માત્ર ચાર કલાકમાં બુટલેગરોના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યા.. વાહ..! ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ વધતા ડિજીપીના આદેશ મુજબ તોફાની તત્ત્વો, ગુંડા-મવાલીઓ, બુટલેગરોની તાત્કાલિક યાદી બનાવાઈ. જેમની ગેરકાયદેસર મિલકતો હતી તે તોડવાનું કામ શરૂ થયું. સારી વાત છે. પ્રશ્ન એ છે કે શું આવી મિલકતોની જાણ અગાઉથી મ્યુ.કોર્પો.ના અધિકારીઓને નહોતી? આખેઆખી મિલકત તૈયાર થઈ જાય ત્યાં સુધી સૌ નિંદ્રાધીન હતા? બુટલેગરો કોણ કોણ છે એની પોલીસતંત્રને જાણ નહોતી? વળી, ગુનાહિત ઇતિહાસ ન ધરાવતી હોય એવી વ્યક્તિઓની ગેરકાયદેસર મિલકતોનું શું? આવી મિલકતો પર બુલડોઝર ચલાવવા માટે એ કોઈ ગુનો કરે તેની રાહ જોવાની હોય છે? રાજ્યના ગૃહ વિભાગ અને કોર્પોરેશનના પદાધિકારીઓ આનો જવાબ આપશે ખરાં?
સુરત – સુનીલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
કોઈ પણ વસ્તુ મફત નથી મળતી
કર્ણાટકમાં સરકાર સ્ત્રીઓને 2000 રૂપિયા સહાય આપે છે ત્યારે હવે માંગ ઉઠી છે કે સરકારે પુરુષોને દર અઠવાડિયે દારૂની બે બોટલ મફત આપવી જોઈએ! રાજકીય પક્ષો સત્તા હાંસિલ કરવા પ્રજાને રેવડીની લાલચ આપે છે તો પછી પ્રજા જેટલું મફતમાં મળે એટલું મેળવી લેવા ઉત્સુક હોય તે દેખીતી વાત છે. રાજકીય પક્ષોની ચૂંટણી જીતવા જે રેવડીની ખેરાત કરે છે તે રૂપિયા પ્રજાનાં ટેક્સમાંથી આવે છે સરકારને આવા રૂપિયા વેડફવાનો કોઈ હક નથી. લોકોએ એક વાત સમજી લેવી જોઈએ કે કોઈ પણ વસ્તુ મફત મળતી નથી દરેક વસ્તુની કિંમત ચૂકવવી પડતી હોય છે સરકાર લોકોને મફતમાં આપી વાહવાહી મેળવતી હોય પરંતુ બીજી તરફ ટેક્સ વધારીને એ રૂપિયા લોકો પાસેથી વસૂલ કરી લેતા હોય છે તે વાત પ્રજાએ સમજવાની જરૂર છે.
સુરત – વિજય તુઈવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
