કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ, સીએમ વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આજે એસજી હાઈવે પર જુદા જુદા ત્રણ ફલાય ઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં વૈષ્ણોદેવી ફ્લાઇ-ઓવર બ્રિજ, ખોડિયાર કન્ટેનર યાર્ડ ફ્લાઇ-ઓવર બ્રિજ અને છત્રાલ-પાનસર રોડ ખાતે રેલવે ઓવર બ્રિજનો સમાવેશ થાય છે. હાલમાં સરગાસણ અને ઈન્ફોસીટી ફલાયઓવર બ્રિજનું કાર્ય પ્રગિતમાં છે .
ગાંધીનગરમાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહે કહ્યું હતું કે ૨૦૧૬માં સરખેજ – ગાંઝધીનગર હાઈવેને સિક્સ લેન કરવા ૮૬૪ કરોડની યોજના અમલમાં મૂકવામાં આવી હતી જેના ભાગરૂપે અત્યાર સુધીમાં ચાર ફલાય ઓવર બ્રિજનું લોકાર્પણ કરાયુ છે. આજે જે ત્રણ ફલાય ઓવર બ્રિજનું લોકાર્પણ કરાયું છે, તેના નિર્માણ માટે ૮૨ કરોડનો ખર્ચે કરાયો છે. આ ઉપરાંત કલોલ ખાતે ખેત ઉત્પન્ન બજાર સમિતિના નવા નિર્માણ પામેલા બિલ્ડિંગનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
નોંધપાત્ર બાબત એ છે કે સરખેજ ગાંધીનગર હાઈવે અને ઔડા રિંગ રોડના જંક્શન પર બનેલો વૈષ્ણોદેવી ફ્લાયઓવર રૂ. ૨૮ કરોડના ખર્ચે તૈયાર થયો છે. જ્યારે ખોડિયાર કન્ટેનર યાર્ડ પાસે બનેલો ફલાયઓવર ૧૭ કરોડના ખર્ચે નિર્માણ પામ્યો છે. સર્વિસ રોડ અને સ્ટ્રીટ લાઈટ સહિતની સુવિધા ધરાવતા આ ફ્લાયઓવર અનુક્રમે ૧૧૯૫ મીટર અને ૭૯૪ મીટરની લંબાઈ ધરાવે છે. જયારે ગાંધીનગર જિલ્લાના પાનસર – છત્રાલ રોડ પર રૂપિયા ૩૪.૯૨ કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ અને કલોલ તાલુકાની એ.પી.એમ.સી.નું રૂપિયા ૨ કરોડના ખર્ચે કાર્યાલયનું નિર્માણ કરાયું છે.