Dakshin Gujarat Main

બુલેટ ટ્રેનું કામ બુલેટ ગતિએ, દક્ષિણ ગુજરાતની આ 6 નદી પર પુલ તૈયાર થઈ ગયા

સુરત(Surat): અમદાવાદથી (Ahmedabad) શરૂ કરીને મુંબઈ (Mumbai) સુધી દોડનારી બુલેટ ટ્રેનનું (BulletTrain) કામ હાલમાં બુલેટની ગતિએ ચાલી રહ્યું છે. બુલેટ ટ્રેનના રૂટમાં 24 નદીઓ પર પુલ બનાવવામાં આવનાર છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં છ નદીઓ પર બુલેટ ટ્રેનના પુલ તૈયાર થઈ ગયા છે.

  • ગુજરાતમાં જમીન સંપાદનની કામગીરી પુરી, મહારાષ્ટ્રમાં પૂર્ણ થવાના આરે
  • એક જ વર્ષમાં બુલેટ ટ્રેન માટે 115.8 કિ.મી.નો વાયડક્ટ તૈયાર થઈ ગયો

જે છ નદીઓ પર પુલ બની ગયા તેમાં પાર (વલસાડ જિલ્લો), પૂર્ણા (નવસારી જિલ્લો), મિંઢોળા (નવસારી જિલ્લો), અંબિકા (નવસારી જિલ્લો), ઔરંગા (વલસાડ જિલ્લો) અને વેંગાણીયા (નવસારી જિલ્લો) નદી પરના પુલનો સમાવેશ થાય છે. જ્યારે નર્મદા, તાપી, મહી અને સાબરમતી જેવી અન્ય નદીઓ પર પુલ બનાવવાની કામગીરી ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે, બુલેટ ટ્રેન માટે માત્ર વર્ષ 2023ના એક વર્ષમાં 115.8 કિલોમીટરનો વાયડક્ટ થઈ ગયો છે. ઉપરાંત 267 કિલોમીટરનું પિયર કાસ્ટિંગ પણ પુર્ણ થઈ ગયું છે. ગુજરાત-દાદરા નગર હવેલીમાં જમીન સંપાદનનું કામ 100 ટકા પુર્ણ થઈ ગયું છે. મહારાષ્ટ્રમાં જમીન સંપાદનનું કામ 99.83 ટકા થયું છે.

પ્રથમ માઉન્ટેન ટનલ માત્ર 10 જ મહિનામાં તૈયાર, પ્રથમ સ્ટીલ બ્રિજ સુરત-ધુલિયા હાઈવે પર તૈયાર કરાયો
ગુજરાતના વલસાડના જરોલી ગામ નજીક આવેલી 350 મીટર લંબાઈ અને 12.6 મીટર વ્યાસની પ્રથમ માઉન્ટેન ટનલ માત્ર 10 મહિનામાં પૂર્ણ કરીને એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી હતી. પ્રથમ સ્ટીલ બ્રિજ, જે 70 મીટરમાં ફેલાયેલો છે અને તેનું વજન 673 મેટ્રિક ટન છે, તે ગુજરાતના સુરતમાં એનએચ 53 પર બાંધવામાં આવ્યો હતો. આવા કુલ 28 માંથી 16 પુલો (ગુજરાતમાં 17 પુલ અને મહારાષ્ટ્રમાં 11 પુલ) ફેબ્રિકેશનના વિવિધ તબક્કાઓ હેઠળ છે.

સમગ્ર રૂટમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ક્યા પહોંચી

  • ગુજરાતના તમામ 8 સ્ટેશન વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, આણંદ, વડોદરા, અમદાવાદ અને સાબરમતી પર કામગીરી છેલ્લા તબક્કામાં
  • ભારતમાં પહેલીવાર જે-સ્લેબ બેલાસ્ટલેસ ટ્રેક સિસ્ટમનો ઉપયોગ થઇ રહ્યો છે
  • મહારાષ્ટ્રમાં બીકેસી અને શિલફાટા વચ્ચે ભારતની પ્રથમ 7 કિલોમીટરની દરિયાની નીચે રેલ ટનલ કે જે 21 કિલોમીટર લાંબી ટનલનો એક ભાગ છે તેના માટે કામની શરૂઆત થઈ ગઈ છે.
  • સુરત અને સાબરમતી એચએસઆર ડેપોમાં કામ શરૂ થઈ ગયું છે. ગુજરાતના સુરત અને આણંદમાં બે સ્લેબ ટ્રેક ઉત્પાદન ફેક્ટરીઓ સ્થાપવામાં આવી છે.
  • મહારાષ્ટ્રમાં 3 સ્ટેશનો (બોઇસર, વિરાર અને થાણે) સહિત બાકીના એલાઇનમેન્ટ માટે જીયોટેકનું કામ પ્રગતિ હેઠળ છે
  • સાબરમતી મલ્ટિમોડલ ટ્રાન્ઝિટ હબની કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે.

કામગીરી દરમિયાનના ઘોંઘાટને અટકાવવા માટે વાયડક્ટની બંને બાજુ અવરોધો ઊભા કરાયા
કામગીરી દરમિયાન ટ્રેન અને સિવિલ સ્ટ્રક્ચર્સ દ્વારા પેદા થનારા ઘોંઘાટને ઘટાડવા માટે, વાયડક્ટની બંને બાજુ અવાજના અવરોધો ઉભા કરવામાં આવી રહ્યા છે. જાપાનીઝ શિંકનસેનમાં ઉપયોગમાં લેવાતી રિઇન્ફોર્સ્ડ કોંક્રિટ (આરસી) ટ્રેક સિસ્ટમ મુજબ એમએએચએસઆર કોરિડોર માટે પ્રથમ ટ્રેક પાથરવાની શરૂઆત સુરત અને આણંદમાં થઈ છે.

Most Popular

To Top