લખાયેલો ઇતિહાસ કાંઇ બધું જ કહેતો નથી. નગર અને નગરના લોકો બીજી રીતે પણ ઇતિહાસ ‘રચતાં’ હોય છે. સૌરાષ્ટ્રમાં રજવાડા હતા તો ત્યાંના નગરોના ઇતિહાસમાં રાજાઓનો મોટો ભાગ છે જયારે સુરતનું એવું નથી. આ નગર અને તેના લોકોમાં સમુદ્ર, તાપી નદીનો મહિમા છે. ચોર્યાસી બંદરના વાવટા ફરકતા હતા એટલે જે વેપાર – વણજ ઊભું થયું તેમાં અનેક કોમોનું સહિયારાપણું પ્રગટતું ગયું. આ કારણે જ સુરતમાં બંધિયારપણું કદી નથી આવ્યું. સુરતનો સમાજ ખુલ્લા મન, ખુલ્લા સંસ્કારવાળો હતો અને આજે પણ છે.
પુનરોધ્ધાર પામેલો, નવરૂપ પામેલો સુરતનો કિલ્લો તો સ્વયં મોટું આકર્ષણ બન્યો જ છે. (જાવ, જુઓ ને બીજાને ય દેખાડો) પણ આજે ત્યાં એક પ્રદર્શન પૂરું થાય છે જેને ‘શેરીના મકાનોનો સુરતી મિજાજ’ નામ અપાયું છે. વિત્યા ત્રણેક દાયકાના સુરતમાં એક એ સુરત ઢંકાઇ ગયું છે જે પોતાનામાં 2- 3 સદીઓનો ઇતિહાસ ધરાવે છે. બીનિતા પંડયા કે જે શહેરના યુવા સ્થપતિ હોવા ઉપરાંત ઇતિહાસની દૃષ્ટિ ધરાવતા કળા સંયોજક પણ છે તેમની પરિકલ્પનાને નૈષધ જાની, બનીતા તંબોલી અને મિરલ હડકિયાએ જે પ્રદર્શન સ્વરૂપ આપ્યું છે તેમાંથી જો પસાર થઇ શકાય તો સમજાશે કે સુરતના મકાનો પણ તમારી સાથે તેમના સમયની વાત માંડે છે.
આ પ્રદર્શન તસવીરો કે પેઇન્ટિંગ વડે નહીં બલકે આર્કિટેકચરીયલ અને ઇન્ટિરીયર ડિઝાઇન સ્વરૂપે આપણી સામે છે. પણ તમે તેને ઝીણી આંખે, સમય આપીને જોતાં જોતાં સમજશો તો ખરેખર જ શેરીના મકાનોમાં જે સુરતી મિજાજ છે તે તમારા મનને બાંધી દેશે. પ્રદર્શન જોતાં જોતાં સમજાશે કે ગુજરાતના અન્ય શહેરોથી સુરત કઇ રીતે નોખું છે અને તેની પ્રજાએ રચેલો ઇતિહાસ પણ કેવો જુદો છે. સુરત પહેલેથી જ સર્વસમાવેશક હતું એટલે જ તેની શેરીના મકાનોમાં સ્થાપત્યનું વૈવિધ્ય છે. આ સ્થાપત્ય સુરતમાં જે વ્યાપાર – ઉદ્યોગ હતો તેના સંસ્કાર ઝીલે છે અને વિવિધ ધર્મના લોકોના સંસ્કાર પણ આ મકાનોમાં ચિહિનત છે, અંકિત છે. આ મકાનોના થાંભલા, પગથિયા, ઝરુખા, ઓટલા, બારણા અને બારીઓ જોતાં જ સમજાશે કે સાથે જુઓ તો તે સુરતનો મિજાજ બને છે ને સ્વયં એકલા હોય ત્યારે તેની વિશિષ્ટતાઓ છતી કરે છે.
એવું નોંધાયું છે કે 17મી સદીમાં આ સુરતમાં 170 કોમો વસતી હતી. આ ત્યારે જ શકય છે જયારે સુરતે અનેક કોમો અને તેના કૌશલ્ય, આવડતો માટે ઉપયોગિતા સર્જી હોય. એ બધા સાથે મળી સુરતનો સમાજ અને સંસ્કૃતિ રચતા ગયા. પ્રદર્શનની પરિકલ્પનામાં તેને ઝીલવાનો પ્રયત્ન થયો છે એટલે સુરતની ગોપીપુરાની, પારસીવાડની, ઝાંપાબજારની, સલાબતપુરાની, મોટી છીપવાડની, દરુ ફળિયાની, મહીધરપુરાની શેરીઓનાં મકાનોની ડિઝાઇન તમે જોઇ શકશો. આ પ્રદર્શનની ખાસ વાત એ છે કે તે 1837 પછીના સમયને જ અંકિત કરે છે.
એ વર્ષે એવી આગ લાગેલી કે સુરત જાણે બળીને ખાક થઇ ગયેલું. પ્રદર્શનના આરંભે જ બાબા નિરમલદાસે એ આગને બયાન કરતી જે કવિતા રચેલી તે મૂકવામાં આવી છે. ‘સુરત થી સોનેકી મૂરત ઉસ પર રુઠે કીરતારે / નિરમલ નગ્ન કિયા ભસ્મ જલાકર સારા શહર પ્રલયંકારે / એક એકી હુઆ અચંત્મા કુલ આલમથી ગલફત મેં/ નામ દિનશા શેઠ લગી પિછવાડે પડોશી કે ઘર મેં/ વહાંસે જવાલા કોપ જલી યોં ઉઠી લહર જલ સાગરમેં / કણપીઠ શહર કો ખા ગઇ જા પહુંચી સાહુકારો મેં….’ આખી રચના વાંચતા થશે કે કાવ્યમાં રહી આગનો રિપોર્ટ અપાયો છે. નર્મદે પણ તો ગાયેલું, ‘આ તો શા તુજ હાલ, સુરત સોનાની મૂરત….’
