Charchapatra

બુલડોઝર ન્યાય

આજકાલ દેશમાં ડબલ એન્જિનની સરકાર દ્વારા બધાં જ કાર્યો ખૂબ જ ઝડપથી થઈ રહ્યાં છે. ઝડપ સારી વાત છે પણ આપણા ગુજરાતીમાં કહેવત છે – ‘ઉતાવળે આંબા ન પાકે.’ કહેવાય છે કે રાજનીતિનો કોઈ ધર્મ નથી હોતો, પણ હા, ધર્મની રાજનીતિ ચોક્કસ થાય છે. આ લેખ લખવાનો હેતુ કોઈ પણ અસામાજિક તત્ત્વો કે જેઓ કાનૂન પોતાના હાથમાં લે છે કે પછી હિંસાનો રસ્તો અપનાવે છે તેમને બચાવવાનો નથી. પરંતુ સાથે સાથે કોઈ ગરીબ વ્યકિતના મકાનમાં બુલડોઝરથી તોડફોડ કરીને એને રસ્તા પર લાવી દેનાર પ્રશાસનને સમર્થન કરવાનો પણ નથી. હોઈ શકે કે કદાચ મકાનમાં થોડું ઘણું બાંધકામ નિયમો વિરુદ્ધ પણ હોય તો તેના માટે પણ બુલડોઝરથી તોડફોડ કરી ન્યાય કરવો યોગ્ય નથી જ. જો આ ન્યાય યોગ્ય જ હોય તો પછી નિયમો વિરુદ્ધ બાંધકામ થવા દેનાર અધિકારીઓ પણ તેટલા જ દોષિત ઠરાવી શકાય. બીજી વાત કે શું માત્ર આવા જ લોકોના મકાનમાં બુલડોઝરથી તોડફોડ કરવાની? દેશમાં કેટલાય મોટા મોટા અધિકારીઓ, નેતાઓ, અભિનેતાઓ કે ઉધોગપતિઓ દ્વારા કેટલુંય દબાણ કરવામાં આવ્યું હશે તો ત્યાં બુલડોઝર કયારે પહોંચશે? જે લોકો આજે આવા અન્યાયને ન્યાય ગણીને તાળીઓ વગાડે છે એ લોકો ચેતી જાય. આ કહેવાતા નેતાઓ સત્તા માટે પોતાના સગા બાપના પણ નથી થતાં તો તમારા કેવી રીતે થશે?
          – કિશોર પટેલ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top