સુરત શહેરમાં પાડેસરા જીઆઇડીસી સાથે સાથે ઠેકઠેકાણે પ્રદુષણ ઓકતા એકમોની ભરમાર થઇ ગઇ છે. ડીંડોલી નંદનવન ટાઉનશીપ સામે રેલ્વે ટ્રેક ઉપર આવેલી ગેરકાયદે ડાંઇગને બચાવવા કેટલાંક લોકોએ ધમપછાડા શરૂ કરી દીધા છે.
પાંડેસરાની મિલો દ્વારા ચિંધી સહિતના બળતનો ઉપયોગ કરીને પ્રદૂષણ વધારવાને કારણે જીપીસીબી દ્વારા ન્યુ પારસ પ્રિન્ટ સહિત ભાગ્યલક્ષ્મી મળી 14 મિલોમાં તપાસ કરવામાં આવી હતી. જોકે, સાથે સાથે પાંડેસરા જીઆઈડીસીની નજીકના વિસ્તારોમાં જ ચાલતી તપેલા ડાઈંગ દ્વારા પણ પ્રદૂષણ કરવામાં આવી રહ્યું છે. ડીંડોલી વિસ્તારમાં નંદનવન ટાઉનશીપ નજીક રેલ્વે ટ્રેકને અડીને એક બ્લ્યુ કલરના પતરાના શેડ વચ્ચે ધમધમતી મારૂતિ એન્ટરપ્રાઈઝ નામની ગેરકાયદે ડાઈંગ હાઉસ દ્વારા ગેરકાયદે ચિમની પણ ઊભી કરી દેવામાં આવી હતી.
આ મુદ્દે જીપીસીબીની કોઈ જ મંજૂરી પણ લેવામાં આવી નથી. આ ગેરકાયદે ડાઈંગને કારણે આસપાસના રહીશોમાં ભારે રોષની લાગણી ફરી વળવા પામી છે. સ્થાનિક લોકો દ્વારા જીપીસીબીને રજૂઆતો કરવામાં આવી હતી. આ સ્થિતિ વચ્ચે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડનું લાઈઝનિંગ કરતી ટોળકી એક્ટિવ થઇ ગઇ છે. આ ટોળકી મિલમાલિકોને વાળ પણ વાંકો નહિ થાય તેવા ફાંકા મારી રહી છે. જીપીસીબી સાથે ઘરોબો ધરાવતી કેટલીક કન્સલ્ટન્સી એજન્સીઝના માણસો આ ડાઇંગ હાઉસ સંચાલકો પાસે રૂપિયા ખંખેરી રહ્યા છે. આ ટોળકી જીપીસીબી કચેરીમાં સેટિંગ કરવાના નામે પણ એકમો પાસેથી રૂપિયા ઉઘરાવી રહી છે.
કાયદેસરનું કામ હોય તો પણ જીપીસીબીમાં વચેટિયા વિના નહીં થાય
ગુજરાત સરકાર સરકારી સિસ્ટમ પારદર્શિ અને ભ્રષ્ટાચારમુકત બનાવવાની વાતો કરે છે. સરકારે ઘણા ખાતાઓમાં ધરમૂળથી ફેરફારો કરી ભ્રષ્ટ રીતરસમ ઉપર લગામ ખેંચી છે. પરંતુ આજની તારીખે જીપીસીબી વચેટિયાઓથી મુકત થઇ શકયું નથી. જીપીસીબીમાં મંદજૂરી લેવાથી શરૂ કરીને ઇસી સુધી લાખ્ખો રૂપિયાનો વહીવટ ચાલે છે. સીઇટીપી માટે પણ લાખ્ખો રૂપિયા પ્રસાદી અપાય છે. આ બધા માટે કારણભૂત માત્ર અને માત્ર કેટલીક કન્સલ્ટન્સી એજન્સી જ છે. જીપીસીબીમાં એક પણ કામ એજન્સી કે વચેટિયા વગર શકય નથી. જીપીસીબીમાં ભ્રષ્ટાચારે માઝા મુકી છે. અધિકારીઓ મહિને લાખ્ખો રૂપિયાના હપ્તા ખંખેરે છે.