SURAT

સુરત મેટ્રોના રૂટમાં આ વિસ્તારમાં અડચણરૂપ એવી ઈમારતો, સ્કલ્પચરો હટાવવાની કામગીરી શરૂ

સુરત: સુરતીજનો (Surati) માટે ડ્રીમ પ્રોજેક્ટ (Dream Project) એવા સુરત મેટ્રોની (Metro) કામગીરી પુરજોશમાં આગળ વધી રહી છે. શહેરમાં સુરત મેટ્રો માટેના બે રૂટ નક્કી કરાયા છે. જેમાં એક રૂટ ડ્રીમ સીટીથી સરથાણા (Sarthana) અને બીજો રૂટ સારોલીથી (Saroli) ભેંસાણ (Bhesan) સુધીનો છે. હાલમાં મેટ્રો માટે એલિવેટેડ રૂટ માટે પિલરના કન્સ્ટ્રક્શન પણ શરૂ કરી દેવાયા છે અને જેમ જેમ મેટ્રોની કામગીરી આગળ વધી રહી છે તેમ તેમ મેટ્રોના રૂટમાં નડતરરૂપ ઈમારતો, સ્કલ્પચરો હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.

  • મેટ્રો માટે અગાઉ ગાંધીબાગ પાસેની ગાંધીજીની પ્રતિમા ખસેડવા માટે અગાઉ નિર્ણય લેવાઈ ચૂક્યો છે
  • નાનપુરા ખાતે સર્કલ પર હાલમાં સ્વામિ વિવેકાનંદની પ્રતિમા છે, જ્યારે એકતા સર્કલ પર હોડી અને વિજયવલ્લભ ચોક ખાતે કળશનું સ્કલ્પચર બનાવાયું છે
  • સુરત મેટ્રો માટેના બે રૂટ નક્કી કરાયા
  • ગાંધીબાગ સાઉથ રેમ્પથી મજુરાગેટ સ્ટેશન તરફના રૂટમાં સુરત મેટ્રોનો એલિવેટેડ રૂટ
  • સ્કલ્પચરોનું સ્થળાંતર કરી અન્ય જગ્યાએ ખસેડવા માટેની દરખાસ્ત શાસકો સમક્ષ મુકવામાં આવી
  • વિવેકાનંદની પ્રતિમાને દયાળજી બાગ ખાતે, હોડીને ગાંધીબાગમાં એમ્ફી થિયેટરવાળી જગ્યા ખાતે અને કળશને સ્નેહમિલન ગાર્ડનમાં ખસેડવાનો દરખાસ્તમાં ઉલ્લેખ કરાયો

જીએમઆરસી(ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન) દ્વારા સુરત મહાનગરપાલિકા સાથે સંકલનમાં રહી મેટ્રોની કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં સુરત મેટ્રો માટે સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા મક્કાઈપુલ ખાતેના સ્વામી વિવેકાનંદની પ્રતિમા, નાનપુરા એકતા સર્કલ પાસેનું હોડી સ્કલ્પચર અને સગરામપુરા વિજયવલ્લભ ચોક ખાતે આવેલું કળશનું સ્કલ્પચર મેટ્રોના એલાઈમેન્ટમાં નડતરરૂપ સ્કલપચર હોય, આ સ્કલ્પચરોનું સ્થળાંતર કરી અન્ય જગ્યાએ ખસેડવા માટેની દરખાસ્ત શાસકો સમક્ષ મુકવામાં આવી છે.

સુરત મેટ્રોના ગાંધીબાગ સાઉથ રેમ્પથી મજુરાગેટ સ્ટેશન તરફના રૂટમાં સુરત મેટ્રોનો એલિવેટેડ રૂટ છે. એટલે કે, મેટ્રો ટ્રેન બ્રિજ પરથી જશે. જે માટે ગાંધીબાગ સાઉથ રેમ્પથી કાદરશાની નાળ સુધીના રૂટમાં વચ્ચે આવતા સ્વામી વિવેકાનંદ, કાદરશાની નાળથી મજુરાગેટ સુધીના રૂટમાં વચ્ચે આવતા હોડી અને કળશ સર્કલને હટાવવાની જરૂરીયાત ઉભી થઈ છે. જેમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાને દયાળજી બાગ ખાતે, હોડીને ગાંધીબાગમાં એમ્ફી થિયેટરવાળી જગ્યા ખાતે અને કળશને સ્નેહમિલન ગાર્ડનમાં ખસેડવાનો દરખાસ્તમાં ઉલ્લેખ કરાયો છે.

Most Popular

To Top