SURAT

હીરાના બદલે પડીકામાં વિમલ ગુટખા મુકી દલાલે મહીધરપુરાના વેપારીને છેતર્યો

સુરત: મહિધરપુરા જદાખાડી કનકશાંતિ બિલ્ડિંગમાં ધંધો કરતા હીરા વેપારી સાથે તેના દલાલે રૂપિયા 30 લાખની છેતરપિંડી કરી હોવાનો મામલો સામે આવ્યો છે. દલાલે તેની પાર્ટીને બતાવાને બહાને રૂપિયા 32 લાખના હીરાનો માલ લીધો હતો અને વેપારીને વિશ્વાસમાં લેવા માટે ટોકન પેટે 2 લાખ આપી હીરાના પાર્સલો મેળવી લીધા બાદ પાર્સલમાંથી ઓરીજનલ હીરાઓ કાઢી તેના બદલામાં વિમલ ગુટખાના ટુકડાઓ મુકી 30 લાખની છેતરપિંડી કરી હતી.

મહિધરપુરા પોલીસના જણાવ્યા મુજબ અડાજણ દિપા કોમ્પ્લેક્ષ સોસાયટી અરિહંત વિલા બિલ્ડિંગમાં રહેતા રૂભષ ચંપકભાઈ વોરા (ઉ.વ.32) મહિધરપુરા જદાખાડી કનકશાતિ બિલ્ડિંગમાં ભાગીદારીમાં હીરાની ઓફિસ ચલાવી હીરાની લે-વેચનો ધંધો કરે છે. રૂષભભાઈની ઓફિસમાં છેલ્લાં ચાર મહિનાથી દુરના સંબંધી રાહીલ મિતેશ માંજની (રહે, આનંદવિલા એપાર્ટમેન્ટ દીપા કોમ્પ્લેક્ષ અડાજણ પાટીયા) હીરા દલાલ તરીકે કામ કરે છે. રાહીલએ તેના મિત્ર ડાયમંડ જવેલરીનું કામ કરે છે અને તેને હીરાના જરૂરીયાત મોટા પ્રમાણમાં રહે છે. રાહીલએ પેમેન્ટની જવાબદારી પણ લીધી હતી અને ૦.૭૫ ટકા દલાલીની વાત કરી હતી.

રૂષભભાઈએ માર્કટમાં તપાસ કરતા રાહીલ વેપારીઓને સમયસર પેમેન્ટ ચુકવતો હોવાનું રેફરન્સ મળતા તેના ઉપર વિશ્વાસ તે દલાલ તરીકે વચ્ચે પાડી વેપાર ચાલુ કર્યો હતો. શરુઆતમાં રાહીલ માંજનીએ હીરાના માલનું સમયસર પેમેન્ટ ચુકવી આપતો હતો ત્યારબાદ ગત તા 13 ફેબ્રુઆરી અને 6 માર્ચના રોજ રૂપિયા વ્હાઈટ પોલીશ રાઉન્ડ નેચરલ ક્વોલીટીના કુલ 127.79 કેરેટ તૈયાર હીરા જેની કિંમત રૂપિયા 32,04,442 થાય છે જે હીરાના અલગ અલગ કેરેટના સાત પાર્સલ ઓફિસથી વેપારીને બતાવાને માટે લઈ જવાનું કહી લીધા હતા અને ટોકન પેટે રૂપિયા 2 લાખ આપ્યા હતા અને તમામ પાર્સલના ત્રણ પાર્સલ બનાવી સહી કરી સીલબંધ રીતે પરત આપ્યા હતા.

સાત દિવસ થવા છતાં રાહીલ પાર્સલ લેવા આવ્યો ન હતો કે પેમેન્ટ પણ કરતો ન હતો અને ફોન કરતા પાર્સલનું સીલ તોડતા નહીં તેમ કરી બીજા દસેક દિવસ કાઢી નાંખતા તેના ઉપર શંકા ગઈ હતી અને પાર્સલ તેના ઘરે લઈ જઈ તેની અને માતા પિતાની હાજરીમાં ખોલતા પાર્સલમાંથી ઓરીજનલ હીરાના બદલે વિમલ ગુટખાના ટુકડા નીકળ્યા હતા.

રૂભષે પુછતા રાહીલે તેની પાસે કોઈ હીરા નથી વેપારીને જોવા માટે આપ્યા હતા. ઓરીજનલ હીરા ક્યાં છે કોણે બદલેલા છે તેની ખબર નથી એમ કહી ઘરમાંથી કાઢી મુક્યા હતા. રાહીલ માંજનીએ પાર્સલમાંથી ઓરીજનલ હીરા કાઢી રૂપિયા 30,04,442ની છેતરપિંડી કરી હતી. પોલીસે રૂષભભાઈ વોરાની ફરિયાદને આધારે દલાલ રાહીલ માંજની સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top