Comments

સદરહુ બાબત આપ સાહેબના ધ્યાન પર લાવતાં જણાવવાનું કે…

ભાષા એકત્વ સાધે કે ભેદ કરાવે? બાઈબલમાં આવતી ‘ટાવર ઑફ બાબેલ’ની જાણીતી કથા અનુસાર માનવો ઈશ્વર સુધી પહોંચી શકાય એવો ટાવર બનાવવાનું શરૂ કરે છે. એ સમયે સમગ્ર પૃથ્વી પર સૌ કોઈ એક જ ભાષા બોલતા હોય છે. આથી જોતજોતાંમાં તેઓ ટાવરનિર્માણને આગળ ધપાવે છે. ઈશ્વરને લાગે છે કે માનવો આ રીતે તેમના સુધી પહોંચી જશે. આથી તેઓ સૌ મનુષ્યોની ભાષા અલગ અલગ કરી દે છે. આ કથાનો એક સાર એ કાઢી શકાય કે ભાષા અલગ અલગ હોય તો પ્રત્યાયનમાં ઘણી મુશ્કેલી પડે છે અને ભાગ્યે જ ઐક્ય સાધી શકાય છે. આ વાત થઈ સાવ ભિન્ન ભાષાઓની. પણ એક જ ભાષામાં આમ બનવાની શક્યતા કેટલી? ‘બાર ગાઉએ બોલી બદલાય’ ઉક્તિ અનુસાર આપણે ત્યાં એક જ ભાષામાં પણ અનેક બોલીઓનું વૈવિધ્ય જોવા મળે છે.

બોલીઓ પ્રદેશ અને વ્યવસાય આધારિત હોવા ઉપરાંત ન્યાતજાત મુજબ પણ તે અલગ રહેતી. ગાંધીજી દ્વારા અમદાવાદમાં સ્થપાયેલી ગુજરાત વિદ્યાપીઠમાં એક સમયે વિવિધ ક્ષેત્રના પારિભાષિક શબ્દોનો કોશ તૈયાર કરવાનું મહત્ત્વનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. આમ છતાં, અસલ સરકારી વ્યવહાર, દસ્તાવેજો કે પરિપત્ર ગુજરાતી ભાષામાં હોય તો પણ તેનો સાદા ગુજરાતીમાં અનુવાદ કરાવવો પડે એવી સ્થિતિ મોટે ભાગે જોવા મળે છે. આ સ્થિતિને સહુએ સ્વીકારી લીધી હોવાથી તેમાં ખાસ કશો ફેરફાર થાય એવી શક્યતા નજીકના ભવિષ્યમાં જણાતી નથી.

સરકારી ભાષા અંગેની સમસ્યા કેવળ આપણા રાજ્યની કે દેશની છે એમ માની લેવાની જરૂર નથી. ગત મહિને ન્યુઝીલેન્ડમાં આ અંગે ચર્ચા, બલ્કે વિવાદ ચાલી રહ્યો હતો એમ કહેવું વધુ ઉચિત ગણાશે. એ પછી ૧૯ ઑક્ટોબરે આ ખરડો પસાર થઈને તેને કાનૂનનું સ્વરૂપ મળી ગયું છે. ‘પ્લેઈન લેન્ગ્વેજ બીલ’ અથવા ‘સરળ ભાષા ખરડા’ દ્વારા સરકારી વ્યવહારની ભાષાને ‘સ્પષ્ટ, સંક્ષિપ્ત, સુવ્યવસ્થિત અને સુયોગ્ય’ કરવાની તેમાં જોગવાઈ હતી. ખરડો સૂચવતો હતો કે સરકારી ભાષા-પરિભાષાથી ન્યૂઝીલેન્ડનાં લોકો પણ ત્રસ્ત છે.

આ ખરડામાં મુખ્ય ભાર અમલદારો દ્વારા સરળ ભાષા વાપરવા પર હતો. આ ખરડો રજૂ કરનાર સાંસદ રકેલ બોયકના જણાવ્યા અનુસાર, ‘ન્યૂઝીલેન્ડમાં વસતાં લોકોને તેમની સરકાર શું કરવાનું કહી રહી છે, પોતાના અધિકારો કયા છે અને સરકાર તરફથી તેમને શા હક પ્રાપ્ત છે એ જાણવાનો અધિકાર છે.’ રકેલનું એમ પણ કહેવું છે કે લોકો સમજી ન શકે એ ભાષામાં વ્યવહાર કરવાથી પોતાને મળવાપાત્ર સેવાઓ સાથે લોકો પોતાને સાંકળી શકતા નથી. તેને કારણે તેઓ સરકારમાંથી વિશ્વાસ ગુમાવે છે અને સમાજમાં પૂરેપૂરી હિસ્સેદારી કરી શકતા નથી.

અંગ્રેજીને દ્વિતીય ભાષા તરીકે બોલનારા, કૉલેજ શિક્ષણ ન લીધેલા, વિકલાંગ કે વયસ્ક લોકો આ બાબતે સૌથી અસરગ્રસ્ત લોકો હોય છે. સરળ ભાષાના તરફદારોનો એક મોટો વર્ગ આ બાબતને સામાજિક ન્યાય અને લોકશાહીના હક સાથે સાંકળે છે. તરફદારો માને છે કે આ દેશના સરકારી વ્યવહારની ભાષામાં સુધારણા માટે પૂરતો અવકાશ છે. આ બાબતને પ્રોત્સાહન મળે એટલા માટે ‘શ્રેષ્ઠ વાક્ય રૂપાંતર’ સહિત બીજાં પારિતોષિક ઘોષિત કરવામાં આવ્યાં છે.

એટલે કે, કોઈ ચલણી, અટપટા સરકારી વાક્યનું રૂપાંતર સરળ ભાષામાં ઉત્તમ રીતે કરી શકે તેને પુરસ્કૃત કરવાનું. આ પુરસ્કાર શરૂ કરનારાં અને સાદી ભાષા અંગેની કન્સલ્ટન્સી ‘રાઈટ લિ.’નાં નિદેશક લીન્ડા હેરીસ માને છે કે ‘ખરાબ’ વાક્ય કેવળ કળાત્મકતાના અભાવ કરતાં ઘણી વધુ ગંભીર બાબત છે. લોકોના જીવનની સૌથી અંતરંગ અને અગત્યની બાબતો સરકારી વ્યવહાર દ્વારા નક્કી થાય છે, જેમ કે, ઈમિગ્રેશનની જાણકારી, છૂટાછેડાનાં કાગળિયાં, કલ્યાણકારી યોજનાઓ થકી મળતા લાભ, મકાન બાંધવા માટેની ક્ષમતા નક્કી કરવી વગેરે.

લોકશાહી હોવાથી આ ખરડાનો વિરોધ ન થાય તો જ નવાઈ. વિરોધ માટે પણ સૌનાં પોતપોતાનાં કારણો હતાં. કેટલાંક માનતાં હતાં કે આ ખરડામાં અમુક બાબતોની સ્પષ્ટતા થઈ નથી. વિરોધ પક્ષની દલીલ એવી હતી કે એનાથી ‘સરળ ભાષા નિરીક્ષણ અધિકારી’ થકી અમલદારશાહીનું અને એની કિંમતને લગતું વધુ એક સ્તર ઉમેરાશે, અને ભાષાના સરળીકરણનું ખરેખરું કામ થશે નહીં. ન્યૂઝીલેન્ડની ‘નેશનલ પાર્ટી’ના સાંસદ ક્રિસ બીશપે કહ્યું હતું, ‘સાવ સરળ ભાષામાં મને કહેવા દો કે આ ખરડો આ સત્રમાં સરકાર સમક્ષ આવેલો સૌથી મૂર્ખામીયુક્ત ખરડો છે. અમારો પક્ષ એને પાછો લેવડાવશે.’ આ ખરડો લાવનાર સત્તાધારી ‘લેબર પાર્ટી’ના નેતાઓની દલીલ છે કે સરવાળે આનાથી ફાયદો થશે. લોકો સરળતાથી વેરો ભરી શકશે, જેનાથી વેરાની રકમમાં વધારો થશે, કૉલ સેન્ટર થકી ઓછો સમય વેડફાશે, ગૂંચવાયેલાં લોકો સાથે કર્મચારીઓ સારી રીતે કામ પાર પાડી શકશે અને સરકારમાં લોકોનો વિશ્વાસ વધશે.

ભાષાવિદ્ ડૉ. એન્ડ્રીઆ કેલ્યુડ, જો કે, માને છે કે, ‘આપણે સૌ કોઈ ચોક્કસ દૃશ્યનું વર્ણન કરવા માટે આપણને ફાવે એ રીતે ભાષાનો ઉપયોગ કરીએ છીએ. સાદી અને સરળ ભાષામાં આવા કોઈ વર્ણન માટે અવકાશ રહેતો નથી.’ તેમણે કહેલી સૌથી અગત્યની વાત એ છે કે સાદાં વાક્યો કંઈ આપમેળે પારદર્શિતા તરફ દોરી નહીં જાય. આ ખરડાએ હવે કાનૂનનું સ્વરૂપ લઈ લીધું છે, પણ આમાં બે બાબતો મહત્ત્વની જણાય છે. પહેલું તો ક્લિષ્ટ સરકારી ભાષાના વ્યવહારુપણાની આ નિમિત્તે ચર્ચા થઈ અને એ મુદ્દો ધ્યાનમાં આવ્યો. બીજું એ કે વ્યવહારમાં પારદર્શિતા સાવ અલગ બાબત છે. ભાષા કેવળ એક માધ્યમ છે. ‘લાંચ આપવા’ માટે ‘ચા પાણી’, ‘વહેવાર’, ‘સમજી લેવું’ જેવા મૌલિક શબ્દપ્રયોગો શોધી કાઢનારા આપણા રાજ્ય કે દેશના લોકોથી વિશેષ આ હકીકત કોણ જાણતું હોય!
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top