બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જહોનસનનો ટેસ્ટ પોઝિટિવ આવ્યાના દસ દિવસ પછી પણ કોરોનાવાયરસના લક્ષણો ચાલુ જ રહેતા પરીક્ષણો માટે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા તે બાબતને એક પૂર્વસાવચેતીનું પગલું ગણાવવામાં આવી છે. તેમના ડોકટરની સલાહ મુજબ આ પગલું ભરવામાં આવ્યું છે એમ વડાપ્રધાન આવાસના એક પ્રવકતાએ જણાવ્યું હતું. પંચાવન વર્ષીય જહોનસનને તાવ સહિતના લક્ષણો ચાલુ જ રહેતા સ્થાનિક સમય પ્રમાણે રવિવારે સાંજે લંડનની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વડાપ્રધાને એનએચએસના કર્મચારીઓનો તેમના સખત કાર્ય બદલ આભાર માન્યો હતો અને લોકોને ઘરે રહેવા માટેની સરકારની સલાહનું પાલન કરવાની વિનંતી કરી હતી એ મુજબ પ્રવકતાએ જણાવ્યું હતું.
વડાપ્રધાન પાસે સરકારનો અખત્યાર ચાલુ રહ્યો છે પરંતુ આજે યોજાનાર કોરોનાવાયરસ બેઠકની અધ્યક્ષતા વિદેશ મંત્રી સંભાળશે એમ બીબીસીએ અહેવાલ આપ્યો હતો. જહોનસનને કોવિડ-૧૯ હોવાનું નિદાન થયા બાદ તેઓ સાત દિવસના સેલ્ફ આઇસોલેશનમાં ગયા હતા. શુક્રવારે આ આઇસોલેશન પુરું થવાનું હતું પણ તેમણે તે લંબાવ્યુ હતું. આના પછી હજી પણ તેમને શરીરનું વધારે તાપમાન ચાલુ રહ્યું છે જ કોરોનાવાયરસ સાથે સંકળાયેલું એક લક્ષણ છે. જહોનસને એક વીડિયો મેસેજમાં જણાવ્યું છે કે જો કે સાત દિવસના આઇસોલેશન પછી મને સારું લાગે છે છતાં હજી એક નાનું લક્ષણ ચાલુ છે.
દરમ્યાન, જહોનસનને સાજા થઇ જવા માટે અનેક લોકો શુભેચ્છા પાઠવી રહ્યા છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક પ્રેસ બ્રિફિંગમાં જણાવ્યું હતું કે અમેરીકા જહોનસનને શુભેચ્છાઓ પાઠવે છે, બધા અમેરિકનો તેમના માટે પ્રાર્થના કરે છે. જ્યારે નવા ચૂંટાયેલા લેબર પાર્ટીના નેતા કીર સ્ટારમરે પણ જહોનસનને ઝડપથી સાજા થઇ જવા માટે શુભેચ્છા પાઠવી હતી.