શહેર ભસ્મીભૂત થયું એટલે નવે નામથી નવું રચાતું ગયું. સમુદ્રી વેપારના કારણે જે અનેક કોમો હતી તેણે પોતપોતાની રીતે મકાનોમાં આગવાપણું ઉમેર્યું. કંપનીરાજ સ્થપાય ચૂકયું હતું એટલે કોઇ મકાન હોય તો મૂલચંદ બાગમાં તમને નળદમયંતીનું શિલ્પ પણ જોવા મળશે. તે વખતે જૈનો, પારસીઓ, બ્રાહ્મણો હતા અને ખત્રીઓ તો હતા જ. એ બધાની શેરીઓમાં જુદી જુદી જીવનશૈલી છે. એટલે જુદા ઝરુખાઓ, રેલીંગ છે. ઝરુખાઓની ડિઝાઇન જુદી જુદી જે અલંકરણ જુદા. જોતા લાગે કે બધાની એક અલગ વિઝયુઅલ કહાણીઓ છે. તેમણે જે આકારો અંકિત કર્યા છે તેમાં જુદા જુદા વિષય જોવા મળશે. એ જોતાં જ તમને સુરતમાં જે જે સમાજો વસતાં તે પણ ઓળખાશે. કોઇ મકાનમાં વહાણ ઉપસાવાયા છે તો તરત ખબર પડે કે તે સમુદ્રી વેપાર સાથે જોડાયેલા કોઇકનું ઘર હશે.
આ પ્રદર્શનમાં શેરીઓના ઓટલાઓનું વૈવિધ્ય પણ જોવા મળશે. મહિધરપુરા બાજુના ઓટલાઓ ઊંચા તો ખરા પણ આખી શેરી પાર કરી શકો એ રીતે એકબીજાથી બંધાયેલા કારણ કે તાપીના પૂર ગમે ત્યારે આવે ત્યારે આવનજાવનની સહિયારી જરૂર ઊભી થાય. ત્યારના બ્રાહ્મણોના મકાનોનાં ઓટલા નીચા. એ જોતાં સમજાય કે તેઓ તાપીથી સલામત શેરીમાં વસતા હતા.
આ બધા ઓટલા શેરીના લોકો વચ્ચે જે નિકટતા હતી તે પણ સૂચવે છે ને મોકળાશ પણ સૂચવે છે. જુદા જુદા પ્રકારના ઝરુખાઓથી પણ સમજાશે કે કઇ કોમ વધારે સમૃધ્ધ હતી અને તેમના રૂપાંકનમાં તેમણે જુદા દેશની જુદી શૈલી અપનાવી હોય તે પણ સ્પષ્ટ થશે. સુરતમાં તો અનેક સફરી કોમ વસ્તી હતી. પારસીઓના મકાનોમાં એવા પ્રતીકો હોય જે તેમની ધાર્મિક ઓળખ પણ સ્પષ્ટ કરે અને વ્હોરાઓના મકાનોમાં તેઓ વેપારી હોવાથી સમૃધ્ધિ પણ પ્રગટ થઇ જાય. ખત્રીઓના ગાળાટાઇપના મકાન રહેતાં જેમાં રસોડા જુદા હોય પણ બધા સાથે હોય.
આ પ્રદર્શન જોતાં થશે કે સુરતમાં મકાન બાંધનાર કારીગરો પણ કાંઇ એક પ્રકારના નહોતા. તેઓ લાકડાનો પણ ખૂબ ઉપયોગ કરતા. સુરતે મોટી અસર તો સમુદ્રી બંદર હોવાના કારણે ઝીલી પણ રેલવે સ્ટેશન થતાં વળી ડિઝાઇન બદલાતી જાય છે. સ્ટેશન જવાનો પહેલો રસ્તો નવાબે બનાવેલો. આ પ્રદર્શન હકીકતે સુરતની સ્મૃતિ જગાડનારું છે. પ્રદર્શન સાથે જો લખાણો મૂકયા હોત તો શેરીના મકાનોનું વૈવિધ્ય જે કહાણી પ્રગટ કરે છે તે બધાને તરત સમજાયું હોત. ખેર! હવે સુરત પાસે કિલ્લો છે તો આ પ્રકારનાં પ્રદર્શનોની નવી શકયતા ઊભી થઇ છે.
સુરત અંગેના ઘણા પરિસંવાદો પણ અહીં યોજાઇ શકે. સુરત મહાનગરપાલિકા અને INTACH SURAT વડે આ પ્રકારનું પ્રદર્શન યોજાઇ શકયું તે માટે તેમની એ જાગૃતિનું પણ મહત્ત્વ નોંધવું જોઇએ કે સુરતને વિવિધ રીતે ઓળખી સહુને ઓળખાવવા તેઓ સક્રિય છે. સુરતના સ્થાપત્યમાં રહેલા સમાજજીવન, સમાજોના મિજાજ કેવાં છે તેની પરિકલ્પના બીનિતા પંડયાએ સાથી મિત્રો વડે સાકાર કરી પણ આ પ્રદર્શન બીજા પ્રદર્શનોની અપેક્ષા રાખે છે. કિલ્લામાં સતત આવી પ્રવૃત્તિ થવી જોઇએ. કિલ્લો તમને નિમંત્રે છે.