નવી દિલ્હી: મહિલા કુસ્તીબાજો (Wrestlers) દ્વારા રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે કરાયેલા યૌન શોષણના આક્ષેપોના ધરણાં (Protest) પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહે (BrijBhushan Sharan Sinh) ધરણાં કરનારા કુસ્તીબાજો વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં (Delhi High Court) અરજી કરી છે. ગંભીર આરોપ લગાવનારા કુસ્તીબાજો વિનેશ ફોગટ (Vinesh Fogat) અને સાક્ષી મલિક (Sakshi Malik) સહિત અનેક કુસ્તીબાજોને બ્રિજભૂષણ શરણ સિંહે આરોપી બનાવ્યા છે. તેણે પોતાના પર લાગેલા યૌન શોષણના આરોપો સામે અરજી દાખલ કરી છે.
અરજીમાં એવા આક્ષેપ કરાયા છે કે કુસ્તીબાજોએ જાતીય સતામણી (Sexual Abused) કાયદાનો દુરુપયોગ કરી ન્યાયિક પ્રણાલીની મજાક ઉડાવી છે. જો કોઈ કુસ્તીબાજનું યૌન શોષણ થયું હોય તો તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીને કોર્ટ અને કાયદાકીય પ્રક્રિયા દ્વારા ન્યાયની માંગણી કરવી જોઈતી હતી. કુસ્તીબાજો પર કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કરવાનો અને કુસ્તી સંઘના પ્રમુખને રાજીનામું આપવા દબાણ કરવાનો આરોપ અરજીમાં કરાયો છે.
એડવોકેટ શરીકાંત પ્રસાદે કહ્યું કે આ કેસમાં અરજદાર વિકી છે, જે સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના સત્તાવાર નિવાસસ્થાન 21, અશોકા રોડ ખાતે રહે છે અને તેમના રસોઈયા તરીકે કામ કરે છે. અરજીમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે વિરોધ કરી રહેલા ખેલાડીઓએ જાહેરમાં મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણીનો ગંભીર આરોપ લગાવીને બ્રિજ ભૂષણની પ્રતિષ્ઠા અને સન્માનને કલંકિત કર્યા છે.
તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે મહિલા પહેલવાનો સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા સહિતના ઘણા મોટા કુસ્તીબાજોએ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે દિલ્હીના જંતર-મંતર પર જાતીય સતામણીનો આરોપ લગાવતા વિરોધ કર્યો હતો. ગયા શુક્રવારે તા. 20 જાન્યુઆરીની મોડી રાત્રે સરકારે કુસ્તીબાજોને ખાતરી આપી કે તેમની ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવશે. આ પછી કુસ્તીબાજોએ પોતાનો વિરોધ બંધ કરી દીધો અને રમત મંત્રાલયે બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા. આ સિવાય બ્રિજ ભૂષણને રેસલિંગ એસોસિએશનથી ચાર અઠવાડિયા સુધી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું હતું. આ દરમિયાન એક મોનિટરિંગ કમિટી બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જાતીય સતામણી અને નાણાકીય અનિયમિતતાના આરોપોની તપાસ કરશે.