Charchapatra

બુફે-ડિનર: ભાવ વિનાનું ભોજન

હાલમાં લગ્નસરાની મોસમ પૂરજોશમાં ચાલી રહી છે અને ઘણી વાર એક જ દિવસે બે-ત્રણ લગ્ન-પ્રસંગમાં જવાનું હોય છે. ગ્રહશાંતક પત્યા પછી જમવાનું વહેલું શરૂ થાયજે ઘણાંને અનુકૂળ નથી આવતું છતાં નછુટકે જમી લેવું પડતું હોય છે. પહેલાંના સમયમાં લગ્નપ્રસંગે આવેલા મહેમાનોની પંગતમાં બેસાડી જમાડવામાં આવતાં હતા. જેણે લગ્નનું આયોજન કર્યું હોય તે યજમાન ખાસ નજીકના સંબંધીઓ મિત્રોને પ્રેમથી આગ્રહપૂર્વક જમાડતા હતા તે આત્મિયતા દર્શાવે છે. ત્યારપછી જમાનો બદલાયો અને લગ્નમાં ટેબલ-ખુરશી પર બેસાડીને જમાડવાનો ટ્રેન્ડ શરૂ થયો. પરંતુ હવે તો મોટા ભાગના લગ્ન પ્રસંગોમાં બુફે-ડિનરનો ક્રેઝ શરૂ થયો છે.

કેટરીંગવાળાઓએ જે સ્ટોલ ગોઠવેલા હોય ત્યાં ખાલી ડીસ લઇને જવાનું અને જે વાનગી જોઈતી હોય તે લેવાની. જમવાવાળાઓની લાઈન લાંબી હોય તો ઊભા રહેવું પડતું હોય છે. જે જૈફ વયનાં વરિષ્ઠ નાગરિકોને તકલીફ પડે છે. સ્ટોલ પર જે વાનગી મૂકેલી હોય તે કેટરીંગવાળો માંગે, તેટલું આપે કોઇ આગ્રહ ન કરે. આમ બુફે-ડિનર જાણે ભાવ વિનાનું ભોજન જેવું લાગે છે.ઘણાં વધારે વાનગી લઇ લે પરંતુ વધુ ન ખવાતાં બગાડ પણ થાય છે.આપણા દેશમાં પાણીનો દુકાળ પડે છે. તેમ એક દિવસ અન્નનો દુષ્કાળ પડે તો નવાઈ નહીં.આજની યુવા પેઢી એટલી આળસુ થઇ ગઇ છે. પીરસવાની શરમ આવે છે. આથી લગ્ન લેનારે બુફે-ડિનર રાખવું પડે છે.
તરસાડા – પ્રવીણસિંહ મહીડા         – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

કૂતરાઓનો ડર… હંમેશાં…
શહેરમાં અને આજુબાજુના વિસ્તારોમાં કૂતરાઓનો ત્રાસ વધી રહ્યો છે. અનેક વખત આ સ્થાનેથી રજૂઆત થઈ ચૂકી છે. પાલિકા દ્વારા ખસીકરણ થાય છે કે કેમ તે એક સવાલ છે. કૂતરાઓ દ્વારા બચકાં ભર્યાના કિસ્સા વાંચી બહાર નીકળતા ભય લાગે છે. રોજ રાત્રે આજુબાજુની સોસાયટીઓમાંથી પંદર-વીસ કૂતરાંઓ એક જગ્યાએ ભેગા મળી સામ-સામે ઘૂરકીને સતત એક કલાક સુધી ભસતાં રહે છે, જેના કારણે વરિષ્ઠ નાગરિકોની ઊંઘમાં ખલેલ પડે છે. શહેરમાં ઠેર-ઠેર આ પ્રકારનાં રાત્રી સંમેલનો ભરાય છે. ઊંઘ બગાડે છે તે તો સમજ્યાં, પરંતુ…. રોજ રોજ બચકાં ભર્યા પછીના ચિત્રો જોયા પછી લાગે છે કે, પાલિકા, હજુ કેવા સમાચારની રાહ જુએ છે ? ક્યાંક કૂતરાંઓને કારણે મૃત્યુના કિસ્સા પણ બને છે. અધિકારીઓ ત્વરિત પગલાં લેશે?
સુરત     – જ્યોતિ ગાંધી    – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top