સુરત : પુણાગામના (Puna) વિશ્વકર્મા બીઆરટીએસ (Brts) જંકશન નજીક બીઆરટીએસ બસના (Bus) ચાલકે એક રાહદારીને અડફેટે લેતા તેનું મોત (Death) નીપજ્યું હતું. સાથે જ ત્યાં હાજર કેટલાક લોકોએ કાંકરીચાળો કર્યો હતો, પરંતુ નજીકમાં જ પોલીસની (Police) પીસીઆર વાન હોય પોલીસે સ્થિતિ કાબૂમાં લીધી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ રાત્રિના સાડા નવ વાગ્યાના અરસામાં પુણાગામ વિશ્વકર્મા બીઆરટીએસ નજીક એક રાહદારી રસ્તો ક્રોસ કરી રહ્યો હતો. આ દરમિયાન ત્યાંથી ફુલ સ્પીડમાં બીઆરટીએસ બસ પસાર થઇ હતી. બસની સાથે અથડાતા રાહદારીનું ઘટના સ્થળે જ ગંભીર ઇજાને કારણે મોત નીપજ્યું હતું. લોકોએ બીઆરટીએસ બસને રોકીને હોબાળો કરી નાંખ્યો હતો.
આ સાથે જ રાહદારીને 108 મારફતે પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. બીજી તરફ લોકોનો ગુસ્સો ફાટી નીકળતા કેટલાક ટીખળખોરે બસની કાંકરીચાળો કર્યો હતો, પરંતુ નજીકમાં જ પીસીઆર વાન પેટ્રોલિંગ કરતી હતી અને તે તાત્કાલિક ઘટના સ્થળે આવતી સ્થિતિ કાબૂમાં આવી ગઇ હતી. પોલીસે બીઆરટીએસ બસના ડ્રાઇવરને કહીને બસ પોલીસ મથકના પાર્કિંગમાં પાર્ક કરાવી હતી. આ બાબતે પોલીસે વિશ્વકર્મા બીઆરટીએસ જંકશન પાસે પોલીસ બંદોબસ્ત મૂકી દીધો હતો.
કલકત્તા અને સનરાઇઝ હૈદ્રાબાદની મેચ ઉપર સટ્ટો રમતા બે યુવક પકડાયા
સુરત : ચોકબજાર પોલીસે કતારગામ પીપલ્સ બેંક પાસેથી બે યુવકોને મોબાઇલમાં આઇપીએલ ઉપર સટ્ટો રમતા પકડી પાડ્યા હતા. ચોકબજાર પોલીસના સ્ટાફને મળેલી માહિતીના આધારે તેઓએ કતારગામ પીપલ્સ બેંક પાસે વોચ ગોઠવી હતી અને ત્યાંથી વેડરોડ શિવછાયા સોસાયટીના ધારેશ્વરી એપાર્ટમેન્ટમાં રહેતા ભાવેશ પ્રકાશ પ્રજાપતિ અને નિલેશ પ્રજાપતિને પકડી પાડ્યા હતા. તેઓના મોબાઇલની તપાસ કરતા તેમાંથી રોબર્ટ999 નામની એપ્લીકેશનમાં કલકત્તા અને સનરાઇઝ હૈદ્રાબાદની વચ્ચે ક્રિકેટનો સટ્ટો રમાઇ રહ્યો હતો. પોલીસે બંનેની ધરપકડ કરીને રૂા. 10 હજારનો મોબાઇલ કબજે કરી વધુ પુછપરછ શરૂ કરી છે.
ચેક રિટર્નના કેસમાં પુરાવાના અભાવે વેપારીનો નિર્દોષ છૂટકારો
સુરત : ડેઝી ટેક્ષ ફેબના નામે વેપાર કરતા વેપારી શારદાબેન જીવરાજભાઇ મેનપરાએ પાવરદાર તરીકે ભરતભાઇ મેનપરાને રાખ્યા હતા. ડેઝી ટેક્ષ કંપનીમાંથી વેપારી મહેબુબભાઇ રજાકભાઇ ફકીરાને 8 લાખનો માલ વેચાણથી આપ્યો હતો. જેની સામે મહેબુબભાઇએ ચેક આપ્યા હતા. આ ચેક રિટર્ન થતા ભરતભાઇએ મહેબુબભાઇની સામે કોર્ટમાં કેસ કર્યો હતો.
આ કેસ ચાલી જતાં મહેબુભાઇ તરફે વકીલ રિધ્ધિશ મોદીએ દલીલો કરી હતી કે, મહેબુબભાઇએ ભરતભાઇની સાથે કોઇ વેપાર કર્યો નથી. મહેબુબભાઇની પાસેથી અન્ય એક દલાલ મહેબુબ બતીવાલાએ ચેકો લઇને ભરતભાઇને આપ્યા છે અને ખોટા કેસો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દલીલો કરવામાં આવી હતી કે, ડેઝી ફેબના માલિક શારદાબેન પોતે જુબાની આપવા માટે સક્ષમ હતા, પરંતુ તેઓ આવી શક્યા નથી, અને તેઓને આ ધંધાકીય વ્યવહારની જાણકારી પણ ન હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ મહેબુબભાઇને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો.