Charchapatra

બુફે-ડિનર, ભાવ વિનાનું ભોજન ?

ભૂતકાળમાં લગ્ન પ્રસંગમાં મહેમાનોને પંગતમાં બેસાડીને જમાડવામાં આવતા હતા. યજમાન અંગત ગણાતા વેવાઈ-બનેવી, જમાઈ, કૂવાને મોમા મીઠાઈ મુકીને જમાડતા હતા પંગતમાં ફરીને બીજા મહેમાનોને પણ શાંતિથી જમજો એવો આગ્રહ કરતા હતાં. આજના આધુનિક જમાનામાં તો વેસ્ટર્ન કલ્ચર ગણાતા બુફે-ડિનરનું આયોજન થાય છે. જમણવારના સ્થળે વિવિધ વાનગીઓના સ્ટોલ ગોઠવાય છે. કેટરીંગના માણસો ઊભા હોય તેની પાસે જ વાનગી જોઈએ તે માંગવાની. આમ બુફે-ડિનર જાણે ભાવ વિનાનું ભોજન જેવું લાગે છે. કેમ કે કોઈ તમને જમવાનો આગ્રહ ન કરે, આમ બુફે-ડિનરમાં પ્રેમ આગ્રહ-આત્મીયતા જોવા મળતી નથી.

પહેલા તો ગામોના યુવાનોમાં પણ સંગઠન હતું. યુવાનો રસોડું સંભાળી લેતા હતા. આજના યુવાનોને પીરસવાની શરમ આવે છે. એટલે લગ્ન લેનારે ના છૂટકે કેટરીંગવાળાને કોન્ટ્રાકટ આપવો પડે છે. રહી વાત લગ્નની કંકોત્રી વહેંચવાની હજી તો લગ્ન પ્રસંગને દોઢ-બે મહિના બાકી હોય છતાં સબંધીઓને ત્યાં જાતે કંકોત્રી આપવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. રોજ જુદા-જુદા રૂટ બનાવીને ઉપડી જતા હોય છે. (ઠીક છે વેવાઈ-બનેવી જેવા અંગતને જાતે આપવા જવું પડે તે જુદી વાત છે.) બધે જાતે જવાની શું જરૂર? ટપાલમાં મોકલી શકાય છે. લગ્નો હવે ભવ્ય-ખર્ચાળ બની ગયા છે. માલેતુજારો, પાર્ટી-પ્લોટ, રિસોર્ટમાં રાખે છે. નયનરમ્ય એન્ટ્રીગેટ, ફોટોગ્રાફી,વિડિયોગ્રાફી, આતશબાજી માટે લખલુંટ ખર્ચા થાય છે. આવા જલસા જોતા તો સામાન્ય ઘરની દીકરીને પરણાવી દેવાનો પ્રસંગ પતી જાય.
તરસાડ -પ્રવીણસિંહ મહીડા. – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top