આજના ભારતમાં વૃધ્ધોની ઘણી બધી સમસ્યાઓ છે. ભારત સરકારે આને માટે પણ પોતાના એજન્ડામાં વિચાર કરવાનો રહે છે. આજના સમયે ૩૫૧ વૃધ્ધોને નિરાશ્રય જીવન દુ:ખદ રીતે વીતાવવું પડે છે. આજના ૭૫૧ યુવાનોને સમાજની પડેલી હોતી નથી. લગભગ દેશનાં ૪૦૧ યુવાનો તો પરદેશ વસવાટ કરતાં હોય છે એમાંથી પાંચેક ટકા પોતાનાં વૃધ્ધ માબાપોને સાથે રાખતાં હોય છે. વૃધ્ધોએ પણ સામાજિક જીવન વિતાવ્યું હોય તે પરદેશમાં મળતું નથી. સરકારી નોકરીવાળા વૃધ્ધોને તો પેન્શન મળે છે, પરંતુ તે સિવાયનાં ખાનગી સંસ્થાઓ યા ઉદ્યોગોમાં નોકરી કરતાં વૃધ્ધોને પેન્શન મળતું નથી. જે કાંઇ ઉચ્ચક રકમ ગ્રેજયુઇટી કે પી.એફ.માં મળે છે તે બાકીનું રહ્યું સહ્યું જીવન વિતાવવા પૂરતી હોતી નથી.
ઘણાં વૃધ્ધોનાં તો આપઘાતના કેસ વાંચવા મળે છે. વિદેશમાં રહેતાં તથા સ્થાનિક લોકો ફંડ ભેગું કરી ઠેરઠેર વૃધ્ધાશ્રમો ખોલે છે એમાં પાંચેક ટકા જ નિ:શુલ્ક વૃધ્ધાશ્રમો જોવામાં આવે છે. બાકીનાં વૃધ્ધાશ્રમોમાં ફી લેવામાં આવે છે. એમાં પેન્શન મળતાં વૃધ્ધો ઘણા ભાગે રહે છે. એમાં પણ આ વૃધ્ધાશ્રમો રોગવાળાં વૃધ્ધોને રાખતાં નથી. હોસ્પિટલમાં રહેવું પડે એવાં વૃધ્ધોને તો એમને ઘરે જવા જ કહે છે. પોતાનાં વૃધ્ધાશ્રમમાં રાખતાં નથી. બન્ને પતિ-પત્ની નોકરી કરતાં યુવાનોનાં માબાપની સ્થિતિ તો ખૂબ જ વિચિત્ર હોય છે. બે-ત્રણ ટકા યુવાનો તો લગ્ન પછી પત્નીને ન ફાવતાં પોતાનાં માબાપને જાકારો આપે છે.
ઘરમાં જ રિબાવે છે. આ માટે દાનેશ્વરીઓએ મળી અને સરકાર પણ એમાં આર્થિક સહકાર આપે એ રીતે વૃધ્ધાશ્રમ નહીં પણ વૃધ્ધાશ્રયો બનાવવાં જોઇએ. જેમાં વૃધ્ધોને ખાવા – પીવા, પહેરવા ઓઢવાની તથા અન્ય જરૂરિયાતો પૂરી પાડવામાં આવે. પર્યટનની સગવડ પણ હોય. આમાં સરકારે વિકાસનાં કાર્યો જેટલો નાણાંનો સાથ આપવો જોઇએ. જયાં બિમારીમાં દવા દારૂની સગવડ આ હોસ્પિટલમાં રાખવાનો ખર્ચ ઉપાડવાની વ્યવસ્થા હોય! આ પણ સરકારે પોતાની યોજનાઓમાં દાખલ કરવા જેવી નીતિ છે. જો આ રીતે ભારતમાં દરેક રાજયોમાં પૂરતા પ્રમાણમાં વૃધ્ધાશ્રયો બનાવવામાં આવે તો ભારતની શાનમાં વધારો થાય અને દાનેશ્વરીઓને પણ પુણ્યનો લાભ મળે! આ બાબત સરકારે તથા સમાજનાં આગેવાનો અને દાનેશ્વરીઓએ વિચારવાની તાતી જરૂર છે! વિચારો!
પોંડીચેરી – ડો. કે.ટી. સોની – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે