સુરતઃ શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. છાશવારે ગુંદાગર્દી, દાદાગીરીની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. આવી જ એક ઘટના ગુરુવારે રાત્રે સુરતના સરથાણા વિસ્તારમાં બની છે. અહીં એક સોસાયટીમાં ફાયરિંગની ઘટના બની છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી વ્રજરાજ રેસિડેન્સીમાં એક ઈસમે પોતાની ફોર્ચ્યુનર કારમાં બેઠાં બેઠાં હવામાં ફાયરિંગ કર્યું છે. સોસાયટીના ગેટ પર ઘુસી જઈ રમતા બાળકોની સામે બિલ્ડરે રૌફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે મોંઘીદાટ ફોર્ચ્યુનર કારમાં બેસીને હવામાં ફાયરિંગ કર્યુ હતું. આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થઈ જતાં પોલીસે તપાસ હાથ ધરી બિલ્ડર ઘુસા બુહાને ઝડપી પાડ્યો છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગઈ રાત્રે બિલ્ડર ઘુસાભાઈ બુહા ફોર્ચ્યુનર કાર સાથે સોસાયટીમાં ઘૂસી ગયો હતો. સુરતના સરથાણા પોલીસ સ્ટેશનની પાછળની સાઈડ 500 મીટરના અંતરે વ્રજરાજ રેસિડેન્સી આવેલી છે. ગત રાત્રે 9:30 વાગ્યા આસપાસ એક કારચાલક સોસાયટીમાં ઘૂસી ગયો હતો. સોસાયટીની A 4 બિલ્ડિંગની બહાર બેઠેલા બાળકો અને લોકો પાસે રિવર્સમાં કાર લાવ્યો હતો. ત્યારબાદ કોઈક વ્યક્તિ સાથે કંઈક વાતચીત કરી, કોઈ શખ્સ વિશે પૂછપરછ કરી હતી.
જો કે, ત્યાં બેઠેલા સોસાયટીના લોકોએ પોતે કંઈ જાણતા ન હોવાનું બિલ્ડરને જવાબ આપ્યો હતો. ત્યાર બાદ કારની અંદર જ બેઠા બેઠા બિલ્ડરે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેને પગલે બાળકો સહિત લોકો ભયભીત થઈ ગયા હતા. જેથી સમગ્ર મામલે પોલીસે જાણ થતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
સોસાયટીમાં ફાયરિંગના બનાવના પગલે સરથાણા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ દ્વારા સીસીટીવીના આધારે કારના નંબર સહિતની અને ફાયરિંગ કરનાર શોધખોળ હાથ ધરી હતી.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બિલ્ડર કમ જમીન દલાલ ઘુસા બુહાએ કહ્યું હતું કે, તેમની પાસે લાયસન્સવાળી ગન છે અને થોડા સમયથી ટેસ્ટિંગ કર્યું નહોતું એટલે ટેસ્ટિંગ કરવા માટે કર્યું હતું.