિટલમાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બપ્પી લહેરીનું નિધન રાત્રે લગભગ 11 વાગે થયું હતું. બપ્પી લહેરી ઘણા સમયથી બીમાર હતા અને ક્રિટી કેર હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેઓ ખૂબ જ નાની ઉંમરથી સંગીત શીખ્યા હતા અને આખુંય જીવન તેમનું સંગીતને સમર્પિત હતું.

બંગાળી પરિવારમાં જન્મેલા બપ્પી દા એ સંગીતની પ્રાથમિક તાલીમ માતા પિતા પાસેથી મળી
બપ્પી દાને પણ નાનપણથી જ સંગીતમાં રસ હતો. તેમણે માત્ર 3 વર્ષની ઉંમરે જ તબલા વગાડવાની પ્રેકટિસ શરૂ કરી હતી. તેમને તેમના માતા-પિતા દ્વારા જ સંગીતની પ્રાથમિક તાલીમ આપવામાં આવી હતી. બપ્પી લહેરીનો જન્મ બંગાળી પરિવારમાં થયો હતો. અને તેમના માતા-પિતા શાસ્ત્રીય સંગીત અને શ્યામા સંગીતમાં બંગાળી સંગીતકાર હતા. બપ્પી દા તેમનું એકમાત્ર સંતાન હતું. મશહૂર ગાયક કિશોર કુમાર પણ બપ્પી લહેરીના સંબધી હતા.

મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ છાપ ઉભી કરી
બપ્પી દાએ મ્યુઝિકની દુનિયામાં પોતાની એક અલગ છાપ છોડી છે. તેમણે તેમના કરિયરની શરૂઆત બંગાળી ફિલ્મથી કરી હતી અને ત્યાર બાદ તેમણે હિન્દી ઈન્ડસ્ટ્રીમાં ફિલ્મ નન્હા શિકારીમાં ગીત ગાવાની તક મળી હતી પરંતુ હિન્દી ઈન્ડસ્ટ્રીમાં તેમને ઝખ્મી ફિલ્મથી પોતાની ઓળખ ઉભી કરી હતી. જેમાં તેમણે માત્ર સોંગને કંપોઝ કર્યો નહોતા પરંતુ એક સોંગ પણ ગાયું હતું. આ ફિલ્મ પછીથી તેમને પ્રસિદ્ધિ મળવા લાગી અને તેમણે હિન્દી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ છાપ છોડી. બપ્પી દા તે સમયે પોતાના શાનદાર કામથી યુવા મ્યુઝિક ડિરેક્ટર(Music Director) બની ગયા હતા. તેમને માત્ર થોડા જ સમયમાં સફળતા મળી ગઈ હતી.

લોકસભાની ચૂંટણી પણ લડી હતી
બપ્પી દા માત્ર મ્યુઝિક ઈન્ડસ્ટ્રી સાથે જ સંકળાયેલા નહોતા. તેમને રાજકારણમાં પણ ઊંડો રસ હતો. તેઓ વર્ષ 2014માં 31 જાન્યુઆરીએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. તેમણે 2014ની લોકસભાની ચૂંટણી પણ લડી હતી. સેરામપુરની બેઠક પર તેઓ ચૂંટણી લડ્યા હતા. પરંતુ તેઓ હારી ગયા હતા. બપ્પી દા પોતાની હારથી ખૂબ જ નિરાશ થયા હતા.

બપ્પી દાના હિટ ગીતો
બપ્પી દાએ તમ્મા-તમ્મા લોગે, ડિસ્કો ડાન્સર, ચલતે ચલતે, યાદ આ રહા હૈ, ઓ લાલ દુપટ્ટા વાલી, તુને મારી એન્ટ્રી અને શરાબી જેવા અનેક હિટ ગીતો આપ્યા છે. બપ્પી દાની ગાયકીની ખાસ વાત એ છે કે તેઓ આજની પેઢી માટે પણ પરફેક્ટ ગીતો ગાતા હતા. છેલ્લે તેમણે ટાઈગર શ્રોફની ફિલ્મ બાગી- 2 માં ગીત ગાયું હતું જે લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું.

Most Popular

To Top